ઓરિસ્સામાં પુરીથી આશરે 35થી 40 કિલોમીટર દૂર કોણાર્કનું સૂર્યમંદિર આવેલું છે. ભારતના મુખ્ય મંદિરમાં આ મંદિરનો સમાવેશ થાય છે. કોણાર્કનું સૂર્યમંદિર પ્રાચીન મંદિરોમાનું એક છે. કોણાર્ક કોણ અને અર્ક આ બે શબ્દોમાંથી બન્યો છે. કોણનો અર્થ ખૂણો એવો થાય છે અને અર્કનો અર્થ સૂર્ય. બંને શબ્દોને મિક્સ કરીને તેને કોણાર્ક કહેવામાં આવે છે. આ મંદિરને બ્લેક પેગોડા નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે મંદિરનું ઊંચું ટાવર કાળું દેખાય છે. કોણાર્કના સૂર્યમંદિરને યુનેસ્કો દ્વારા 1984માં વિશ્વ ધરોહર સ્થળ તરીકે માન્યતા મળી છે.
એક માન્યતા અનુસાર આ મંદિરનું નિર્માણ 13મી શતાબ્દીમાં પૂર્વી ગંગા રાજવંશના રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું અને સૂર્ય દેવને સમર્પિત હતું. પૌરાણિક કથા અનુસાર ભગવાન કૃષ્ણના પુત્ર સામ્બાને પિતાના શાપથી કોઢનો રોગ થઇ ગયો હતો. સામ્બાએ મિત્રવનમાં ચંદ્રભાગા નદીના સાગર સંગમ પર કોણાર્કમાં 12 વર્ષ સુધી તપસ્યા કરી અને સૂર્યદેવને પ્રસન્ન કર્યા. સૂર્યદેવે પ્રસન્ન થઇને તેને રોગમાંથી મુક્ત કર્યો. સૂર્યદેવ, જે બધા રોગોના નાશક માનવામાં આવે છે, તેમણે આ રોગનું પણ નિવારણ કરી દીધું હતું. એ વખતે સામ્બાએ સૂર્યદેવને સન્માનિત કરવા માટે કોણાર્ક સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. કોણાર્ક સૂર્યમંદિરને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં પણ સામેલ કરવામાં
આવ્યું છે.
ચંદ્રભાગા નદીકિનારે બનાવવામાં આવેલ આ મંદિર કલાત્મક ભવ્યતા અને એન્જિનિયરિંગની નિપુણતાનો વિશાળ સંગમ છે. ગંગ વંશના મહાન શાસક રાજા નરસિંહદેવ પ્રથમે પોતાના શાસનકાળ 1143-1255 દરમિયાન 1200 કારીગરોની મદદથી કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ગંગ વંશના શાસક સૂર્યની પૂજા કરતા હતા, તેથી કલિંગ શૈલીમાં નિર્મિત આ મંદિરને સૂર્ય દેવતાના રથના રૂપમાં વિરાજમાન કરવામાં આવ્યું હતું. મંદિરમાં પથ્થરો પર સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે. લાલ રંગના બલુઆ પથ્થરો અને કાળા ગ્રેનાઇટ પથ્થરોથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આખું મંદિર બાર જોડી ચક્રોની સાથે સાત ઘોડા ખેંચતા હોય એ રીતે બનાવવામાં આવ્યું છે. જેમાં સૂર્યદેવને વિરાજમાન કરવામાં આવ્યા છે. હાલમાં સાત ઘોડામાં ફક્ત એક જ ઘોડો બચ્યો છે. આજે મંદિર બચ્યું છે એ બ્રિટિશ ભારત યુગની પુરાતત્ત્વ ટીમોના સંરક્ષણને કારણે બચ્યું છે.
એવું કહેવાય છે કે મંદિરના શીર્ષ ઉપર ભારે ચુંબક મૂકવામાં આવ્યું હતું. એમાં 52 ટન ચુંબકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિરના દર બે પથ્થરની વચ્ચે લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે. એવું કહેવાય છે કે, મેગ્નેટને કારણે મૂર્તિ હવામાં તરતી દેખાય છે. સૂર્યદેવને ઊર્જા અને જીવનનું પ્રતીક માનવામાં આવે છે. કોણાર્કનું સૂર્યમંદિર રોગોની સારવાર અને ઇચ્છાઓને પૂર્ણ કરવા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સામાન્ય રીતે આ મંદિરમાં જે પૈંડાંનું નિર્માણ કરવામાં આવ્યું છે એ પ્રાચીન યુગમાં સમય બતાવવા માટે છે, એવું કહેવાય છે. કોણાર્ક મંદિરમાં સૂર્યનું પહેલું કિરણ સીધું મુખ્ય પ્રવેશદ્વારા પર પડે છે. સૂર્યનાં કિરણો મંદિરમાંથી પાર થઇને મૂર્તિના કેન્દ્રમાં હીરાની જેમ ચમકે છે, એવું માનવામાં આવે છે. કોણાર્ક સૂર્યમંદિરના પરિસરમાં નૃત્ય હોલ જોવાલાયક છે. મંદિરની સંરચના અને તેના પથ્થરોમાંથી બનેલ મૂર્તિઓ જોવાલાયક છે, જે આ મંદિરની વિશેષતા દર્શાવે છે.
કોણાર્ક નાનકડી જગ્યા છે, તેથી અહીં આવવા માટે પહેલાં આસપાસના શહેર સુધી જવું પડે, પછી કોણાર્ક મંદિર જઇ શકાય. કોણાર્ક સૂર્યમંદિર ઉપરાંત કોણાર્ક શહેરની આસપાસ સુંદર દરિયાકિનારો, પ્રસિદ્ધ મંદિર અને પ્રાચીન બૌદ્ધ સ્થળ છે. કોણાર્ક સૂર્યમંદિર ફરવા જવાનો ઉત્તમ સમય ફેબ્રુઆરીથી ઓક્ટોબર સુધીનો છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો