તમે અનેક સુંદર અને વિશાળ મંદિરો જોયાં હશે, પરંતુ શું તમે ક્યારેય એવા મંદિર વિશે સાંભળ્યું છે જ્યાં કુદરતના નિયમો પણ બદલાઈ જાય છે? ઓડિશા રાજ્યના પુરી શહેરમાં આવેલું શ્રી જગન્નાથજીનું મંદિર એક એવું જ અદ્ભુત અને રહસ્યમય ધામ છે. ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના આ મંદિર સાથે જોડાયેલી કેટલીક અદ્ભુત અને ચમત્કારિક વાતો તમને આશ્ચર્યમાં મૂકી દેશે! 

ગુમ થઈ જતો પડછાયો   

દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ કોઈ પણ વસ્તુ પર પડે એટલે તેનો પડછાયો બને, સાચુંને? પરંતુ જગન્નાથ પુરીના આ વિશાળ (લગભગ 214 ફૂટ ઊંચા) મુખ્ય મંદિરનો પડછાયો દિવસના કોઈ પણ સમયે જમીન પર ક્યારેય દેખાતો જ નથી! એવું કઈ રીતે બને છે તે આજે પણ એક મોટું વૈજ્ઞાનિક રહસ્ય છે. 

પવનથી વિરુદ્ધ દિશામાં લહેરાતી ધ્વજા   

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કાપડ કે ધ્વજ જે દિશામાં પવન વાતો હોય તે જ દિશામાં લહેરાય છે, પરંતુ જગન્નાથ મંદિર શિખર પર આવેલી `પતિતપાવન' ધ્વજા હંમેશાં પવનની વિરુદ્ધ દિશામાં જ લહેરાય છે! એટલું જ નહીં, આ ધ્વજને દરરોજ સાંજે 45 માળ ઊંચા શિખર પર ચડીને બદલવામાં આવે છે. એવી માન્યતા છે કે જો એક દિવસ પણ ધ્વજ ન બદલાય તો મંદિર 18 વર્ષ માટે બંધ થઈ જાય. 

પક્ષીઓ માટે નો-ફ્લાય ઝોન   

તમે દરેક ઘર કે મંદિરના શિખર પર પક્ષીઓને બેઠેલાં કે ઊડતાં જોયાં હશે, પણ પુરીના આ મંદિરના શિખર પર કે તેની ઉપરથી ક્યારેય કોઈ પક્ષી ઊડતું નથી કે બેસતું નથી! આ મંદિર પરથી વિમાન કે હેલિકોપ્ટર પણ પસાર થતાં નથી. 

સુદર્શન ચક્રનો જાદુ   

મંદિરના સૌથી ઊંચા શિખર પર અષ્ટધાતુમાંથી બનેલું ભારે `સુદર્શન ચક્ર' સ્થપાયેલું છે. આ ચક્રની ખાસિયત એ છે કે તમે પુરી શહેરના કોઈ પણ ખૂણે ઊભા રહીને તેને જુઓ, તમને એવું જ લાગશે કે સુદર્શન ચક્રનો ચહેરો તમારી તરફ જ છે! 

દરિયાનો અવાજ અહીં ગાયબ 

થઇ જાય છે  

મંદિર સમુદ્ર કિનારાની ખૂબ નજીક છે. તમે મંદિરના મુખ્ય દરવાજા(સિંહદ્વાર)ની બહાર ઊભા હશો તો દરિયાનાં મોજાંનો મોટો અવાજ સંભળાશે, પણ જેવા તમે એક જ પગલું ભરીને મંદિરની અંદર પ્રવેશ કરશો, દરિયાનો અવાજ સાવ બંધ થઈ જશે.

 ક્યારેય ખૂટતો નથી મહાપ્રસાદ   

મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ માટે માટીનાં 7 વાસણો એકની ઉપર એક મૂકીને લાકડાના ચૂલા પર પ્રસાદ બનાવાય છે. અજાયબી એ છે કે સૌથી ઉપર મૂકેલા વાસણનો ખોરાક સૌથી પહેલાં રંધાય છે! અને દરરોજ ભલે ગમે તેટલા ભક્તો આવે, પ્રસાદ ક્યારેય ઓછો પડતો નથી કે બગડતો નથી.  

આપણો દેશ અદ્ભુત ઈતિહાસ અને સંસ્કૃતિથી ભરેલો છે. જગન્નાથ પુરીનું આ મંદિર આપણને શીખવે છે કે વિજ્ઞાનથી પણ પર કુદરતના કેટલાક અનોખા ચમત્કારો આ દુનિયામાં આજે પણ વિદ્યમાન છે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો