90ના દાયકામાં જ્યારે વિશ્વ ટેનિસમાં શક્તિશાળી સર્વ અને ઝડપી ગતિનો દબદબો વધી રહ્યો હતો, ત્યારે એક ભારતીય ખેલાડીએ પોતાની અદ્ભુત તીક્ષ્ણ બુદ્ધિ, સચોટ ટાઇમિંગ અને પ્લેસમેન્ટ દ્વારા વિશ્વના દિગ્ગજોને વિચારતા કરી દીધા હતા. એ ખેલાડી એટલે રમેશ કૃષ્ણન. તેમની રમત માત્ર તાકાત પર આધારિત નહોતી, પરંતુ તેમાં એક અનોખી કળા, ચાલાકી અને રમત પ્રત્યેની ઊંડી સમજ છતી થતી હતી.
રમેશ કૃષ્ણનનો જન્મ 5 જૂન, 1961ના રોજ ચેન્નઈ તત્કાલીન મદ્રાસ ખાતે થયો હતો. ટેનિસ રમવાનો વારસો તેમને લોહીમાં જ મળ્યો હતો. તેમના પિતા રામનાથન કૃષ્ણન 1950 અને 1960ના દાયકામાં વિશ્વના ટોચના ટેનિસ ખેલાડીઓમાં સ્થાન ધરાવતા હતા અને બે વાર વિમ્બલડનની સેમિફાઇનલમાં પહોંચ્યા હતા. પિતાના માર્ગદર્શન હેઠળ રમેશે નાની ઉંમરે જ ટેનિસ રેકેટ હાથમાં પકડ્યું હતું. તેમણે જુનિયર સ્તરેથી જ પોતાની પ્રતિભાનો પરચો આપવાનું શરૂ કરી દીધું હતું. 1979માં રમેશ કૃષ્ણને જુનિયર વિમ્બલડન અને જુનિયર ફ્રેન્ચ ઓપન એમ બંને ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતીને વિશ્વ ટેનિસ જગતનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ સિદ્ધિ સાથે જ તેઓ જુનિયર કેટેગરીમાં વિશ્વના નંબર-1 ખેલાડી બન્યા હતા.
સિનિયર કેટેગરીમાં પ્રવેશ કર્યા બાદ રમેશ કૃષ્ણને સતત પોતાના પ્રદર્શનથી ભારતનું નામ રોશન કર્યું. તેઓ 1981 અને 1987માં યુ.એસ. ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા. આ ઉપરાંત 1986માં તેમણે વિમ્બલડનની પણ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. 1985માં રમેશ કૃષ્ણને સિંગલ્સમાં પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ વિશ્વ રેન્કિંગહાંસલ કર્યું હતું. તેમણે પોતાના જમાનાના મહાન ખેલાડીઓ જેવા કે મેટ્સ વિલેન્ડરને પરાજય આપ્યો હતો. 1989ના ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેમણે તત્કાલીન વિશ્વના નંબર-1 અને ડિફેન્ડિંગ ચેમ્પિયન મૅટ્સ વિલેન્ડરને સીધા સેટોમાં હરાવીને ટેનિસ જગતમાં મોટો ઊલટફેર સર્જ્યો હતો.
ભારતીય ટેનિસ ઇતિહાસમાં રમેશ કૃષ્ણનનું નામ `ડેવિસ કપ' સાથે સુવર્ણ અક્ષરે લખાયેલું છે. 1987નો ડેવિસ કપ ભારતીય રમતગમત માટે યાદગાર રહ્યો હતો. રમેશે પોતાની શાંત અને સચોટ રમતથી મસૂરને હરાવીને ભારતને ડેવિસ કપની ફાઇનલમાં પહોંચાડ્યું હતું. આ ક્ષણ ભારતીય ટેનિસના ઇતિહાસની સૌથી ગૌરવશાળી ક્ષણોમાંની એક ગણાય છે.
રમેશ કૃષ્ણન પોતાની `ટચ ટેનિસ' માટે જાણીતા હતા. તેમની પાસે વિરોધી ખેલાડીની ગતિનો ઉપયોગ કરીને જ વળતો પ્રહાર કરવાની અદ્ભુત કળા હતી. 1993માં ટેનિસમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ તેઓ ટેનિસ સાથે જોડાયેલા રહ્યા. તેમણે 2003થી 2007 દરમિયાન ભારતીય ડેવિસ કપ ટીમના કેપ્ટન તરીકે સેવાઓ આપી હતી. ભારત સરકારે રમતગમતમાં તેમના યોગદાન બદલ 1981માં અર્જુન એવોર્ડ, 1998માં પદ્મશ્રીથી નવાજ્યા હતા. આજે પણ રમેશ કૃષ્ણન નવી પેઢીના ખેલાડીઓ માટે એક આદર્શ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો