સ્વિમિંગ એ માત્ર એક લોકપ્રિય રમત જ નહીં, પરંતુ જીવનરક્ષક કૌશલ્ય પણ છે. સ્વિમિંગનો ઇતિહાસ માનવ સભ્યતાના પ્રારંભિક તબક્કાથી શરૂ થાય છે. ઇજિપ્ત અને ભારતની પ્રાચીન સંસ્કૃતિઓના અવશેષો તથા ગુફાચિત્રોમાં માનવીના તરવાના પુરાવા મળે છે. 19મી સદીમાં ગ્રેટ બ્રિટનમાં સ્વિમિંગ એક સંસ્થાગત રમત તરીકે શરૂ કરી હતી.   

1896ની પ્રથમ એથેન્સ આધુનિક ઓલિમ્પિક રમતોત્સવમાં પુરુષો માટે સ્વિમિંગ સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે મહિલાઓની સ્પર્ધાઓ 1912ની સ્ટોકહોમ ઓલિમ્પિક્સથી શરૂ થઈ.1908માં FINA જે હવે વર્લ્ડ એક્વાટિક્સ તરીકે ઓળખાય છે, તે આજે પણ વિશ્વભરમાં સ્વિમિંગના નિયમો અને સ્પર્ધાઓનું સંચાલન કરે છે. ઓલિમ્પિક્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરે 50 મીટર લાંબા સ્વિમિંગ પુલમાં સ્પર્ધાઓ યોજાય છે. સ્પર્ધા ચાર શૈલીઓમાં રમાય છે. વિસલ કે સ્ટાર્ટિંગ સિગ્નલ આપે તે પહેલાં જો કોઈ તરણવીર પાણીમાં ડાઈવ લગાવે, તો તેને અયોગ્ય જાહેર કરવામાં આવે છે. દરેક તરણવીરે પોતાની ફાળવેલી લાઇનમાં જ તરવાનું રહે છે. બીજી લાઇનમાં પ્રવેશ કરવો કે અન્ય ખેલાડીને બાધા પહોંચાડવી એ નિયમભંગ ગણાય છે. પુલના છેડે પહોંચીને પાછા વળતી વખતે અથવા રેસ પૂરી કરતી વખતે બંને હાથથી કે પગથી વોલને સ્પર્શ કરવો નિયમ મુજબ ફરજિયાત છે. સ્ટાર્ટ લીધા પછી કે ટર્ન માર્યા પછી તરણવીર પાણીની અંદર માત્ર 15 મીટર સુધી જ તરી શકે છે, ત્યારબાદ તેનું માથું પાણીની બહાર આવવું જરૂરી છે. સ્વિમિંગ એ શારીરિક ક્ષમતા, શ્વાસ પર નિયંત્રણ અને માનસિક એકાગ્રતાની રમત છે.