ઘણા સમય પહેલાંની વાત છે. એક સુંદર રાજ્યમાં સ્નોવ્હાઇટ નામની એક નાની અને દયાળુ રાજકુમારી રહેતી હતી. તેની ત્વચા બરફ જેવી સફેદ, હોઠ ગુલાબ જેવા લાલ અને વાળ કાળા ભમ્મર હતા. સ્નોવ્હાઇટ જેટલી રૂપાળી હતી, તેટલી જ સ્વીટ અને નમ્ર સ્વભાવની પણ હતી.  

પરંતુ તેની સાવકી મા, જે રાજ્યની રાણી હતી, તે ખૂબ જ અહંકારી અને દુષ્ટ હતી. રાણી પાસે એક જાદુઈ અરીસો હતો. તે દરરોજ અરીસાને પૂછતી, `હે જાદુઈ અરીસા! દુનિયામાં સૌથી સુંદર કોણ છે?'  

અરીસો દર વખતે જવાબ આપતો, `હે રાણી! તમે જ સૌથી સુંદર છો.' રાણી આ સાંભળીને ખુશ થઈ જતી, પરંતુ જેમ જેમ સ્નોવ્હાઇટ મોટી થઈ, તેમ તેમ તે વધુ ને વધુ સુંદર બનતી ગઈ. એક દિવસ રાણીએ અરીસાને પૂછ્યું, `દુનિયામાં સૌથી સુંદર કોણ છે?' ત્યારે અરીસાએ જવાબ આપ્યો, `રાણીજી, તમે સુંદર છો, પણ સ્નોવ્હાઇટ તમારા કરતાં પણ વધુ સુંદર છે!' આ સાંભળીને રાણી ક્રોધથી સળગી ઊઠી. ઈર્ષ્યામાં અંધ થયેલી રાણીએ એક શિકારીને બોલાવ્યો અને સ્નોવ્હાઇટને ઊંડા જંગલમાં લઈ જઈને મારી નાખવાનો હુકમ આપ્યો. શિકારી સ્નોવ્હાઇટને જંગલમાં લઈ તો ગયો, પણ રાજકુમારીની માસૂમિયત જોઈને તેનું દિલ પીગળી ગયું. તેણે સ્નોવ્હાઇટને કહ્યું, `રાજકુમારી, રાણી તને મારી નાખવા માંગે છે. તું જંગલમાં દૂર ભાગી જા અને ક્યારેય પાછી ન આવતી!'  

ડરેલી સ્નોવ્હાઇટ ઘનઘોર જંગલમાં ભાગવા લાગી. ભાગતાં ભાગતાં તે ખૂબ થાકી ગઈ. ત્યાં જ તેને ઝાડીઓ પાછળ એક નાનું અને સુંદર ઘર દેખાયું. તે ઘરની અંદર ગઈ. ઘરમાં બધું જ નાનું નાનું હતું - નાની સાત ખુરશીઓ, નાની સાત થાળીઓ અને નાના સાત પલંગ. થાકેલી સ્નોવ્હાઇટ થોડું ખાવાનું ખાઈને પલંગ પર સૂઈ ગઈ. સાંજ પડી ત્યારે એ ઘરના માલિકો પાછા આવ્યા. તે સાત નાના વેંતિયા (Dwarfs) હતા, જેઓ પહાડોમાં હીરાની ખાણમાં કામ કરતા હતા. ઘરમાં સુંદર રાજકુમારીને સૂતેલી જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. સ્નોવ્હાઇટે જાગીને તેમને પોતાની આખી વાર્તા કહી. સાતેય વેંતિયાઓનું દિલ પીગળી ગયું અને તેમણે સ્નોવ્હાઇટને તેમની સાથે રહેવા કહ્યું. સ્નોવ્હાઇટ ખુશીથી તેમની સાથે રહેવા લાગી. તે તેમના માટે સરસ રસોઈ બનાવતી અને ઘર સાફ રાખતી. પરંતુ દુષ્ટ રાણીને જાદુઈ અરીસા દ્વારા ખબર પડી ગઈ કે સ્નોવ્હાઇટ હજુ પણ જીવે છે અને વેંતિયાઓના ઘરમાં રહે છે. રાણીએ એક ડોશીનું રૂપ લીધું અને ઝેરવાળું લાલ સફરજન લઈને વેંતિયાઓના ઘરે પહોંચી. સ્નોવ્હાઇટ રાણીનું છળકપટ સમજી ન શકી અને જેવું તેણે સફરજનનું એક બટકુ ભર્યું, તે તરત જ બેભાન થઈને જમીન પર ઢળી પડી.  

સાંજે વેંતિયાઓ ઘરે આવ્યા ત્યારે સ્નોવ્હાઇટને બેભાન જોઈને ખૂબ રડવા લાગ્યા. તેમણે તેને એક કાચની પેટીમાં રાખી અને તેના પર સુંદર ફૂલો ચઢાવ્યા. થોડા દિવસ પછી પાડોશી રાજ્યનો એક રાજકુમાર ત્યાંથી પસાર થયો. કાચની પેટીમાં સ્નોવ્હાઇટની સુંદરતા જોઈને તે તેની પાસે ગયો. રાજકુમારે પ્રેમથી સ્નોવ્હાઇટનો હાથ પકડ્યો અને તેને ધીમેથી હલાવી. આંચકો લાગવાથી સ્નોવ્હાઇટના ગળામાંથી ઝેરી સફરજનનો ટુકડો બહાર નીકળી ગયો. રાજકુમારીએ પોતાની આંખો ખોલી અને સાતેય વેંતિયાઓ ખુશીથી નાચવા લાગ્યા. રાજકુમારે સ્નોવ્હાઇટને લગ્ન માટે પૂછ્યું. સ્નોવ્હાઇટે હા પાડી અને તેઓ રાજમહેલમાં આવીને ખુશી-ખુશી રહેવા લાગ્યા. દુષ્ટ રાણીને તેનાં પાપોની સજા મળી અને સ્નોવ્હાઇટનું જીવન આનંદથી ભરાઈ ગયું.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો