જેન્ગા એ માત્ર બાળકોની જ નહીં, પરંતુ દરેક ઉંમરના લોકોની ફેવરિટ ઇન્ડોર ગેમ છે. આ રસપ્રદ રમતની શરૂઆત 1970ના દાયકામાં થઈ હતી. તેની શોધ બ્રિટનની મહિલા ગેમ ડિઝાઇનર લેસ્લી સ્કોટ દ્વારા કરવામાં આવી હતી. `જેન્ગા' શબ્દ આફ્રિકાની પ્રખ્યાત સ્વાહિલી ભાષામાંથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે બાંધવું કે નિર્માણ કરવું. લેસ્લી સ્કોટે 1983માં લંડન ટોય ફેર દરમિયાન સત્તાવાર રીતે આ રમત દુનિયા સામે રજૂ કરી હતી અને આજે તે વિશ્વભરમાં કરોડોની સંખ્યામાં વેચાય છે. જેન્ગા રમવામાં એકાગ્રતા અને સ્થિર હાથની જરૂર પડે છે. આ રમતમાં લાકડાના સરખા માપના 54 લંબચોરસ બ્લોક્સ હોય છે. શરૂઆતમાં 3-3 બ્લોક્સ આડા અને ઊભા ગોઠવીને 18 માળનો એક મજબૂત ટાવર બનાવવામાં આવે છે. રમત શરૂ થયા પછી, દરેક ખેલાડીએ પોતાના ટર્ન આવે ત્યારે ટાવરમાંથી કોઈ પણ એક બ્લોક ખૂબ જ સાવધાનીપૂર્વક બહાર ખેંચવાનો હોય છે. યાદ રહે, ટાવરના સૌથી ઉપરના માળ પરથી બ્લોક ખેંચી શકાતો નથી. સૌથી મહત્ત્વનો નિયમ એ છે કે બ્લોક ખેંચતી વખતે ખેલાડી માત્ર એક જ હાથનો ઉપયોગ કરી શકે છે. બીજો હાથ ટાવરને સહેજ પણ અડવો ન જોઈએ. બહાર કાઢેલા બ્લોકને ટાવરના સૌથી ઉપરના માળે ફરીથી ગોઠવવાનો હોય છે, જે ખેલાડીનો બ્લોક કાઢતી વખતે અથવા ઉપર મૂકતી વખતે આખો ટાવર નીચે પડી જાય, તે ખેલાડી રમત હારી જાય છે અને તેની આગળનો ખેલાડી વિજેતા બને છે.

દાદાએ રવિને સમજાવ્યું આત્મવિશ્વાસથી ડર પર વિજય પ્રાપ્ત કરી શકાય છે









