સુપર કમ્પ્યૂટરની જેમ કામ કરતા આપણા મગજની દુનિયા અદ્ભુત છે. માનવ મગજ એ કુદરતની સૌથી જટિલ રચનાઓમાંની એક છે. તેનું વજન માત્ર 1.3થી 1.4 કિલોગ્રામ જેટલું હોય છે, પરંતુ તે આખા શરીરનું નિયંત્રણ કેન્દ્ર છે. વિચારો, ભાવનાઓ, સ્મૃતિઓ અને શરીરની દરેક ગતિવિધિ મગજનાં કાર્યો પર જ આધારિત છે. આ અવયવ કેવી રીતે કામ કરે છે એ જાણીએ.
મગજના મુખ્ય કારીગરો : ન્યુરોન્સ
મગજના કાર્ય કરવાની પદ્ધતિના મૂળમાં ન્યુરોન્સ એટલે કે ચેતાકોષો રહેલા છે. આપણા મગજમાં આશરે 86 અબજન્યુરોન્સ આવેલા છે. જ્યારે પણ આપણે કંઈક વિચારીએ છીએ, જોઈએ છીએ કે અનુભવીએ છીએ, ત્યારે આ ન્યુરોન્સ એકબીજા સાથે ઇલેક્ટ્રિકલ અને કેમિકલ સંકેતો દ્વારા વાતચીત કરે છે. આ માહિતી ટ્રાન્સફર કરવાની ઝડપ 400 કિમી પ્રતિ કલાક સુધીની હોઈ શકે છે.
મુખ્ય ભાગો અને તેમનાં કાર્યો
મગજ મુખ્યત્વે ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે, જે અલગ-અલગ જવાબદારીઓ સંભાળે છે. જેમ કે, સેરેબ્રમ એટલે કે મોટું મગજ. આ મગજનો સૌથી મોટો ભાગ છે. વિચારવું, નિર્ણય લેવો, શીખવું, યાદ રાખવું અને ભાષા બોલવી જેવાં જટિલ કાર્યો આ ભાગ દ્વારા થાય છે. બીજો ભાગ સેરેબેલમ એટલે કે નાનું મગજ. આ ભાગ શરીરનું સંતુલન જાળવવાનું અને સ્નાયુઓના હલનચલનનું સંકલન કરવાનું કામ કરે છે. જેમ કે, સાઇકલ ચલાવવી કે સીધા ચાલવું. ત્રીજો ભાગ એટલે બ્રેઇન સ્ટેમ. બ્રેઇન સ્ટેમ મગજને કરોડરજ્જુ સાથે જોડે છે. શ્વાસ લેવો, હૃદયના ધબકારા અને રક્ત પરિભ્રમણ જેવાં અનૈચ્છિક કાર્યો એટલે કે જે આપણા નિયંત્રણમાં નથી, તેનું સંચાલન અહીંથી થાય છે.
માહિતીનું પ્રોસેસિંગ કેવી રીતે થાય છે?
જ્યારે આપણે કોઈ ગરમ વસ્તુને સ્પર્શ કરીએ છીએ, ત્યારે ત્વચાના ચેતાતંતુઓ તરત મગજને સંદેશો મોકલે છે. મગજનો ચોક્કસ ભાગ ક્ષણના હજારમા ભાગમાં આ માહિતીનું અર્થઘટન કરે છે અને હાથ પાછો ખેંચવાનો આદેશ આપે છે. આ આખી પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે કે આપણને વિચારવાનો સમય પણ મળતો નથી.
મગજ વિશે કેટલાંક રસપ્રદ તથ્યો
મગજ શરીરના કુલ વજનનો માત્ર 2% હિસ્સો છે, પરંતુ તે શરીરની 20% ઓક્સિજન અને ગ્લુકોઝ ઊર્જાનો વપરાશ કરે છે. બાળકો, તમને જાણીને નવાઇ લાગશે કે મગજ એ વિચારોની ફેક્ટરી છે. એક સામાન્ય માણસના મગજમાં દરરોજ આશરે 60,000થી 70,000 વિચારો આવે છે. માનવ મગજની માહિતી યાદ રાખવાની ક્ષમતા અનંત માનવામાં આવે છે. મગજ પોતે દુખાવો અનુભવતું નથી.
માનવ મગજ એ કોઈ પણ આધુનિક સુપર કમ્પ્યૂટર કરતાં પણ વધુ શક્તિશાળી અને કાર્યક્ષમ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો