ગિલ્લી ડંડાનો ઇતિહાસ આશરે 2500 વર્ષથી પણ વધુ જૂનો છે. મૌર્ય સામ્રાજ્યના સમયથી જ આ રમત ભારતમાં રમાતી હોવાના ઐતિહાસિક ઉલ્લેખો મળે છે. પ્રાચીન સમયમાં રાજા-રજવાડાઓનાં બાળકોથી લઈને ગ્રામીણ વિસ્તારનાં સામાન્ય બાળકો સુધી સૌ કોઈ આ રમત ઉત્સાહથી રમતા. ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં તેને અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. જેમ કે, મહારાષ્ટ્રમાં વિટ્ટી-દાંડુ, તમિલનાડુમાં કિટ્ટી-પુલ અને નેપાળમાં દંડી-બિયો. આ રમત રમવા માટે ગિલ્લી જે બંને છેડેથી અણીદાર હોય તેવો લાકડાનો નાનો ટુકડો. ગિલ્લીને મારવા માટે વપરાતી નળાકાર મોટી લાકડી જેને ડંડો કહેવામાં આવે છે.
આ રમત વ્યક્તિગત રીતે અથવા બે ટીમો વચ્ચે રમાય છે. ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ એટલે કે દાવ પસંદ કરે છે. જમીન પર બનાવેલા નાના ખાડા પર ગિલ્લી મૂકવામાં આવે છે. રમતનાર ખેલાડી ડંડા વડે ગિલ્લીના અણીદાર છેડા પર પ્રહાર કરીને તેને હવામાં ઉછાળે છે અને હવામાં જ ડંડાથી ફટકારીને શક્ય તેટલી દૂર ફેંકે છે. જો ખેલાડી દ્વારા ફટકારેલી ગિલ્લીને વિરોધી ટીમનો કોઈ ખેલાડી જમીન પર પડે તે પહેલાં હવામાં કેચ કરી લે, તો બેટ્સમેન આઉટ ગણાય છે. જો ખેલાડી સતત 3 પ્રયાસોમાં ગિલ્લીને ફટકારી ન શકે, તો પણ તે આઉટ થાય છે. ગિલ્લી નીચે પડ્યા પછી વિરોધી ખેલાડી ગિલ્લી ફેંકીને ખાડા પર મુકેલા ડંડાને અડાડી દે, તો પણ ખેલાડી આઉટ થાય છે. જો ગિલ્લી સુરક્ષિત રીતે દૂર પડે, તો કૂંડાળાથી ગિલ્લી સુધીનું અંતર `ડંડા'ની લંબાઈથી માપવામાં આવે છે. દરેક ડંડાની લંબાઈ બરાબર 1 પોઈન્ટ મળે છે.
