સ્કેટિંગનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે. તેની શરૂઆત લગભગ 3000 વર્ષ પહેલાં ઉત્તરી યુરોપ મુખ્યત્વે ફિનલેન્ડમાં થઈ હોવાનું મનાય છે. શરૂઆતમાં લોકો બરફથી છવાયેલી નદીઓ અને સરોવરો પર સરળતાથી મુસાફરી કરવા માટે પ્રાણીઓનાં હાડકાંમાંથી બનાવેલા સ્કેટ્સનો ઉપયોગ કરતા હતા. 1863માં જેમ્સ પ્લિમ્પ્ટને `ક્વાડ સ્કેટ્સ' ચાર પૈડાંવાળા બનાવ્યાં. એ પછી સમયની સાથે તેની ડિઝાઇન અને પેટર્નમાં સુધારો થતો ગયો. ક્વાડ સ્કેટ્સ બન્યાં પછી સ્કેટિંગને સ્પોર્ટ્સ તરીકે વૈશ્વિક ઓળખ મળી. પરિણામે ધીરે ધીરે સ્કેટિંગની રમત અન્ય દેશોમાં પણ રમાવા લાગી. ત્યારબાદ ઓલિમ્પિક રમત ઉત્સવમાં પણ સ્કેટિંગના વિવિધ પ્રકારોનો સમાવેશ કરવામાં આવ્યો.  

 સ્કેટિંગના વિવિધ પ્રકારો જેવા કે સ્પીડ સ્કેટિંગ, ફિગર સ્કેટિંગ અને રોલર આર્ટિસ્ટિક અનુસાર નિયમો અલગ હોય છે, પરંતુ સામાન્ય રમત માટેના મુખ્ય નિયમો મુજબ સ્પર્ધા દરમિયાન તમામ ખેલાડીઓ માટે હેલ્મેટ, ની-પેડ (ઘૂંટણના ગાર્ડ), એલ્બો-પેડ (કોણીના ગાર્ડ) અને વ્રિસ્ટ ગાર્ડ પહેરવા ફરજિયાત છે એટલે કે સેફ્ટીનું ધ્યાન રાખવું ફરજિયાત છે. સ્પીડ સ્કેટિંગમાં ખેલાડીએ પોતાની નિર્ધારિત લેનમાં જ સ્કેટિંગ કરવાનું હોય છે. બીજા ખેલાડીને ખોટી રીતે ઓવરટેક કરવો કે ધક્કો મારવો ફાઉલ ગણાય છે. સ્પીડ સ્પર્ધામાં જે ખેલાડી સૌથી પહેલાં ફિનિશ લાઇન ક્રોસ કરે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. આજે સ્કેટિંગ એ ફિટનેસ અને સ્પોર્ટ્સ એક્ટિવિટી બની ચૂકી છે.