એક સોનેરી સાંજે, ઘનઘોર જંગલના એક ખૂણામાં આવેલા પોતાના સુખદ ઘરમાં બેઅર (રીંછ) આરામથી ચા પી રહ્યું હતું. તેની સાથે નાની, ચંચળ અને મસ્તીખોર માશા રમતી હતી. જેમ-જેમ સૂરજ ઢળતો ગયો, તેમ-તેમ જંગલ પર અંધકારની એક રહસ્યમય અને ડરાવની ચાદર પથરાવા લાગી. વાતાવરણમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ, જે સામાન્ય રાત કરતાં સાવ અલગ હતી.   

અચાનક બારી બહારથી એક તીણો અને ભયાનક અવાજ આવ્યો`સરરર... છમમમ...' માશાએ પોતાનો ગુલાબી સ્કાફ સરખો કર્યો અને ઉત્સુકતાથી બારી બહાર ડોકિયું કર્યું. બેઅરે તેને રોકવાનો પ્રયાસ કર્યો અને ગર્જના કરીને ઘરમાં રહેવા ઈશારો કર્યો, પરંતુ માશા તો માશા હતી! તે બીકને સાઇડ ઉપર મૂકીને બારણું ખોલીને જંગલ તરફ દોડી ગઈ. લાચાર થઈને બેઅરે પણ તેની પાછળ જવું પડ્યું.   

જેમ-જેમ તેઓ જંગલના ઊંડાણમાં ગયાં, રસ્તો વધુ ને વધુ ભયાનક બનતો ગયો. સૂકાં પાંદડાંઓનો અવાજ અને વૃક્ષોના ડરામણા પડછાયા રાક્ષસ જેવા લાગતા હતા. અચાનક એક જૂના અને સુકાઈ ગયેલા વટવૃક્ષ પાસે જઈને માશા અટકી ગઈ. ત્યાં એક ચમકતો, પ્રાચીન અરીસો અડધો જમીનમાં દાટેલો હતો. તેની ઉપર લોહી પડ્યું હોય એવો લાલ રંગ દેખાતો હતો.   

માશાએ ઉત્સુકતાથી અરીસા પર પડેલી ધૂળ સાફ કરી. જેવું તેણે અરીસામાં જોયું, અરીસામાંથી એક કાળો, ધુમાડા જેવો આકાર બહાર નીકળ્યો. એ એક રાક્ષસી આત્મા હતો, જે સદીઓથી તે અરીસામાં કેદ હતો. બેઅરે જંગલમાં આવો કોઇ રાક્ષસી અરીસો છે એવું એના દાદા પાસેથી સાંભળ્યું હતું એટલે જ તે માશાને એ સાઇડ જવા દેવા રાજી નહોતો, પણ માશા જેનું નામ. એ બેઅરના કીધે કશું કરે એવું આ જીવનમાં તો શક્ય નહોતું જ.   

શેતાની પડછાયો વિકરાળ હાસ્ય સાથે બોલ્યો, `આજે રાત્રે આ આખું જંગલ મારું થઈ જશે!'   

બેઅરે માશાને પોતાની પાછળ છુપાવી દીધી અને શેતાની આત્મા સામે મોટેથી ગર્જના કરી, પરંતુ તે આત્મા પર કોઇ પણ તાકાતની અસર થતી નહોતી. તે બેઅરને પોતાના કાળા જાદુથી હવામાં ઉછાળવા લાગ્યો.   

માશા હોશિયાર અને બહદુર હતી. એની અંદર ડર નામની વસ્તુ જ નહોતી. તે સમજી ગઈ કે આ રાક્ષસને શારીરિક શક્તિથી નહીં, પરંતુ બુદ્ધિથી જ હરાવી શકાશે. તેણે જોયું કે તે શેતાની પડછાયો અરીસાના પ્રકાશથી દૂર રહેવા પ્રયત્ન કરી રહ્યો હતો. માશાને ખ્યાલ આવ્યો કે તે અરીસાના પ્રકાશથી ડરી રહ્યો છે. એણે તરત જ પોતાની પાસે રહેલી નાની ટોર્ચ કાઢી અને તેનો પ્રકાશ અરીસા પર પાડ્યો. અરીસામાંથી એક શક્તિશાળી સફેદ રોશની રિફ્લેક્ટ થઈને સીધી તે ડરામણા પડછાયા પર પડી.   

સફેદ રોશની પડતાં જ શેતાની આત્મા દર્દથી ચીસો પાડવા લાગ્યો. બેઅરે પણ તરત જ એક મોટો પથ્થર ઊંચકીને તે અરીસા પર જોરથી ફેંક્યો. `છનનન...' અવાજ સાથે અરીસો તૂટીને વિખેરાઈ ગયો. અરીસો તૂટતાં જ તે ભયાનક શેતાની આત્મા હવામાં ગાયબ થઈ ગયો અને જંગલનો કાળો જાદુ ક્ષણવારમાં ઓગળી ગયો.   

ચંદ્રમાનો શીતળ પ્રકાશ ફરીથી જંગલ પર પથરાઈ ગયો. પક્ષીઓનો હળવો અવાજ શરૂ થયો. માશા દોડીને બેઅરને ભેટી પડી. બેઅરે પણ રાહતનો શ્વાસ લીધો અને માશાને ઊંચકી લીધી. બંને ઝડપથી પોતાના સુરક્ષિત ઘર તરફ પાછાં ફર્યાં.   

તે રાત્રે માશાએ વચન આપ્યું કે તે હવે ક્યારેય રાત્રે એકલી અજાણ્યા રસ્તે નહીં જાય, પરંતુ બેઅર જાણતું હતું કે માશાનું પ્રોમિસ માત્ર કહેવાનું જ હતું અને એની આ સાહસિકતાએ જ આજે તેમનો જીવ બચાવી લીધો હતો.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો