આજે આપણી પાસે સ્માર્ટફોન છે, જેનાથી એક સિંગલ ક્લિકમાં આપણે સુંદર ફોટોગ્રાફ્સ લઈ શકીએ છીએ. સોશિયલ મીડિયાના આ યુગમાં સવારના નાસ્તાથી લઈને પ્રવાસની યાદો સુધી બધું જ કેમેરામાં કેદ થઈ જાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી યાદોને તસવીરોમાં કંડારતા આ `કેમેરા'ની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ હતી?
કેમેરાનો ઇતિહાસ સદીઓ જૂનો છે. ઇમેજ કેપ્ચર કરવાની ટેક્નોલોજી વિકસી તે પહેલાં 11મી સદીમાં અરેબિક વૈજ્ઞાનિક ઇબ્ન અલ-હૈથમ દ્વારા `કેમેરા ઓબ્સ્ક્યુરા'નો સિદ્ધાંત દુનિયા સામે રજૂ કરવામાં આવ્યો હતો. લેટિન ભાષામાં આ શબ્દનો અર્થ થાય છે `અંધારિયો ઓરડો'. આ એક એવો ઓરડો કે બોક્સ હતું, જેની એક દીવાલ પર નાનું કાણું પાડવામાં આવતું. જ્યારે બહારની વસ્તુ પર સૂર્યપ્રકાશ પડતો, ત્યારે તે પ્રકાશ આ કાણામાંથી પસાર થઈને સામેની દીવાલ પર તે વસ્તુનું ઊલટું પ્રતિબિંબ બનાવતો હતો. શરૂઆતમાં ચિત્રકારો આ પ્રતિબિંબની ઉપર રેખાઓ દોરીને સચોટ ચિત્રો બનાવવા માટે આ ટેક્નિકનો ઉપયોગ કરતા હતા.
કેમેરા ઓબ્સ્ક્યુરા પ્રતિબિંબ તો બનાવી શકતો હતો, પણ તેને કાયમી ધોરણે સાચવી શકતો નહોતો. આ દિશામાં મોટી સફળતા ઈ.સ. 1826માં ફ્રાન્સના શોધક જોસેફ નાઇસફોર નીપ્સને મળી. તેમણે કેમેરા ઓબ્સ્ક્યુરાની અંદર એક ખાસ પ્રકારની કેમિકલ કોટેડ પ્લેટ મૂકી. આ કેમેરાને તેમણે પોતાના ઘરની બારીની બહાર ગોઠવ્યો. આશરે 8 કલાક જેટલા લાંબા એક્સપોઝર ટાઇમ પછી દુનિયાનો સૌપ્રથમ કાયમી ફોટોગ્રાફ લેવામાં સફળતા મળી. આ ફોટો તેમના ઘરની બારીની બહાર દેખાતા દૃશ્યનો હતો.
જોસેફ નીપ્સ પછી તેમના ભાગીદાર લુઇસ ડેગ્યુરે એ આ ટેક્નોલોજીને વધુ સુધારી અને `ડેગ્યુરોટાઇપ' નામની પદ્ધતિ વિકસાવી, જેમાં એક્સપોઝરનો સમય 8 કલાકથી ઘટીને થોડી મિનિટોનો થઈ ગયો, પરંતુ ફોટોગ્રાફીને સામાન્ય માણસ સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ કામ ઈ.સ. 1888માં જ્યોર્જ ઇસ્ટમેનદ્વારા કરવામાં આવ્યું. તેમણે વિશ્વનો પ્રથમ રોલ-ફિલ્મ કેમેરા બનાવ્યો.
ઈ.સ. 1975માં એન્જિનિયર સ્ટીવન સેસન દ્વારા વિશ્વનો સૌપ્રથમ ડિજિટલ કેમેરા બનાવવામાં આવ્યો. આ કેમેરો કોઈ રોલ કે ફિલ્મ પર નહીં, પણ ઇલેક્ટ્રોનિક ચિપ પર ફોટો સેવ કરતો હતો. આ આદિ ડિજિટલ કેમેરાનું વજન આશરે 3.6 કિલોગ્રામ હતું અને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પાડી શકતો હતો, જેને સેવ થવામાં 23 સેકન્ડનો સમય લાગતો હતો! અહીંથી જ આજના આધુનિક DSLR અને મિરરલેસ કેમેરાનો પાયો નખાયો.
શરૂઆતના કેમેરામાં ફોટો પાડવા માટે વ્યક્તિએ મિનિટો સુધી બિલકુલ હલ્યા વગર બેસી રહેવું પડતું હતું. જો તેઓ સહેજ પણ હલે તો ફોટો બગડી જતો. હાલમાં વૈજ્ઞાનિકોએ સ્પેસ રિસર્ચ માટે `LSST' નામનો વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરો બનાવ્યો છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો