બાળકો, `એઆઈ'નું સ્થાન હવે `એસઆઈ' લેશે એવી વાતો સંભળાઇ રહી છે, ત્યારે મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે શું આ `એસઆઈ' એટલે સુપર ઇન્ટેલિજન્સ એ કોઈ વિજ્ઞાનગાથા છે? તો સુપર ઇન્ટેલિજન્સ એ કોઈ વિજ્ઞાનકથા નથી, પરંતુ કમ્પ્યૂટર વિજ્ઞાનની દુનિયાનું એક આગામી સમયનું વાસ્તવિક સત્ય છે. તમે મોટા થશો, ત્યારે આ સુપર ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી તમારી આસપાસના જીવનનો એક અભિન્ન અંગ બની ચૂકી હશે. તે આપણને અશક્ય લાગતી સિદ્ધિઓ હાંસલ કરવામાં મદદ કરશે, સાથે આપણે એ બાબત પણ સુનિશ્ચિત કરવી પડશે કે આપણે તેના માલિક બનીને રહીશું, તેના સેવક બનીને નહીં. આ અદ્ભુત ટેક્નોલોજીની ક્ષમતા આપણી દુનિયાને સંપૂર્ણપણે બદલી શકે છે. તો આજે આપણે સુપર ઇન્ટેલિજન્સ શું છે? તેના વિશે જાણીશું.
સુપર ઇન્ટેલિજન્સ એટલે શું?
કોઈ હોશિયાર વિદ્યાર્થી વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે કહીએ છીએ કે તે વિદ્યાર્થી બહુ જ હોશિયાર છે. તેવી જ રીતે કલ્પના કરો કે એક એવું કમ્પ્યૂટર કે મશીન છે કે જે દુનિયાના તમામ વિજ્ઞાનીઓ, ડૉક્ટરો, લેખકો અને મહાન ગણિતશાસ્ત્રીઓ કરતાં પણ કરોડો ગણું ઝડપી અને હોશિયાર હોય, તો આ અતિશય ઉચ્ચ સ્તરની બુદ્ધિમત્તાને સુપર ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે. સુપર ઇન્ટેલિજન્સ એ `એઆઈ'નો એવો ભવિષ્યનો તબક્કો છે, જે માનવ મગજની મર્યાદાઓને પણ વટાવી જશે તેમ માનવામાં આવી રહ્યું છે.
સુપર ઇન્ટેલિજન્સનાં ઉદાહરણો
કેલ્ક્યુલેટર અને ગણિતશાસ્ત્રી : સાદો ગુણાકાર કે ભાગાકાર કરવા માટે આપણે કેલ્ક્યુલેટર વાપરીએ છીએ, જે માનવીય મગજ કરતાં સેકન્ડના સોમા ભાગમાં જવાબ આપી દે છે, પરંતુ સુપર ઇન્ટેલિજન્સ હજારો ગણું આગળનું સ્ટેજ છે.
શ્રેષ્ઠ રમતવીર વિરુદ્ધ રોબોટ : જેમ એક ખેલાડી નિયમો શીખે છે અને ધીમે ધીમે ઉત્તમ બને છે, ત્યારે એક સુપર ઇન્ટેલિજન્ટ સિસ્ટમ સેકન્ડોમાં વિશ્વના શ્રેષ્ઠ ચેમ્પિયન્સને પણ હરાવી શકે છે અને નવી રુચિઓ વિકસાવી શકે છે.
અવકાશનું સંશોધન : જો આપણે કોઈ અજાણ્યા ગ્રહ પર પહોંચવું હોય, તો માનવ વૈજ્ઞાનિકોને વર્ષોનો સમય લાગી શકે છે, ત્યારે સુપર ઇન્ટેલિજન્સ સેકન્ડોમાં રોકેટનું ડિઝાઇનિંગ, બળતણની ગણતરી અને સૌથી સુરક્ષિત માર્ગ શોધી કાઢશે.
સુપર ઇન્ટેલિજન્સ કેવી રીતે બનશે?
સમગ્ર પ્રક્રિયા મુખ્ય ત્રણ તબક્કામાંથી પસાર થશે:
આર્ટિફિશિયલ નેરો ઇન્ટેલિજન્સ : આર્ટિફિશિયલ નેરો ઇન્ટેલિજન્સને ટૂંકમાં `એએનઆઈ'ના નામથી ઓળખવામાં આવે છે, જે ખરા અર્થમાં આજના સમયનું `એઆઈ' છે, જે માત્ર એક જ કામ સારી રીતે કરી શકે છે. જેમ કે, યુ ટ્યૂબ પર વીડિયો સૂચવવા કે હવામાનની આગાહી કરવી વગેરે.
આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ : ટૂંકમાં આ `એજીઆઈ'ના નામથી ઓળખવામાં આવે છે. જે માનવીની જેમ જ તમામ પ્રકારનાં કાર્યો જાતે શીખી શકશે અને સમજી શકશે.
આર્ટિફિશિયલ સુપર ઇન્ટેલિજન્સ : આને `એએસઆઈ'ના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ પોતાની જાતને સુધારવાની ક્ષમતા મેળવી લેશે, ત્યારે તે હોશિયાર બનતું જશે અને થોડા જ દિવસોમાં માનવબુદ્ધિ કરતાં અનેકગણું આગળ નીકળી જશે.
સુપર ઇન્ટેલિજન્સના મુખ્ય ચાર ફાયદાઓ
રોગોના નાશમાં મદદરૂપ : કેન્સર, અલ્ઝાઇમર કે અન્ય અસાધ્ય રોગો માટે નવી દવાઓ અને રસીઓ શોધી શકાશે.
પર્યાવરણની રક્ષા : ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે તે ટેક્નોલોજી વિકસાવી શકશે.
ઊર્જાની ક્રાંતિ : સૂર્ય અને પવનની ઊર્જાનો મહત્તમ અને ઉપયોગ કરીને સસ્તી અને સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી શકાશે.
નવું જ્ઞાન : ભૌતિકશાસ્ત્ર અને બ્રહ્માંડનાં એવાં રહસ્યો, જે આજ સુધી વણઉકેલાયેલાં છે, તેને ઉકેલવામાં મદદ કરશે.
જો મશીન માનવીઓ કરતાં લાખો ગણું હોશિયાર બની જાય, તો આપણે તેને કાબૂમાં કેવી રીતે રાખી શકીશું તે સૌથી મોટો પડકાર ગણાશે. રોજગાર ઉપર અસર થઇ શકે. તે મશીન હોવાથી નૈતિક નિર્ણયો લઇ શકે નહીં.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો