રાજસ્થાનની ધરા માત્ર રાજપૂતોના શૌર્ય અને ભવ્ય કિલ્લાઓ માટે જ નહીં, પરંતુ તેના આધ્યાત્મિક અને શિલ્પકળાથી સમૃદ્ધ મંદિરો માટે પણ વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવે છે. ઉદયપુર અને જોધપુર વચ્ચે આવેલી અરવલ્લી પર્વતમાળાની લીલીછમ ખીણમાં વસેલું રાણકપુર જૈન મંદિર ભારતીય સ્થાપત્યકળા અને કારીગરીનું એક એવો અજૂબો છે, જેને જોઈને દરેક પ્રવાસી દંગ રહી જાય છે. શ્વેત આરસપહાણમાંથી ઘડાયેલું આ પ્રાચીન મંદિર જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવજી(આદિનાથ)ને સમર્પિત છે.  

15મી સદીમાં આ મંદિરનું નિર્માણ થયું હતું. આ મંદિર પાછળ રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે. એવું માનવામાં આવે છે કે તે સમયે એક સ્થાનિક જૈન વેપારી ધરણ શાહને સ્વપ્નમાં એક અલૌકિક દિવ્ય વિમાનની ઝાંખી થઈ હતી. આ આધ્યાત્મિક અનુભવથી પ્રેરિત થઈને તેમણે એક એવું મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો, જે પૃથ્વી પર અદ્વિતીય હોય. તેમના આ સંકલ્પને સાકાર કરવા માટે મેવાડના તત્કાલીન પ્રતાપી રાજા રાણા કુંભાએ જમીન અને આર્થિક મદદ પૂરી પાડી. રાણા કુંભાના આ અદ્ભુત સહયોગ અને સમર્પણને કારણે જ આ સ્થાનનું નામ `રાણકપુર' રાખવામાં આવ્યું. મંદિરના મુખ્ય સ્થાપત્યકાર દિપાક હતા, જેમની દીર્ઘદૃષ્ટિ અને કારીગરોની અથાક મહેનતના પરિણામે આશરે 50 વર્ષના લાંબા સમયગાળા બાદ આ સ્થાપત્ય પૂર્ણ થયું હતું.  

રાણકપુરનું મંદિર તેના `ચતુર્મુખ' સ્થાપત્ય કૌશલ્ય માટે જાણીતું છે, જેનો અર્થ થાય છે ચારેય દિશાઓમાં મુખ ધરાવતું પવિત્ર ધામ. આ મંદિરની સૌથી મોટી ખાસિયત તેમાં આવેલા 1444 આરસના સ્તંભો છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આટલી મોટી સંખ્યામાં સ્તંભો હોવા છતાં, દરેક સ્તંભ પરનું કોતરણીકામ એકબીજાથી તદ્દન અલગ છે. કોઈ પણ બે સ્તંભ એકસરખા નથી. મંદિરની રચના એવી અદ્ભુત કુશળતાથી કરવામાં આવી છે કે 1444 સ્તંભોમાંથી કોઈ પણ સ્તંભ ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન આદિનાથની પ્રતિમાનાં દર્શનમાં અવરોધરૂપ બનતો નથી. તમે ગમે તે ખૂણેથી દર્શન કરો, મૂર્તિ સ્પષ્ટ દેખાય છે. આખું મંદિર એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે દિવસ દરમિયાન કોઈ કૃત્રિમ લાઇટિંગ વિના પ્રકાશ પૂરતા પ્રમાણમાં રહે છે. સૂર્યનાં કિરણો જેમ જેમ પોતાની દિશા બદલે છે, તેમ તેમ આરસના સ્તંભો અને મૂર્તિઓ પર પડતી આભા અને તેના રંગો બદલાતા અનુભવાય છે.  

 મંદિરના ગર્ભગૃહમાં ભગવાન આદિનાથની સફેદ આરસમાંથી બનેલી 6 ફૂટ ઊંચી ચાર મૂર્તિઓ ચારેય દિશાઓ તરફ મુખ રાખીને વિરાજમાન છે, જે સંસારની ચારેય દિશાઓમાં વિજય અને શાંતિનું પ્રતીક છે. મુખ્ય ચોમુખા મંદિર સિવાય આ પરિસરમાં અન્ય સુંદર મંદિરો પણ આવેલાં છે. જેમ કે, આ મંદિરમાં સ્થિત હજાર ફેણ ધરાવતા નાગની છત્રવાળી ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ અને છત પરનું ઝીણવટભર્યું કોતરણીકામ સ્થાપત્યપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જૈન મંદિર સંકુલની નજીક જ 13મી સદીનું એક પ્રાચીન સૂર્યમંદિર પણ આવેલું છે, જે તેના નૃત્ય કરતી અપ્સરાઓ અને ઘોડાઓના જીવંત શિલ્પો માટે પ્રખ્યાત છે. રાણકપુર ઉદેપુરથી આશરે 91 કિલોમીટર અને જોધપુરથી 160 કિલોમીટરના અંતરે આવેલું છે. ઉદેપુર અથવા જોધપુરથી ટેક્સી કે બસ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ઓક્ટોબરથી માર્ચ દરમિયાન રાજસ્થાનનું હવામાન અનુકૂળ રહેતું હોવાથી આ સમય મુલાકાત માટે શ્રેષ્ઠ ગણાય છે. આ એક અત્યંત પવિત્ર તીર્થધામ હોવાથી પરિસરમાં પ્રવેશ કરતી વખતે ચામડાની વસ્તુઓ સાથે લઈ જવાની મનાઈ હોય છે તેમજ મંદિરના શાંત અને આધ્યાત્મિક વાતાવરણને જાળવવું જરૂરી છે. રાણકપુર જૈન મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું સ્થાન નથી, પરંતુ તે પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્ર, સ્થાપત્ય અને કળા ક્ષેત્રે મેળવેલી મહારતનો સચોટ પુરાવો છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો