વિચારો કે શિયાળામાં ફ્રીઝ ખુલ્લું રહી જાય તો પણ આપણને કેટલી ઠંડી લાગે છે! પરંતુ આપણા ભારતીય આર્મીના જવાનો કાશ્મીર, લદાખ અને સિયાચિન જેવા પર્વતો પર રહે છે, જ્યાં તાપમાન માઇનસ 40થી 50 ડિગ્રી સુધી ઘટી જાય છે. આટલી મુશ્કેલ સ્થિતિમાં સૈનિકો કેવી રીતે રહે છે અને ભારે શસ્ત્રો ઉપર સુધી કેવી રીતે પહોંચાડે છે, ચાલો વિસ્તારથી જાણીએ.
વિશેષ 3-લેયર કપડાં : સામાન્ય જેકેટ અહીં કામ નથી આવતા. સૈનિકો ખાસ `લેયર્ડ ક્લોથિંગ' પહેરે છે. પહેલું લેયર પરસેવો સૂકવે છે, બીજું ગરમી પકડી રાખે છે અને ત્રીજું બહારના બરફ અને પવનને રોકે છે.
ઇગ્લૂ અને ઇન્સ્યુલેટેડ ટેન્ટ : પર્વતો પર રહેવા માટે ફાઇબર અને ખાસ કપડાંથી બનેલા ટેન્ટ હોય છે, જેની અંદર કેરોસીન બુખારી (હીટર) ચાલુ રાખવામાં આવે છે. ક્યારેક બરફના ઘર (ઇગ્લૂ) બનાવીને પણ ઠંડીથી બચવું પડે છે.
સ્પેશિયલ શૂઝ અને ચશ્માં : બરફ પર ચાલવા માટે ખાસ `સ્નો બૂટ' હોય છે, જે પગને થીજી જતાં (ફ્રોસ્ટબાઇટ) બચાવે છે. બરફ પરથી સૂર્યનો પ્રકાશ પરાવર્તિત થઈને આંખોને નુકસાન ન પહોંચાડે તે માટે ડાર્ક ગોગલ્સ પહેરવાં જ પડે છે.
હાઈ-કેલરી ખોરાક : આટલી ઠંડીમાં શરીરને સતત ઊર્જાની જરૂર પડે છે, તેથી સૈનિકોને ડ્રાયફ્રૂટ્સ, ચોકલેટ, ખાસ તૈયાર કરેલા પેક્ડ આર્મી રાશન અને ગરમ ઉકાળો આપવામાં આવે છે.
જે પર્વતો પર રસ્તા જ નથી હોતા, ત્યાં ભારે તોપો અને બંદૂકો પહોંચાડવી એ એક ચમત્કારથી કમ નથી.
એનિમલ ટ્રાન્સપોર્ટ ક્રોપ્સ (ATC) : આર્મીના ખાસ તાલીમ પામેલા ખચ્ચર (Mules) અને યાક પર્વતોના સાંકડા અને પથરાળ રસ્તાઓ પર માણસ કરતાં વધુ સહજતાથી ચાલી શકે છે. તેઓ ભારે ગોળા-બારુદ અને રાશન પીઠ પર ઉપાડીને ઉપર પહોંચાડે છે.
શક્તિશાળી હેલિકોપ્ટર : `ચીનુક' અને `ધ્રુવ' જેવાં હેલિકોપ્ટર ભારે તોપો અને લશ્કરી વાહનોને પર્વતની ટોચ સુધી એરલિફ્ટ કરીને પહોંચાડે છે.
રોપ-વે અને ટ્રોલી : બે ઊંચા પર્વતો વચ્ચે મજબૂત વાયર બાંધીને કેબલ ટ્રોલી દ્વારા દૈનિક જરૂરિયાતોનો સામાન એક પર્વતથી બીજા પર્વત પર મોકલવામાં આવે છે.
શ્વાસ લેવાની કળા
પર્વતો પર ઊંચાઈ વધતાં હવા પાતળી થાય છે અને ઓક્સિજન ઘટી જાય છે, તેથી નવા સૈનિકોને સીધા ઉપર મોકલવામાં આવતા નથી. તેમને 21 દિવસ સુધી અલગ-અલગ તબક્કામાં ધીમે-ધીમે ઊંચાઈ પર લઈ જઈને શરીરને કુદરતી રીતે અનુકૂળ કરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે.
વીર જવાનો અજોડ તાલીમના કારણે વિષમ પરિસ્થિતિને માત આપીને સરહદનું રક્ષણ કરે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો