તમે રાત્રે આકાશમાં ચમકતા તારા અને ચાંદામામાને તો જોયા જ હશે. તમને પણ ત્યાં જવાનું મન થાય છે ને? પણ ત્યાં જવા માટે કાર કે વિમાન કામ નથી આવતાં, ત્યાં જવા માટે આપણને જોઇએ રોકેટ! અલબત્ત, આપણને એ ખબર જ છે કે રોકેટમાં બેસીને અવકાશયાત્રીઓ ધરતીથી કરોડો માઇલો દૂર મંગળ ગ્રહ અને ચંદ્ર ઉપર જાય છે અને ત્યાં જઇને સંશોધનો પણ કરે છે. આપણા દેશે જ થોડો સમય પહેલાં ચંદ્રયાન ચંદ્ર ઉપર મોકલ્યું હતું. અલબત્ત, એ રોકેટ નહોતું, પણ આજે આપણે માણસોને લઇ જતું આ અદ્ભુત રોકેટ કેવી રીતે બને છે અને તે આકાશમાં કેવી રીતે ઊડે છે એ જોઈએ.
રોકેટ એ કોઈ સામાન્ય વાહન નથી, પણ એક ખૂબ જ મજબૂત અને ખાસ ડિઝાઇન કરેલું વાહન છે.
1. મજબૂત શરીર : રોકેટનું શરીર એલ્યુમિનિયમ કે ટાઇટેનિયમ જેવી હલકી પણ ખૂબ મજબૂત ધાતુઓમાંથી બનાવવામાં આવે છે, જેથી તે ખૂબ ઝડપથી ઊડે ત્યારે પણ તૂટી ન જાય.
2. ઇંધણ ટાંકી : રોકેટમાં ખૂબ મોટો ભાગ ઇંધણ (Fuel) રાખવા માટે હોય છે. તેમાં ખાસ પ્રકારનું પ્રવાહી કે ઘન ઇંધણ ભરવામાં આવે છે.
3. એન્જિન : રોકેટના નીચેના ભાગમાં શક્તિશાળી એન્જિન હોય છે, જે ઇંધણને બાળીને ધુમાડો અને ગરમી પેદા કરે છે.
4. પેલોડ : રોકેટના અણીદાર મથાળા પર ઉપગ્રહ (Satellite) કે અંતરીક્ષયાત્રીઓ (Astronauts) માટે બેસવાની જગ્યા હોય છે.
રોકેટ કેવી રીતે ઊડે છે?
રોકેટ ઊડવા માટે વિજ્ઞાનના એક સરળ નિયમ પર કામ કરે છે: `દરેક ક્રિયાની સમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા હોય છે.'
તમે ફુગ્ગામાં હવા ભરીને તેને છોડી દો, તો શું થાય? હવા નીચેથી બહાર નીકળે છે અને ફુગ્ગો ઉપર તરફ ભાગે છે! રોકેટ પણ બિલકુલ આ જ રીતે કામ કરે છે.
જ્યારે રોકેટનું એન્જિન ચાલુ થાય છે, ત્યારે ઇંધણ સળગે છે અને ખૂબ જ સખત ગરમી અને ધુમાડો નીચેની તરફ બળપૂર્વક બહાર ફેંકાય છે. આ નીચેની તરફ લાગતા ભારે ધક્કાની સામે રોકેટને ઉપરની તરફ એક શક્તિશાળી ઉછાળો (Thrust) મળે છે. આ જ ધક્કાના કારણે રોકેટ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને પાર કરીને સીધું ઊંચા આકાશમાં અને અંતરીક્ષમાં પહોંચી જાય છે.
છેને રોકેટની દુનિયા એકદમ રોમાંચક!
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો