આફ્રિકાની ધરતી તેના વિશાળ ઘાસનાં મેદાનો અને અસંખ્ય જંગલી પ્રાણીઓ માટે વિશ્વભરમાં જાણીતી છે. આફ્રિકામાં અનેક નેશનલ પાર્ક આવેલા છે એમાં સૌથી પ્રસિદ્ધ વન્યજીવ વિસ્તારોમાં સેરેંગેટી નેશનલ પાર્કનું નામ સૌથી મોખરે છે. સેરેંગેટી નેશનલ પાર્ક તાન્ઝાનિયામાં આવેલો છે. આ નેશનલ પાર્ક કુદરતપ્રેમીઓ, વન્યજીવ સંશોધકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વિશાળ ઘાસનાં મેદાનો, વન્યજીવોની વિવિધતા અને દર વર્ષે થતું પ્રાણીઓનું સ્થળાંતર સેરેંગેટીને અન્ય નેશનલ પાર્કમાં વિશિષ્ટ બનાવે છે.
હજારો વર્ષથી આ વિસ્તારમાં સ્થાનિક માસાઇ આદિવાસી સમુદાયના લોકો વસવાટ કરતા હતા. માસાઇ લોકો આ પ્રદેશને સિરિગિત કહેતા હતા, જેનો અર્થ અનંત મેદાનો થાય છે. આ શબ્દ પરથી જ સેરેંગેટી નામ પડ્યું છે. માસાઇ લોકો પોતાનાં પશુઓ ચરાવવા માટે આ જમીનનો ઉપયોગ કરતા હતા. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આ મેદાનોનું દૃશ્ય ખૂબ જ સુંદર લાગે છે. અહીં કુદરત પોતાની વિશાળતા અને વૈવિધ્ય સાથે જોવા મળે છે.
વન્યજીવોના રક્ષણને વધુ મજબૂત બનાવવા માટે 1951માં સમગ્ર સેરેંગેટી વિસ્તારને સત્તાવાર રીતે સેરેંગેટી નેશનલ પાર્કનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ વિસ્તાર આશરે 14,750 ચોરસ કિલોમીટર જેટલો વિશાળ છે. પાર્કમાં ઘાસનાં મેદાનો ઉપરાંત જંગલ વિસ્તાર, નદીઓ અને નાનાં તળાવો પણ જોવા મળે છે. વિવિધ પ્રકારના કુદરતી આવાસને કારણે અહીં અનેક જાતનાં પ્રાણીઓ અને પક્ષીઓ રહે છે. સેરેંગેટીની સૌથી મોટી વિશેષતા તેની ગ્રેટ વાઇલ્ડબીસ્ટ માઇગ્રેશન છે. દર વર્ષે લાખો વાઇલ્ડબીસ્ટ, ઝેબ્રા અને અન્ય પ્રાણીઓ પાણી તથા લીલા ઘાસની શોધમાં એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરે છે. આ લાંબી યાત્રા દરમિયાન પ્રાણીઓને નદીઓ અને શિકારી પ્રાણીઓ જેવા અનેક પડકારોનો સામનો કરવો પડે છે. કુદરતના આ વિશાળ સ્થળાંતરને વિશ્વના સૌથી અદ્ભુત કુદરતી દૃશ્યોમાં ગણવામાં આવે છે. 1959માં નેશનલ પાર્કના વહીવટ અને સ્થાનિક માસાઇ લોકો વચ્ચે જમીનના ઉપયોગ અંગે વિવાદ થતાં પાર્કની સીમાઓ ફરી નક્કી કરવામાં આવી.
સેરેંગેટી નેશનલ પાર્કમાં સિંહ, ચિત્તા, દીપડા, હાથી, જિરાફ, હિપોપોટેમસ, ગેંડા, ભેંસ અને હાયના જેવાં અનેક પ્રાણીઓ જોવા મળે છે. સિંહ અહીંના સૌથી જાણીતા શિકારી પ્રાણીઓમાંનો એક છે. ચિત્તો પોતાની ઝડપ માટે જાણીતો છે, જ્યારે દીપડો ઝાડ પર ચડવાની કુશળતા ધરાવે છે. આ ઉપરાંત ઝેબ્રા અને વાઇલ્ડબીસ્ટનાં વિશાળ ટોળાં સેરેંગેટીનાં મેદાનોને જીવંત બનાવી દે છે. આ નેશનલ પાર્કમાં પ્રાણીઓની જેમ અનેક જાતિઓ જોવા મળે છે. એ રીતે પક્ષીઓની પણ ઘણી જાતિ વસવાટ કરે છે. એમાં ગીધ, ગરુડ, શાહમૃગ અને અન્ય અનેક પક્ષીઓ સેરેંગેટીની પરિસ્થિતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેટલાંક પક્ષીઓ સ્થાનિક હોય છે, જ્યારે કેટલાંક સ્થળાંતર કરીને અહીં આવે છે. સેરેંગેટી માત્ર પ્રવાસન માટે જ નહીં, પરંતુ વન્યજીવ સંરક્ષણ અને સંશોધન માટે પણ મહત્ત્વપૂર્ણ છે. અહીંનાં પ્રાણીઓના જીવન, તેમની સંખ્યા, સ્થળાંતર અને પર્યાવરણ સાથેના સંબંધનો અભ્યાસ કરવામાં આવે છે. આ પ્રકારના અભ્યાસ માટે અનેક પ્રાણી અને પક્ષીવિદો આ નેશનલ પાર્કની મુલાકાત લે છે.
સેરેંગેટી નેશનલ પાર્કની મુલાકાત લેવા માંગતા પ્રવાસીઓ માટે અહીં જંગલ સફારીની વ્યવસ્થા છે. સૌથી સારી વાત એ છે કે, પ્રવાસીઓ સામાન્ય રીતે સફારી દ્વારા પ્રાણીઓને તેમના કુદરતી વાતાવરણમાં નિહાળી શકે છે. ખુલ્લા મેદાનમાં દૂર સુધી દેખાતાં પ્રાણીઓનું દૃશ્ય પ્રવાસીઓ માટે યાદગાર અનુભવ બને છે. જોકે, વન્યજીવોને ખલેલ ન પહોંચે અને કુદરતી પર્યાવરણનું રક્ષણ થાય તે માટે નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. દરેક પ્રાણી પર્યાવરણની એક કડી છે અને એક પ્રજાતિમાં થતા ફેરફારની અસર સમગ્ર પર્યાવરણ પર પડી શકે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો