બાળકો, ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ આપણી દિનચર્યાનો એક મુખ્ય ભાગ બની ગયો છે. તમે એક કે એક કરતાં વધારે જનરેટિવ `એઆઈ' મોડલ્સથી પરિચિત છો, પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આવાં શક્તિશાળી `એઆઈ' મોડલ્સ આપણા મોબાઈલ એપ્લિકેશન્સ, વેબસાઈટ્સ અને વિવિધ બિઝનેસ સોફ્ટવેર સાથે કેવી રીતે જોડાણ સાધે છે? તો બાળકો, તેનું સીધું અને સરળ સરનામું છે `એપીઆઈ', જેનું નામ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ છે. `એઆઈ' યુગમાં એપીઆઈ એ અદૃશ્ય પ્રકારનો ઘટક છે, પરંતુ તે સૌથી મહત્ત્વપૂર્ણ સેતુ ઘટક ગણાય છે, જે જટિલ `એઆઈ' અલ્ગોરિધમ્સને સામાન્ય એપ્લિકેશન સુધી પહોંચાડે છે. આજે `એપીઆઈ' શું છે અને વર્તમાન યુગમાં તેના મહત્ત્વ વિશે જાણીએ.

`એપીઆઈ' એટલે શું?

`એપીઆઈ'નો પૂર્ણ અર્થ થાય છે, એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. તેને સરળ શબ્દોમાં સમજીએ તો એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ એ બે જુદાં જુદાં સોફ્ટવેર અથવા સિસ્ટમ્સ વચ્ચે વાતચીત કરાવતો એક મધ્યસ્થી છે. ધારો કે તમે હોટલમાં જમવા જાઓ છો. ત્યાં તમે એક ગ્રાહક છો. રસોડું એ મેઈન સિસ્ટમ/સર્વર છે, જ્યાં ખોરાક તૈયાર થાય છે. તમે તમારો ઓર્ડર વેઈટરને આપો છો. વેઈટર રસોડામાં જઈને આદેશ પહોંચાડે છે અને રસોડું ઓર્ડર તૈયાર કરીને વેઈટર મારફતે તમારા ટેબલ પર મોકલે છે. આમ, આ ઉદાહરણમાં વેઈટરને `એપીઆઈ' કહેવાય છે, કારણ કે વેઈટર તમારા અને હોટલના રસોડા વચ્ચે જરૂરી અને ઉપયોગી માહિતી પૂરી પાડે છે.   

`એઆઈ' અને `એપીઆઈ'નો સંબંધ

અગાઉના સમયમાં સોફ્ટવેર ફિક્સ્ડ રૂલ્સ તેમજ નિયમો પર કામ કરતા હતા, પરંતુ `એઆઈ' મોડલ્સ ડેટા પર આધારિત છે અને સ્વચાલિત નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે. `એઆઈ' મોડેલ બનાવવું એ અત્યંત ખર્ચાળ અને જટિલ પ્રક્રિયા છે. તેના માટે કરોડો ડોલરના સુપર કમ્પ્યૂટર્સ અને અબજો ડેટાની જરૂર પડે છે. દરેક નાની કંપની કે ડેવલપર પોતાનું `એઆઈ' મોડલ બનાવી શકતા નથી. આ સમસ્યાનો ઉકેલ `એપીઆઈ' લાવે છે. ટેક કંપનીઓ પોતાના `એઆઈ' મોડલ્સ તૈયાર કરીને તેની `એપીઆઈ' બહાર પાડે છે. સોફ્ટવેર ડેવલપર્સ માત્ર થોડા કોડ તેમજ લાઇન લખીને તે `એપીઆઈ'નો ઉપયોગ પોતાની એપમાં કરી શકે છે. પરિણામે યૂઝરને જટિલ પ્રશ્નો અને ખર્ચમાંથી રાહત મળી જાય છે.   

`એપીઆઈ' ઉપયોગનાં 4 મહત્ત્વનાં કારણો

(1) ટેક્નોલોજીનું લોકશાહીકરણ: `એપીઆઈ'ના કારણે `એઆઈ' માત્ર મોટી ટેક કંપનીઓ પૂરતું મર્યાદિત નથી રહ્યું. એક સામાન્ય ગ્રાફિક ડિઝાઇનર અથવા નાનો સ્ટાર્ટઅપ ડેવલપર પણ `એપીઆઈ'નો ઉપયોગ કરીને પોતાની એપ્લિકેશનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉમેરી શકે છે. આનાથી નવીનતાનો મોટો વિસ્ફોટ થયો છે.   

(2) ખર્ચ અને સમયની બચત :

જો કોઈ કંપની પોતાના માટે `એઆઈ' મોડલ શરૂઆતથી બનાવે, તો તેને કરોડો રૂપિયાનો ખર્ચ અને વર્ષોનો સમય લાગે. `એપીઆઈ'નો ઉપયોગ કરવાથી ડેવલપર્સને `જેટલો ઉપયોગ એટલો જ ખર્ચ'. મોડલ પર `એઆઈ' સુવિધાઓ ભાડે લઈ શકે છે.   

(3) મોડ્યુલારિટી અને સહેલાઈથી અપડેટ : જ્યારે `એઆઈ' મોડલ ડેવલપ કરનાર કંપની પોતાના મોડલમાં સુધારો કરે છે, ત્યારે `એપીઆઈ' વાપરનાર એપ્લિકેશનને તેનો લાભ આપોઆપ મળી જાય છે. એપ્લિકેશન ડેવલપરે પોતાની સિસ્ટમ ફરીથી બનાવવી પડતી નથી તેમજ અપડેટ કરવાની પણ જરૂર પડતી નથી.   

(4) ક્રોસ-પ્લેટફોર્મ એકીકરણ : `એપીઆઈ' વિવિધ પ્લેટફોર્મ્સને એકબીજા સાથે સરળતાથી જોડી શકે છે.   

ભવિષ્યનો દૃષ્ટિકોણ: ભવિષ્યમાં`એઆઈ' કેવળ જવાબો આપવા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ આપણા વતી કામ પણ કરશે, તેને આપણે એજન્ટિક એ આઈના નામથી ઓળખીશું. જેમકે, જો તમે `એઆઈ'ને કહો કે `મારે શનિવારે વડોદરાથી દિલ્હી જવું છે, સસ્તી ફ્લાઈટ બુક કરી આપો.' અહીં `એઆઈ' માત્ર ફ્લાઈટ શોધશે નહીં, પરંતુ `એરલાઈન એપીઆઈ', `પેમેન્ટ ગેટ વે એપીઆઈ' અને `ઈ-મેલ'નો ઉપયોગ કરીને ટિકિટ બુક પણ કરી દેશે. આ દર્શાવે છે કે ભવિષ્યના ડિજિટલ ઈકોસિસ્ટમની કરોડરજ્જુ `એપીઆઈ' જ રહેશે.   

 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો