એક સુંદર અને હરિયાળા ખીણ પ્રદેશમાં `મોસી બોટમ ફાર્મ' આવેલું હતું. અહીં બધી જ બકરીઓ અને ઘેટાં શાંતિથી રહેતાં હતાં, પણ તે બધામાં સૌથી હોશિયાર, તોફાની અને બુદ્ધિશાળી કોઈ હોય તો તે હતો શોન. શોન સામાન્ય ઘેટા જેવો નહોતો. તેના મગજમાં દરરોજ કોઈ ને કોઈ નવો જ પ્લાન ચાલતો હોય. તેની સાથે તેના મિત્રો (ઘેટાંઓનું ટોળું), નાનો ટીમી અને ફાર્મનો રખેવાળ કૂતરો બિટ્ઝર પણ રહેતા હતા.   


એક દિવસ ફાર્મર કોઈ કામથી બહારગામ ગયો હતો. ફાર્મરના ગયા પછી શોન ફાર્મરના ઘરમાં ડોકિયું કર્યું તો તેના મગજની બત્તી ઝબકી! તેણે વિચાર્યું કે આજે ફાર્મર નથી, તો કેમ ન આપણે આ ઘરમાં જઈને થોડી મજા કરીએ? શોને સીટી વગાડીને આખા ટોળાને ભેગું કર્યું. બિટ્ઝરે પહેલાં તો ના પાડી અને પોતાના લિસ્ટ બોર્ડ પર `ઘરમાં જવાની મનાઈ છે' એવો ક્રોસ માર્ક બતાવ્યો, પણ શોને તેને સ્વાદિષ્ટ ભોજન આપીને મનાવી લીધો.   

બધાં ઘેટાં લાઈનબંધ ઘરમાં ઘૂસી ગયાં. શોને ટીવી ચાલુ કર્યું અને ડિસ્કો મ્યુઝિક વગાડ્યું. મોટું ઘેટું `શેર્લી' ફ્રીઝ ખોલીને બધું ખાવા લાગ્યું. નાનો ટીમી સોફા પર કૂદકા મારવા લાગ્યો અને બીજાં ઘેટાંઓ એકબીજાની ઉપર ચડીને ડાન્સ કરવા લાગ્યાં. બિટ્ઝર પણ બધું ભૂલીને મ્યુઝિકના તાલે ઝૂમવા લાગ્યો. શોન આ બધું જોઈને ખુશ થતો હતો અને પોતે પણ ચશ્માં પહેરીને કૂલ ડાન્સ કરી રહ્યો હતો.   

પણ મજા લાંબો સમય ન ચાલી. અચાનક ટીમીનો પગ એક મોંઘી અને સુંદર ફૂલદાની પર પડ્યો અને તે ફરસ પર પડીને તૂટી ગઈ. `ખડડડ... ભંગ!' અવાજ થતાં જ આખું ટોળું શાંત થઈ ગયું. બિટ્ઝરના તો હોશ જ ઊડી ગયા. તેણે ઘડિયાળ સામે જોયું, ફાર્મરના પાછા આવવાનો સમય થઈ ગયો હતો! જો ફાર્મર તૂટેલી ફૂલદાની અને ઘરની આવી હાલત જોશે, તો બધા પર બહુ ગુસ્સે થશે.   

બિટ્ઝર ગભરાઈને માથું પકડવા લાગ્યો, પણ શોને હિંમત ન હારી. તેણે તરત જ કમાન્ડ સંભાળ્યું. શોને ઘેટાંઓને અલગ-અલગ કામ સોંપ્યાં. બે ઘેટાં કચરો સાફ કરવા લાગ્યાં, શેર્લીએ વેક્યૂમ ક્લીનરની જેમ બધો કચરો મોંમાં ભરી લીધો. હવે પ્રશ્ન હતો તૂટેલી ફૂલદાનીનો. શોને ફાર્મમાં જઈને સુપર ગ્લૂ લીધો. તેણે બિટ્ઝરની મદદથી ફૂલદાનીના ટુકડા એક પછી એક જોડવાનું શરૂ કર્યું. તે બિલકુલ એક પઝલ જેવું હતું. શોને બહુ જ મહેનતથી, ચપળતાપૂર્વક ફૂલદાનીને પાછી જોડી દીધી. જોકે, ઉતાવળમાં એક ટુકડો ઊંધો ચોંટી ગયો હતો, પણ દેખાવમાં તે અસલ જેવી જ લાગતી હતી. બરાબર એ જ સમયે બહાર ફાર્મરની ગાડીનો અવાજ આવ્યો: `પોં... પોં...' શોને ઈશારો કર્યો અને સેકન્ડોની અંદર બધાં ઘેટાં ઘરની બહાર દોડી ગયાં અને મેદાનમાં સામાન્ય ઘેટાંની જેમ ઘાસ ચરવા લાગ્યા. બિટ્ઝર પણ ફાર્મના ગેટ પાસે પોતાની ફરજ પર ડાહ્યો થઈને ઊભો રહી ગયો.   

ફાર્મર ઘરમાં આવ્યો. તેણે આજુબાજુ જોયું, બધું સાફસુથરું હતું. જ્યારે તેની નજર ફૂલદાની પર પડી, ત્યારે તેને કંઈક વિચિત્ર લાગ્યું, પણ તેણે વિચાર્યું કે કદાચ તેની આંખોનો ભ્રમ હશે. 

બહાર ઊભેલા શોન અને બિટ્ઝરે એકબીજા સામે જોયું. હસતાં હસતાં `હાઈ-ફાઈવ' કર્યું અને મોટો હાશકારો લીધો. શોને ફરી સાબિત કરી દીધું હતું કે મુશ્કેલી ભલે ગમે તેટલી મોટી હોય, જો મગજ દોડાવીએ તો દરેક સમસ્યાનો ઉકેલ મળી જાય છે.     


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: