જ્યારે વૈજ્ઞાનિકોએ ઓસ્ટ્રેલિયામાં સૌપ્રથમવાર પ્લેટિપસ (Platypus) પ્રાણીને જોયું, ત્યારે તેમને લાગ્યું કે આ ઉત્ક્રાંતિનો અદ્ભુત નમૂનો છે. પ્લેટિપસ એ વિશ્વના સૌથી વિચિત્ર અને અનોખા પ્રાણીઓમાંથી એક છે, જે વિજ્ઞાનના સામાન્ય નિયમોને પડકારે છે.


પ્લેટિપસના શરીરની રચના જોતાં એવું લાગે છે કે તે ઘણાં પ્રાણીઓનું મિશ્રણ છે. તેનો ચહેરો અને ચાંચ બતક જેવા હોય છે. તેની પૂંછડી જળબિલાડી જેવી ચપટી હોય છે અને તેના પગ દેડકા કે બતકની જેમ ચામડીથી જોડાયેલા હોય છે, જે તેને પાણીમાં ઝડપથી તરવામાં મદદ કરે છે. તેના આખા શરીર પર મુલાયમ અને વોટરપ્રૂફ વાળ હોય છે, જે તેને ઠંડા પાણીમાં પણ ગરમ રાખે છે. વિજ્ઞાનના નિયમ મુજબ સસ્તન પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે અને પક્ષીઓ કે સરીસૃપો ઇંડાં મૂકે છે, પરંતુ પ્લેટિપસ આ નિયમથી સાવ અલગ છે. તે એક સસ્તન પ્રાણી હોવા છતાં બચ્ચાને જન્મ આપવાને બદલે ઇંડાં મૂકે છે. સમગ્ર દુનિયામાં આવી માત્ર બે જ પ્રજાતિઓ જીવિત છે (બીજું પ્રાણી `ઇચિડના' છે), જેને વિજ્ઞાનની ભાષામાં `મોનોટ્રીમ' કહેવામાં આવે છે. ઇંડામાંથી બચ્ચાં બહાર આવ્યા પછી, માતા પ્લેટિપસ તેને પોતાનું દૂધ પીવડાવે છે. જોકે, તેને આંચળ હોતાં નથી, પણ તેના પેટની ચામડીમાંથી દૂધ પરસેવાની જેમ બહાર નીકળે છે, જેને બચ્ચાં ચાટીને પીવે છે.

નર પ્લેટિપસના પાછળના પગમાં એક ખાસ નખ હોય છે, જેમાંથી ઝેર નીકળે છે. આ ઝેર કોઈ માણસને મારી શકતું નથી, પણ અસહ્ય દુખાવો પેદા કરી શકે છે. પ્લેટિપસ જ્યારે પાણીની અંદર શિકાર કરવા જાય છે, ત્યારે તે પોતાની આંખ, કાન અને નાક બંધ કરી દે છે. તેની ચાંચમાં એક ખાસ સેન્સર હોય છે, જે પાણીમાં રહેલા અન્ય જીવોના સ્નાયુઓમાંથી નીકળતા નબળા ઇલેક્ટ્રિક કરંટને ઓળખી લે છે. આ ખાસ શક્તિની મદદથી તે અંધારામાં પણ સચોટ શિકાર કરે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: