20મી સદીના ઉત્તરાર્ધમાં જ્યારે ભારતીય કુશ્તી પોતાની પરંપરાગત શૈલીમાંથી આધુનિક મેટ તરફ સંક્રમણ કરી રહી હતી, ત્યારે હરિયાણાની પવિત્ર ધરા પરથી એક એવી વિભૂતિનો ઉદય થયો, જેમણે અખાડાની માટીની સોડમને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડી. આ મહાન યોદ્ધા એટલે માસ્ટર ચંદગી રામ. તેઓ એક ચતુર મલ્લ, સફળ એથ્લીટ, શિસ્તબદ્ધ શિક્ષક અને સમાજના કુરિવાજો સામે લડીને મહિલાઓને અખાડામાં લાવનારા ક્રાંતિકારી માર્ગદર્શક હતા.
માસ્ટર ચંદગી રામનો જન્મ 9 નવેમ્બર, 1937ના રોજ હરિયાણાના હિસાર જિલ્લાના સીસાઈ નામના નાનકડા ગામમાં થયો હતો. ખેડૂત પરિવારમાં જન્મેલા ચંદગી રામને બાળપણથી જ હરિયાણાના ગ્રામીણ વાતાવરણમાં કુશ્તી અને શારીરિક કસરતનો વારસો મળ્યો હતો. તેમના નામ સાથે જોડાયેલા `માસ્ટર' સન્માન પાછળ પ્રેરણાદાયી ભૂમિ છે. કુશ્તીના મેદાનમાં પૂર્ણપણે ઝંપલાવતા પહેલાં તેમણે અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને તેઓ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. આથી સૌ કોઈ તેમને આદરપૂર્વક `માસ્ટર ચંદગી રામ' તરીકે સંબોધવા લાગ્યા.
60 અને 70ના દાયકામાં માસ્ટર ચંદગી રામ ભારતીય દેશી કુશ્તી અને દંગલના અનતાજ બાદશાહ હતા. તેમની પાસે તાકાતની સાથે સાથે અત્યંત ચતુર દાવપેચની માસ્ટરી હતી. 1969માં તેમણે ભારતનો સૌથી પ્રતિષ્ઠિત અને સન્માનજનક ખિતાબ `હિંદ કેસરી' પોતાના નામે કર્યો હતો. આ ઉપરાંત તેમણે `ભારત કેસરી', `મહાભોજ કેસરી', `રુસ્તમ-એ-હિંદ' અને `ભારત ભીમ' જેવા અનેક તાજ જીતીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી. દેશી અખાડાઓથી આંતરરાષ્ટ્રીય મેટ પર અનુકૂલન સાધીને તેમણે 1970ની બેંગકોક એશિયન ગેમ્સમાં 100 કિલોથી વધુ ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો. 1972ના મ્યુનિચ ઓલિમ્પિક્સમાં તેમણે કુશ્તી ટીમનું નેતૃત્વ કરીને દેશનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું હતું.
માસ્ટર ચંદગી રામનું સૌથી મોટું અને સાહસિક પ્રદાન ભારતમાં મહિલા કુશ્તીની શરૂઆત કરાવવાનું છે. 90ના દાયકામાં જ્યારે છોકરીઓ માટે અખાડાના દરવાજા જોવા પણ પાપ ગણાતું હતું, ત્યારે તેમણે એક ક્રાંતિકારી નિર્ણય લીધો. સમાજના વિરોધનો સામનો કરવા માટે તેમણે સૌથી પહેલાં પોતાની પુત્રીઓ સોનિકા અને દીપિકાને અખાડામાં ઉતારીને તાલીમ આપવાનું શરૂ કર્યું. તે સમયે તેમને ભયંકર સામાજિક બહિષ્કાર, ટીકાઓ અને ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. લોકો કહેતા કે `છોકરીઓ પહેલવાની કરશે તો તેમની સાથે લગ્ન કોણ કરશે?' પરંતુ માસ્ટરજી પોતાના નિર્ણય પર અડગ રહ્યા. તેમની પુત્રી સોનિકા આગળ જતાં `ભારત કેસરી' જીતનારી પ્રથમ મહિલા પહેલવાન બની. માસ્ટરજીના આ સાહસિક પગલાંએ જ ગીતા-બબીતા ફોગાટ, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ જેવી દેશની દીકરીઓ માટે ઓલિમ્પિક સુધી પહોંચવાના દરવાજા ખોલી આપ્યા.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો