ભારતમાં રાજવી વૈભવ અને અદ્ભુત સ્થાપત્ય કલાના નમૂના સમાન અનેક ઐતિહાસિક સ્મારકો આવેલાં છે. એમાં કર્ણાટક રાજ્યના મૈસુર શહેરમાં આવેલો `મૈસુર પેલેસ' વિશ્વભરમાં બહુ પ્રખ્યાત છે. મૈસુરને મહેલોનું શહેર પણ કહેવામાં આવે છે, જેમાં આ અંબા વિલાસ પેલેસ (મૈસુર પેલેસ) સૌથી મુખ્ય છે. આ મહેલનો સમાવેશ ભારતીય સ્થાપત્યના સૌથી સુંદર અને ભવ્ય મહેલોમાં થાય છે. તાજમહાલ પછી પ્રવાસીઓ દ્વારા સૌથી વધુ મુલાકાત લેવાતું આ ભારતનું બીજા ક્રમનું ઐતિહાસિક સ્થળ છે. આ મહેલ હિન્દુ, મુસ્લિમ, રાજપૂત અને ગોથિક શૈલીના મિશ્રણથી બનેલો ઇન્ડો-સારાસેનિક સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે, જેની ભવ્યતા જોઇ લોકો દંગ રહી જાય છે.   

મૈસુર પેલેસના ઇતિહાસ સાથે વાડિયાર રાજવંશનું સદીઓ જૂનું જોડાણ છે. એવી પ્રાચીન માહિતી છે કે આ જગ્યા પર 14મી સદીમાં સૌપ્રથમ લાકડાનો મહેલ બનાવવામાં આવ્યો હતો. જોકે, વર્ષ 1897માં દશેરાના તહેવાર દરમિયાન એક દુર્ઘટનામાં એ લાકડાનો મહેલ બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારબાદ મૈસુરના મહારાણી વાણી વિલાસ સન્નિધના અને મહારાજા કૃષ્ણરાજા વાડિયાર ચતુર્થે આ ભવ્ય મહેલ ફરીથી બનાવવાનું નક્કી કર્યું. તેમણે બ્રિટિશ આર્કિટેક્ટ હેનરી ઇર્વિનને આ મહેલની નવી ડિઝાઇન બનાવવાનું કામ સોંપ્યું હતું. આ આધુનિક મૈસુર પેલેસનું નિર્માણકાર્ય વર્ષ 1897માં શરૂ થયું અને 1912માં પૂર્ણ થયું હતું, એટલે કે તેને બનતા આશરે 15 વર્ષ જેટલો સમય લાગ્યો હતો.   

મહેલની અંદરના ભાગમાં ભવ્ય દરબાર હોલ, કલ્યાણ મંડપ (લગ્ન મંડપ), અદ્ભુત ઝુમ્મરો, સુંદર કીમતી પથ્થરો જડેલી કલાત્મક છતો અને સોનાની અંબાડી ધરાવતો હાથી તેમજ મહેલની વચ્ચોવચ બનેલા મોટા પ્રાંગણમાં બનાવેલા બે સિંહો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. મહેલના પરિસરમાં 12 જેટલાં સુંદર મંદિરો પણ આવેલાં છે. નવરાત્રિ અને દશેરાના ઉત્સવ દરમિયાન આ મહેલને ખાસ રીતે શણગારવામાં આવે છે. દશેરાની રાત્રે આખા મહેલને આશરે એક લાખ જેટલા લાઈટના બલ્બથી રોશન કરવામાં આવે છે, જે દૃશ્ય અદ્ભુત અને આંખો આંજી દે તેવું હોય છે. મહેલની આ રોશની જોવા માટે દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ મૈસુર આવે છે. શિયાળા અને ગરમીની ઋતુમાં પ્રવાસીઓ માટે અહીં સાંજે ખાસ સાઉન્ડ એન્ડ લાઈટ શોનું પણ આયોજન કરવામાં આવે છે. આ મહેલની બનાવટ એવી છે કે ભરગરમીમાં પણ મહેલની અંદર ઠંડક જ લાગે છે. રોજ અહીં હજારો લોકો જોવા આવતા હોય છે. મહેલમાં સખત ભીડ હોવા છતાં અંદર સહેજેય ગરમીનો અનુભવ નથી થતો.   

મૈસુર પેલેસ પહોંચવા માટે પ્રવાસીઓ બેંગલુરુ થઈને સડક કે રેલ માર્ગ દ્વારા ખૂબ જ સરળતાથી મૈસુર શહેર પહોંચી શકે છે. બેંગલુરુથી મૈસુરનું અંતર આશરે 140 કિલોમીટર છે. મૈસુર રેલવે સ્ટેશન કે બસસ્ટેન્ડથી મહેલ માત્ર થોડા જ કિલોમીટરના અંતરે આવેલો છે, જ્યાંથી સ્થાનિક વાહનો સરળતાથી મળી રહે છે. આ મહેલ બારેમાસ પ્રવાસીઓ માટે ખુલ્લો રહે છે, પરંતુ મૈસુરની મુલાકાત લેવા અને દશેરાના ભવ્ય ઉત્સવને માણવા માટે ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીનો સમયગાળો સૌથી ઉત્તમ માનવામાં આવે છે.   


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો