મેરેથોન શબ્દ ગ્રીક દંતકથા ઉપરથી આવ્યો છે. જે ફીડિપિડ્સની સ્ટોરી કહે છે. 490 ઇસા પૂર્વમાં મેરેથોનના મેદાનમાંથી એથેન્સ સુધી દોડીને ફારસી સેના સુધી યુનાનીઓના જીતના સમાચાર પહોંચાડવા માટે દોડ્યો હતો. આ સ્ટોરી પર આધારિત આ દોડ પહેલી વખત 1896માં ઓલિમ્પિકમાં રજૂ કરવામાં આવી હતી. 1924માં ઓલિમ્પિકમાં મેરેથોનનું અંતર 42,195 મીટર રાખવામાં આવ્યું હતું. 1984માં મહિલાઓને પણ મેરેથોનમાં જોડવામાં આવી હતી.   

મેરેથોનના મુખ્ય ત્રણ પ્રકાર છે. હાફ મેરેથોન, મેરેથોન અને અલ્ટ્રા મેરેથોન. આ ઉપરાંત 10 કિલોમીટર અને સ્ટેજ દોડ પણ મેરેથોનમાં સામેલ છે. હાફ મેરેથોનમાં દોડવાનું અંતર આશરે 21.1 કિમીનું હોય છે. કેન્યા અને ઇથિયોપિયાની મહિલાઓ હાફ મેરેથોન દોડમાં સૌથી આગળ રહી છે. અલ્ટ્રા મેરેથોનમાં 42.2 કિલોમીટર કે તેનાથી વધારે અંતર હોય છે. જ્યારે સ્ટેજ રેસ એક ફૂટ રેસ છે, જે એક કરતાં વધારે દિવસની હોય છે. સામાન્ય રીતે આ રેસને બે અથવા છ ચરણની અંદર કવર કરવામાં આવે છે. મેરેથોનમાં જે તે આયોજક સમિતિનો નિર્ણય અંતિમ માનવામાં આવે છે. આ રેસમાં ભાગ લેવા માટે પ્રવેશપત્ર ભરવાનું હોય છે. કોઇ પણ સ્પર્ધામાં ભાગ લેવા માટે પહેલાં પૂરતી તૈયારી કરવી પડે છે, એ રીતે મેરેથોનમાં પણ છે, તેથી મેરેથોનમાં ભાગ લેવો હોય તો છ મહિના પહેલાં તૈયારી શરૂ કરી દેવી જોઇએ. આહાર અને પૌષ્ટિક ભોજન લેવાનું શરૂ કરવું જોઇએ.