આપણે અત્યાર સુધી જે કમ્પ્યૂટર કે ફોન વાપરીએ છીએ, તેને જે પણ કહીએ તે જ પ્રમાણે તે કામ કરે છે. જો તમે તમારા ફોનને કહો કે એક સુંદર ચિત્ર બનાવો, તો તે એક એપ્લિકેશન દ્વારા ચિત્ર બનાવી દેશે, પરંતુ જો તમે તેને કહો કે `મારી આગામી પરીક્ષા માટે અભ્યાસનું એક ઉત્તમ સમયપત્રક બનાવો, મારી નબળાઈઓ શોધો તો શું સાધારણ સોફ્ટવેર તે કરી શકશે? ના, પણ હવે આ કાર્ય `સ્વાયત્ત એઆઈ એજન્ટ્સ' કરી શકે છે.   

સ્વાયત્ત એઆઇ એટલે શું?

`સ્વાયત્ત' શબ્દનો અર્થ થાય છે જે પોતાની મેળે, કોઈ પણ માનવીય મદદ વગર, પોતાના નિર્ણયો લઈને કામ કરી શકે. `એઆઈ' એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા.  

જ્યારે આ બે વસ્તુઓ ભેગી થાય છે, ત્યારે `સ્વાયત્ત એઆઈ એજન્ટ' બને છે. આ એક એવો ડિજિટલ સાથીદાર છે જેને તમે માત્ર એક લક્ષ્ય આપો છો અને તે લક્ષ્ય સુધી પહોંચવા માટેના તમામ નાનાં-મોટાં પગલાંઓ તે પોતાની બુદ્ધિથી નક્કી કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા મમ્મી કે પપ્પાને કહો કે, `મને ભૂખ લાગી છે', તો તેઓ માત્ર ખોરાક આપીને અટકી નથી જતા. તેઓ વિચારશે કે તમને શું ભાવે છે, ઘરમાં શું સામગ્રી છે, રસોઈ બનાવવામાં કેટલો સમય લાગશે અને પછી તે પ્રમાણે રસોઈ બનાવીને પીરસશે. સ્વાયત્ત એઆઈ એજન્ટ પણ કંઈક આ જ રીતે કામ કરે છે. જૂની અને નવા સ્વાયત્ત એજન્ટ્સ વચ્ચેનો તફાવત

આપણે અત્યાર સુધી જે સોફ્ટવેર વાપરતા હતા, તેને આપણે જે પ્રશ્ન પૂછીએ તેનો તે માત્ર ઉત્તર આપતો હતો.  

જૂની સિસ્ટમ: તમે પૂછો, `ગુજરાતના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળો કયાં છે?' તે તમને સ્થળોનું લિસ્ટ આપી દેશે.  

નવો સ્વાયત્ત એજન્ટ: તમે કહો, `મારી પાંચ દિવસની ગુજરાત યાત્રાનું આયોજન કરો.' હવે આ નવો એજન્ટ શું કરશે? તે પ્રવાસનાં સ્થળો પસંદ કરશે. તે ટ્રેન કે વિમાનની ટિકિટની કિંમત તપાસશે. હોટલનું બુકિંગ ચકાસશે. હવામાનની આગાહી જોશે. આ બધું જ ભેગું કરીને એક સંપૂર્ણ યોજના તૈયાર કરીને તમારી સામે મૂકી દેશે. આ તફાવત દર્શાવે છે કે આપણે પ્રશ્નોત્તરીથી આગળ વધીને કામ કરનારા ડિજિટલ સહાયકો તરફ વધી રહ્યા છીએ.  

સ્વાયત્ત એજન્ટ્સ કેવી રીતે કામ કરે છે?

આ એજન્ટ્સ મુખ્યત્વે ચાર તબક્કામાં કાર્ય કરે છે:  

1) લક્ષ્ય સમજવું: જ્યારે તમે તેને કોઈ કામ સોંપો છો, ત્યારે તે સૌથી પહેલાં તે કામનો મુખ્ય હેતુ સમજે છે.  

2) યોજના બનાવવી: તે કામને નાના-નાના ભાગમાં વહેંચી દે છે. જેમ કે, શાળાના પ્રોજેક્ટ માટે પહેલાં માહિતી ભેગી કરવી, પછી ચિત્રો શોધવાં અને પછી લેખનકાર્ય કરવું.  

3) સાધનોનો ઉપયોગ કરવો: તે ઈન્ટરનેટ, કમ્પ્યૂટર ફાઈલો, ગણનયંત્રો અને અન્ય કાર્યક્રમોનો ઉપયોગ કરીને દરેક નાનું કામ પૂરું કરે છે.  

4) ભૂલોમાંથી શીખવું અને સુધારવું: જો કોઈ રસ્તો કામ ન કરે, તો તે અટકતો નથી. તે બીજો રસ્તો શોધે છે.  

બાળકો માટે આ ટેક્નોલોજીનું મહત્ત્વ

શિક્ષણ ક્ષેત્રે સ્વાયત્ત એજન્ટ્સ મોટો બદલાવ લાવી રહી છે.  

1) વ્યક્તિગત શિક્ષક: દરેક બાળક માટે શીખવાની ઝડપ અલગ હોય છે. સ્વાયત્ત એજન્ટ દરેક વિદ્યાર્થીની જરૂરિયાત સમજીને તેને અનુકૂળ પાઠ્યક્રમ તૈયાર કરી શકે છે. જો તમને ગણિતનો કોઈ નિયમ ન સમજાતો હોય, તો તે તમને જુદી જુદી વાર્તાઓ અને રમતો દ્વારા તે નિયમ સમજાવી શકે છે.  

2) સંશોધનમાં મદદ: તમારે શાળાના પ્રોજેક્ટ માટે માહિતી એકઠી કરવાની હોય, ત્યારે આ એજન્ટ્સ વિશ્વભરનાં પુસ્તકોમાંથી સાચી અને ઉપયોગી માહિતી શોધીને રજૂ કરી શકે છે.  

3) સમયનું આયોજન: તે તમને રમતગમત, અભ્યાસ અને આરામ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવામાં મદદ કરી શકે છે.  

આપણા જીવનને કેવી રીતે બદલશે?

1. આરોગ્ય ક્ષેત્રે: ડૉક્ટરોને દર્દીઓની સંભાળ રાખવામાં અને યોગ્ય દવાઓ પસંદ કરવામાં મદદ કરશે.  

 2. રમતગમત ક્ષેત્રે: રમતવીરોને તેમની ખામીઓ બતાવીને વધુ સારા ખેલાડી બનવામાં માર્ગદર્શન આપશે.   

3. પર્યાવરણ રક્ષણ: વૃક્ષોના જતન, પ્રદૂષણ નિયંત્રણ અને પાણીના બગાડને અટકાવવા માટેના ઉપાયો જાતે શોધીને અમલમાં મૂકવામાં મદદ કરશે.               

  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો