ન્યૂયોર્ક શહેરમાં આજની સવાર ખૂબ જ સુંદર હતી. સૂરજદાદા સોનેરી કિરણો ફેલાવી રહ્યા હતા અને બાળકો ખુશી-ખુશી શાળાએ જઈ રહ્યાં હતાં. પીટર પાર્કર પણ પોતાની બેગ ભરીને સ્કૂલે જવા નીકળ્યો હતો. બરાબર એ જ સમયે શહેરના સૌથી મોટા મોલ પાસે જોરદાર અવાજ થયો.


લોકો આમતેમ ભાગવા લાગ્યા. પીટરે જોયું તો સ્ટેજ પર એક મોટો લીલા રંગનો રાક્ષસ જેવો વિલન ઊભો હતો, જેનું નામ હતું ગ્રીન ગોબ્લિન. તેની પાસે ઊડતું ગ્લાઈડર હતું અને તે હાથમાંથી નાના-નાના બોમ્બ ફેંકીને લોકોને ડરાવી રહ્યો હતો. એટલું જ નહીં, તેણે બાળકોની એક સ્કૂલ બસને હવામાં અધ્ધર ઊંચકી લીધી હતી અને ધમકી આપી રહ્યો હતો કે જો તેને શહેરનો કીમતી ખજાનો નહીં મળે, તો તે બસને નીચે પાડી દેશે! બસમાં બેઠેલાં નાનાં બાળકો ડરનાં માર્યાં રડી રહ્યાં હતાં.

પીટર બન્યો સ્પાઇડરમેન

આ દૃશ્ય જોઈને પીટર બિલકુલ ગભરાયો નહીં. તેણે તરત જ આજુબાજુ જોયું અને કોઈ ન હોય તેવી એક અવાવરું ગલીમાં દોડી ગયો. પોતાની સ્કૂલ બેગમાંથી તેણે લાલ-ભૂરો સૂટ કાઢ્યો અને ફટાફટ પહેરી લીધો. આંખના પલકારામાં પીટર પાર્કર હવે સ્પાઈડરમેન બની ગયો હતો! તેણે હવામાં હાથ લંબાવ્યો અને તેના કાંડામાંથી મજબૂત કરોળિયાનું જાળું નીકળ્યું. એ જાળાની મદદથી તે એક બિલ્ડિંગ પરથી બીજી બિલ્ડિંગ પર હવામાં લટકતો લટકતો મોલ તરફ આગળ વધ્યો. બાળકોના બચાવ પહેલાં સ્પાઈડરમેને બૂમ પાડી, `એય ગોબ્લિન! તારે લડવું હોય તો મારી સાથે લડ, નાનાં બાળકોને કેમ હેરાન કરે છે?' ગોબ્લિન ગુસ્સે થયો અને તેણે સ્પાઈડરમેન તરફ બોમ્બ ફેંક્યા. સ્પાઈડરમેને હવામાં ગુલાંટ મારીને બોમ્બ હવામાં જ ફોડી નાખ્યા, પણ ગુસ્સામાં ગોબ્લિનના હાથમાંથી સ્કૂલબસ છૂટી ગઈ અને બસ ઝડપથી જમીન તરફ પડવા લાગી!

બધા લોકો ચીસો પાડવા લાગ્યા, પણ સ્પાઈડરમેનની સ્પીડ અદ્ભુત હતી. તેણે એકસાથે ચાર બિલ્ડિંગો વચ્ચે કરોળિયાના મજબૂત જાળાની એક મોટી `સેફ્ટી નેટ' (જાળી) બનાવી દીધી. બસ સીધી એ મુલાયમ અને મજબૂત જાળી પર આવીને રોકાઈ ગઈ! બધાં બાળકો બચી ગયાં અને ખુશ થઈને તાળીઓ પાડવા લાગ્યાં, `થેંક્યૂ, સ્પાઈડરમેન!' હવે વારો ગોબ્લિનનો હતો. સ્પાઈડરમેન હવામાં ઊડ્યો અને ગોબ્લિનના ગ્લાઈડર પર જઈને બેસી ગયો. તેણે પોતાની સ્પાઈડર-વેબ (જાળી) વડે ગોબ્લિનની આંખો બંધ કરી દીધી અને તેના ગ્લાઈડરના વાયરો જાળાથી બાંધી દીધા. ગ્લાઈડર કાબૂ બહાર ગયું અને ગોબ્લિન સીધો જઈને કચરાના મોટા ડબ્બામાં પડ્યો! સ્પાઈડરમેને તેને મજબૂત જાળાથી ત્યાં જ બાંધી દીધો જેથી પોલીસ તેને પકડી શકે. શહેરના લોકો અને બાળકોએ સ્પાઈડરમેનને ખભા પર ઊંચકી લીધો. સ્પાઈડરમેને બધાં બાળકોને ચોકલેટ આપી અને હસતાં હસતાં કહ્યું, `હંમેશાં બહાદુર બનજો અને એકબીજાની મદદ કરજો!' અને ફરી પાછો હવામાં જાળું ફેંકીને તે આકાશમાં ગાયબ થઈ ગયો. આ વાર્તા આપણને શીખવે છે કે ખરી શક્તિ બીજાને ડરાવવામાં નહીં, પણ મુશ્કેલીના સમયે નબળા લોકોનું રક્ષણ કરવામાં છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: