લંગડી એ ભારતની અતિ લોકપ્રિય અને પ્રાચીન પરંપરાગત રમતોમાંની એક છે. મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રચલિત આ રમત બાળકોમાં શારીરિક સ્ટેમિના, એકાગ્રતા અને સંતુલન વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. લંગડીનો ઇતિહાસ સદીઓ જૂનો છે અને તેનો ઉદ્ભવ પ્રાચીન ભારતમાં થયો હોવાનું મનાય છે. શરૂઆતના સમયમાં આ રમત ગ્રામીણ વિસ્તારોમાં મનોરંજન અને શારીરિક કસરત માટે રમાતી હતી. 20મી સદીના મધ્યમાં આ રમતને વ્યવસ્થિત સ્વરૂપ આપવામાં આવ્યું. 1935માં મહારાષ્ટ્રની `હનુમાન વ્યાયામ પ્રસારકમંડળ' એટલે કે અમરાવતી દ્વારા તેના નિયમો ઘડવામાં આવ્યા. 1993માં `લંગડી સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા'ની સ્થાપના થઈ, જેણે આ રમતને શાળાકીય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ સુધી પહોંચાડી. લંગડી ચોરસ અથવા લંબચોરસ મેદાનમાં બે ટીમો વચ્ચે રમાય છે. સામાન્ય રીતે દરેક ટીમમાં 12 ખેલાડીઓ હોય છે. 9 મેદાન પર અને 3 અવેજી. મેચ 4 દાવની હોય છે. દરેક દાવમાં આક્રમણ કરનાર ટીમને લંગડી લઈને બચાવ કરનાર ખેલાડીઓને આઉટ કરવા 9 મિનિટનો સમય મળે છે.  

 આક્રમણ કરનાર ખેલાડીએ આખી મેચ દરમિયાન એક જ પગ જમીન પર રાખીને લંગડી લઈને દોડવાનું હોય છે. જો બીજો પગ જમીનને અડી જાય તો તે ખેલાડી આઉટ ગણાય છે. લંગડી લેનાર ખેલાડી બચાવ કરનાર ખેલાડીને અડી જાય તો બચાવ કરનાર આઉટ થાય છે. જો બચાવ કરનાર ખેલાડી મેદાનની નક્કી કરેલી લાઇન બહાર નીકળી જાય તો તે આઉટ ગણાય છે. નિર્ધારિત સમયમાં જે ટીમ વધુ ખેલાડીઓને આઉટ કરીને સૌથી વધુ પોઈન્ટ મેળવે તે વિજેતા બને છે.