બાળકો, તમને ક્યારેક એવો વિચાર આવ્યો છે કે તમારી પાસે એવાં જાદુઈ ચશ્માં હોય, જેનાથી તમે એ જોઈ શકો કે આવતી કાલે શું થવાનું છે, તો કેટલી મજા પડે? કમ્પ્યૂટર વિજ્ઞાનની દુનિયામાં અત્યારે આવો જ એક રોમાંચક જાદુ ઉપલબ્ધ છે, જેને આપણે `પ્રિડિક્ટિવ એઆઈ એનાલિટિક્સ' તરીકે ઓળખીએ છીએ. તે મુખ્ય ત્રણ ઘટકો જેમ કે, કમ્પ્યૂટર વિજ્ઞાન, ગણિત અને ડેટાનો અદ્ભુત સમન્વય છે, જેના થકી તે માત્ર એક અનુમાન લગાવે છે કે ભવિષ્યમાં શું થશે, પરંતુ તે 100 % સાચી ભવિષ્યવાણી નથી હોતી. તો બાળકો, આજે આપણે `એઆઈ' યુગના આ મહત્ત્વના વિષયને એકદમ સરળ અને રસપ્રદ ભાષામાં સમજીએ.   

પ્રિડિક્ટિવ એઆઈ એનાલિટિક્સ એટલે શું?

જ્યારે કમ્પ્યૂટર પોતાની બુદ્ધિનો એટલે એઆઈ પાવરનો ઉપયોગ કરીને જૂની માહિતીનો અભ્યાસ કરે છે અને તેના આધારે ભવિષ્યમાં શું બની શકે છે, તેની સચોટ આગાહી કરે છે, ત્યારે તે થકી પ્રાપ્ત થયેલ પરિણામને `પ્રિડિક્ટિવ એઆઈ એનાલિટિક્સ' કહેવામાં આવે છે. પ્રિડિક્ટિવ એઆઈ એનાલિટિક્સ શબ્દ ત્રણ (પ્રિડિક્ટિવ, એઆઈ, એનાલિટિક્સ) અલગ અલગ શબ્દોનો બનેલો છે.   

 પ્રિડિક્ટિવનો અર્થ થાય છે `ભવિષ્યની આગાહી કરવી' અથવા ભવિષ્યમાં શું થવાનું છે તેનું અગાઉથી અનુમાન લગાવવું. એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા. જ્યારે કમ્પ્યૂટર માણસની જેમ વિચારવાનું અને શીખવાનું શરૂ કરે, તેને એઆઈ કહેવાય. એનાલિટિક્સ એટલે કે માહિતીની ઊંડી તપાસ કરવી અને તેમાંથી અગત્યની પેટર્ન શોધવી. સાથે સાથે બાળકો એ બાબતને પણ યાદ રાખવાની જો કમ્પ્યૂટરને આપવામાં આવેલી માહિતી જ અધૂરી કે ખોટી હોય, તો તેનો જવાબ પણ ખોટો આવી શકે છે. જેમ કે, જો હવામાનની આગાહી કરતાં કમ્પ્યૂટરને પવનની દિશા બદલાવવાનો યોગ્ય પ્રકારનો ડેટા ન મળે, તો તેનો વરસાદનો અંદાજ ખોટો પડી શકે છે. આમ, ડેટા સાચો અને યોગ્ય હોવો અત્યંત જરૂરી છે. ટૂંકમાં, પ્રિડિક્ટિવ એઆઈ એનાલિટિક્સ એ `એઆઈ' યુગની એક અદ્ભુત જાદુઈ ચાવી છે.   

સરળ ઉદાહરણને સમજીએ

ધારો કે બાળકો,મમ્મી દરરોજ સવારે નાસ્તો બનાવે છે. તેણે કયા દિવસે કે તારીખે કયો નાસ્તો બનાવ્યો, તેને જો એક ડાયરીમાં નોંધતી હોય અને તે છેલ્લા એક વર્ષની ડાયરી જુએ તો તેની સામે ત્રણ પ્રકારની વિગત સામે આવે. જેમકે, જ્યારે પણ બહાર ખૂબ વરસાદ પડે છે, ત્યારે બાળકને `ગરમાગરમ ભજિયાં' ખાવાનું મન થાય છે. જ્યારે શાળામાં રમતગમતમાં પ્રથમ આવે છે, ત્યારે તેને `ચોકલેટ આઈસક્રીમ' જ જોઈએ છે. જ્યારે શિયાળાની ગુલાબી ઠંડી હોય છે, ત્યારે તેને ગરમાગરમ `ગાજરનો હલવો' જ ખાવાનો ગમે છે.   

આમ, હવે મમ્મી પાસે આખા વર્ષનો `ડેટા' છે અને જો સવારથી જ આકાશમાં કાળાં ડિબાંગ વાદળો છવાયેલાં દેખાય અને ભારે વરસાદ શરૂ થાય, તો મમ્મી તરત જ અનુમાન લગાવી લેશે કે આજે મારે ભજિયાં જ બનાવવાં પડશે. બસ બાળકો, કમ્પ્યૂટર પણ આ જ રીતે અનુમાન લગાવવાનું કામ કરે છે. તે આપણી જેમ ડાયરી નથી રાખતું, પણ તેના મોટા મગજમાં લાખો-કરોડો માહિતી સંગ્રહિત કરે છે. તે આ માહિતીની ગણતરી કરે છે અને ભવિષ્યની સંભાવનાઓને ઓટોમેટિક જાણી લે છે.   

મુખ્ય ચાર પગથિયાં 

કમ્પ્યૂટર જ્યારે પણ કોઈ ભવિષ્યવાણી કરે છે, ત્યારે તે મુખ્યત્વે આ 4 તબક્કામાંથી પસાર થાય છે   

ડેટા એકઠો કરવો : સૌ પ્રથમ કમ્પ્યૂટર ભૂતકાળની તમામ વિગતો એકત્રિત કરે છે. જેમ કે, હવામાનની આગાહી કરવી હોય તો છેલ્લાં 50 વર્ષમાં કયા દિવસે કેટલો વરસાદ પડ્યો, પવનની ગતિ કેટલી હતી, તે બધું જ કમ્પ્યૂટરમાં સેવ થાય છે.   

ડેટા સાફ કરવો : મળેલી માહિતીમાંથી બિનજરૂરી કે ખોટી વિગતોને હટાવી દેવામાં આવે છે, જેથી ગણતરીમાં કોઈ ભૂલ ન થાય.   

પેટર્ન શોધવી : એઆઈ મોડલ એ જુએ છે કે કઈ બે વસ્તુઓ વારંવાર સાથે બને છે. જેમ કે, વાદળ આવવાં અને વરસાદ થવો.   

આગાહી કરવી : છેલ્લે, નવી પરિસ્થિતિ સામે આવતાં જ કમ્પ્યૂટર ટકાવારી (%) સાથે જણાવે છે કે ભવિષ્યમાં શું થવાની શક્યતા સૌથી વધારે છે.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો