ભારતીય ફૂટબોલના ઈતિહાસમાં 60નો દાયકો `સુવર્ણકાળ' ગણાય છે. એ સમયે વૈશ્વિક સ્તરે ભારતીય ફૂટબોલ ટીમની મજબૂત ગણના થતી હતી. આ યુગના સૌથી તેજસ્વી સિતારા એટલે સુબિમાલ ગોસ્વામી, જેમને આખું વિશ્વ `ચુની ગોસ્વામી'ના નામથી ઓળખે છે. તેઓ ઉત્તમ ફૂટબોલર હોવાની સાથે સાથે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં બંગાળની ટીમનું સફળ નેતૃત્વ કર્યું હતું.  

ચુની ગોસ્વામીનો જન્મ 15 જાન્યુઆરી, 1938ના રોજ અવિભાજિત બંગાળના કિશોરગંજ હાલ બાંગ્લાદેશમાં થયો હતો. બાળપણથી જ ફૂટબોલ પ્રત્યેનો તેમનો પ્રેમ અદ્ભુત હતો. માત્ર 8 વર્ષની નાની ઉંમરે તેઓ કોલકાતાની પ્રખ્યાત મોહન બાગાન ક્લબની જુનિયર ટીમમાં જોડાયા હતા. ત્યારથી લઈને 1968માં સક્રિય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી ત્યાં સુધી તેઓ પોતાની આખી જિંદગી મોહન બાગાન ક્લબ વતી જ રમ્યા.  

તેમને ઈંગ્લેન્ડની પ્રખ્યાત ક્લબ `ટોટનહામ હોટ્સપર' તરફથી રમવાની મોટી ઓફર મળી હતી, પરંતુ પોતાની માતૃભૂમિ પ્રત્યેના અગાધ પ્રેમને કારણે તેમણે વિદેશ જવાનો ઇન્કાર કરી દીધો હતો. ક્લબ ફૂટબોલમાં તેમણે અનેક વખત ડ્યુરાન્ડ કપ, આઈએફએ શીલ્ડ અને રોવર્સ કપ જેવા પ્રતિષ્ઠિત ખિતાબો જિતાડ્યા હતા. 1956માં ચીન સામેની મેચથી ચુની ગોસ્વામીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમણે 1958ની ટોક્યો એશિયન ગેમ્સ અને 1960ની રોમ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. રોમ ઓલિમ્પિક્સમાં ભારતીય ટીમે હંગેરી અને ફ્રાન્સ જેવી મજબૂત ટીમો સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં ચુની ગોસ્વામીની રમતની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ હતી.  

તેમની કરિયરની સૌથી મોટી અને ઐતિહાસિક ક્ષણ 1962ની જકાર્તા એશિયન ગેમ્સમાં આવી. ચુની ગોસ્વામીની કપ્તાની હેઠળ ભારતીય ટીમે અદ્ભુત પ્રદર્શન કરીને ફાઇનલમાં મજબૂત દક્ષિણ કોરિયાની ટીમને 2-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સના ઇતિહાસમાં ભારતીય ફૂટબોલની આ સૌથી મોટી સફળતા હતી. આ ટૂર્નામેન્ટમાં ચુની ગોસ્વામી, પી. કે. બેનર્જી અને તુલસીદાસ બલરામની ત્રિપુટીએ વિરોધી ટીમોના ડિફેન્સને વેરવિખેર કરી નાખ્યું હતું. આ ત્રિપુટી ભારતીય ફૂટબોલમાં `હોલી ટ્રિનિટી' તરીકે અમર થઈ ગઈ. 1964માં એશિયન કપમાં પણ તેમની આગેવાનીમાં ભારત રનર્સ-અપ રહ્યું હતું. મેદાન પર ચુની ગોસ્વામી ઇનસાઇડ-લેફ્ટ અથવા સ્ટ્રાઇકર તરીકે રમતા હતા. તેમની ડ્રિબલિંગ કરવાની ક્ષમતા લાજવાબ હતી. તેઓ પોતાની ગતિ અને ડ્રિબલિંગથી વિરોધી ડિફેન્ડર્સને સહેલાઈથી ચકમો આપી દેતા હતા. આ ઉપરાંત તેમની કેપ્ટનશિપ હેઠળ ટીમ એકજૂથ થઈને રમતી હતી. ચુની ગોસ્વામી માત્ર એક ખેલાડી નહોતા, પરંતુ ભારતીય રમતજગતની એક આઇકોનિક બ્રાન્ડ હતા. તેમની સ્ટાઈલ, રમત પ્રત્યેની વફાદારી આજે પણ યુવા ફૂટબોલરો માટે પ્રેરણારૂપ સ્રોત છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો