જ્યારે પણ ભારતીય હોકીના સુવર્ણ યુગની વાત થાય છે, ત્યારે દરેકના હોઠ પર `હોકીના જાદુગર' મેજર ધ્યાનચંદનું નામ આવી જાય છે, પરંતુ એ જ સોનેરી ઇતિહાસનો એક એવો પણ અનિવાર્ય હિસ્સો હતો, જેના વિના ધ્યાનચંદનો જાદુ પણ કદાચ અધૂરો રહ્યો હોત. તેઓ હતા મેજર ધ્યાનચંદના નાના ભાઈ અને ભારતીય હોકી ટીમના દિગ્ગજ ફોરવર્ડ ખેલાડી રૂપસિંહ. રૂપસિંહે પોતાની અસાધારણ રમત, ચપળતા અને ગોલ કરવાની ક્ષમતાથી વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો વગાડ્યો હતો.
રૂપસિંહનો જન્મ 8 સપ્ટેમ્બર, 1908ના રોજ મધ્યપ્રદેશમાં જબલપુરમાં થયો હતો. તેમના પિતા સમેશ્વર દત્તસિંહ બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં હતા અને હોકીના સારા ખેલાડી હતા. ઘરમાં જ હોકીનું વાતાવરણ હોવાને કારણે બંને ભાઈઓ ધ્યાનચંદ અને રૂપસિંહ નાનપણથી જ આ રમત તરફ આકર્ષાયા હતા. ધ્યાનચંદ સેનામાં જોડાયા પછી હોકીમાં આગળ વધ્યા, જ્યારે રૂપસિંહે સ્થાનિક સ્તરે પોતાની રમતને વધુ ધારદાર બનાવી. તેઓ ડાબા હાથે રમતા હોકીના અત્યંત આક્રમક અને કુશળ ફોરવર્ડ પ્લેયર તરીકે ઊભરી આવ્યા હતા.
ઓલિમ્પિક્સમાં ઐતિહાસિક પ્રદર્શન
રૂપસિંહે પોતાની કરિયરમાં બે ઓલિમ્પિક્સ 1932 લોસ એન્જલસ અને 1936 બર્લિનમાં ભાગ લીધો હતો. બંનેમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં રૂપસિંહે પોતાની રમતથી આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ સામેની ફાઇનલ મેચમાં ભારતે 24-1થી ઐતિહાસિક જીત મેળવી હતી. આ એક જ મેચમાં રૂપસિહે એકલાએ 10 ગોલ કર્યા હતા, જ્યારે તેમના મોટા ભાઈ ધ્યાનચંદે 8 ગોલ કર્યા હતા. આખી ટૂર્નામેન્ટની માત્ર બે મેચમાં તેમણે કુલ 13 ગોલ ફટકાર્યા હતા. જર્મનીના શાસક એડોલ્ફ હિટલરની હાજરીમાં રમાયેલી બર્લિન ઓલિમ્પિક્સની ફાઇનલમાં ભારતે જર્મનીને 8-1થી હરાવ્યું હતું. આખી ટૂર્નામેન્ટ દરમિયાન રૂપસિંહે શાનદાર પ્રદર્શન કરીને ભારતની જીત નિશ્ચિત કરી હતી.
રમતની શૈલી અને જુગલબંદી
રૂપસિંહની રમત એટલી સચોટ અને ગ્રેસફુલ હતી કે વિદેશી અખબારો પણ તેમનાં વખાણ કરતાં થાકતાં નહોતાં. તેમની પાસે બોલ પર અદ્ભુત નિયંત્રણ હતું અને તેમની સ્પીડ વિરોધી ડિફેન્ડર્સ માટે માથાનો દુખાવો બની જતી. જ્યારે ધ્યાનચંદ અને રૂપસિંહ મેદાન પર સાથે ઊતરતા, ત્યારે તેમની જુગલબંદીને રોકવી અશક્ય બની જતી. ધ્યાનચંદ ઘણીવાર સ્કોરિંગ પોઝિશન બનાવીને બોલ રૂપસિંહ તરફ પાસ કરતા અને રૂપસિંહ સેકન્ડોમાં તેને ગોલપોસ્ટ ભેગો કરી દેતા. ખુદ મેજર ધ્યાનચંદે પોતાની આત્મકથામાં સ્વીકાર્યું હતું કે, `રૂપસિંહ મારા કરતાં પણ શ્રેષ્ઠ ખેલાડી હતા અને કેટલીક બાબતોમાં હું તેમની પાસેથી શીખતો હતો.'
રૂપસિંહના માનમાં જર્મનીના મ્યુનિક શહેરમાં એક રોડનું નામ `રૂપસિંહ સ્ટ્રીટ' રાખવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમનું કેટલું મોટું સન્માન હતું. આ ઉપરાંત મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે આવેલું પ્રસિદ્ધ સ્ટેડિયમ `કેપ્ટન રૂપસિંહ સ્ટેડિયમ' તેમના નામ પરથી જ રાખવામાં આવ્યું છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો