બાળકો, આજના આધુનિક અને ડિજિટલ યુગમાં કમ્પ્યૂટર આપણી જિંદગીનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ચૂક્યું છે. આજે આપણી પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવાં અત્યાધુનિક ટૂલ છે, જે આપણા સવાલોના જવાબ આપી શકે છે, વાર્તાઓ લખી શકે છે અને ચિત્રો પણ બનાવી શકે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે `એઆઈ' આ બધું કેવી રીતે ડેવલપ કરે છે? તો બાળકો, સૌથી અગત્યની બાબત એ છે કે `એઆઈ' પાસેથી સાચી માહિતી મેળવવા માટે આપણા દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ કે પૂછવામાં આવેલા પ્રશ્નો યોગ્ય હોવા જરૂરી છે. કમ્પ્યૂટર અને `એઆઈ'ને સ્પષ્ટ અને યોગ્ય સૂચનાઓ આપવાની પદ્ધતિ અથવા કળાને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ કહેવામાં આવે છે. તો બાળકો, આજના લેખ થકી આપણે એ બાબતને જાણીશું કે પ્રોમ્પ્ટ એટલે શું, પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ શા માટે મહત્ત્વનું છે, સારા પ્રોમ્પ્ટ કેવી રીતે લખી શકાય તેમજ ભવિષ્યમાં બાળકો માટે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગનું મહત્ત્વ કેટલું મહત્ત્વનું બની શકે છે.
પ્રોમ્પ્ટ એટલે શું?
બાળકો, સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે તમે કોઈ પણ `એઆઈ' મોડલને કોઈ પ્રશ્ન પૂછો છો કે કોઈ કામ સોંપો છો, ત્યારે તમે જે લખાણ કે સૂચના આપો છો તેને પ્રોમ્પ્ટ કહેવાય છે. ઉદાહરણ તરીકે જો તમે `એઆઈ'ને પૂછો કે `મને એક વાર્તા કહો', તો આ એક સાદો પ્રોમ્પ્ટ કહેવાય છે, પરંતુ જો તમે એમ પૂછો કે `એક વાંદરા અને ટોપી વેચનાર ફેરિયાની રમૂજી વાર્તા કહો' તો આ એક ચોક્કસ અને શ્રેષ્ઠ પ્રોમ્પ્ટ કહેવાય છે. ટૂંકમાં, કોઈ પણ યૂઝર દ્વારા જેટલું સ્પષ્ટ પૂછવામાં આવે તેટલો સારો જવાબ મળે અને જેટલું અસ્પષ્ટ પૂછવામાં આવે તેટલો જવાબ અધૂરો મળે. જ્યારે સ્પષ્ટ પ્રોમ્પ્ટ લખવાની વાત સામે આવે ત્યારે તેને શીખવાની પદ્ધતિને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ કહેવાય.
પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ શા માટે મહત્ત્વનું છે?
બાળકો, `એઆઈ' ગમે તેટલું હોશિયાર હોય, પણ તે માણસની જેમ આપોઆપ વિચાર કરી શકતું નથી, તે આપણા દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ પર આધાર રાખે છે. જો આપણો પ્રોમ્પ્ટ સ્પષ્ટ ન હોય, તો આપણને યોગ્ય જવાબ મળતો નથી.
સામાન્ય પ્રોમ્પ્ટ તથા ઉત્તમ પ્રોમ્પ્ટને ઉદાહરણથી સમજીએ
1) `ચંદા મામા વિશે લખો.', `ધોરણ 4ના વિદ્યાર્થી સમજી શકે તે રીતે ચંદ્ર ના મહત્ત્વને માત્ર 10 મુદ્દામાં સમજાવો.'
2) `બાળકોનાં ચિત્રો બનાવો.', `બગીચામાં રમી રહેલાં બાળકોનું સુંદર ચિત્ર બનાવો.'
3) `કુદરતી ખાતરનો પ્રશ્ન સમજવો છે.' , `કુદરતી ખાતર વિશે સરળ ગુજરાતી ભાષામાં તબક્કાવાર સમજાવો.'
ઉપરનાં ત્રણ ઉદાહરણ પરથી તમે જ સમજી જશો કે કોને સામાન્ય પ્રોમ્પ્ટ કહેવાય અને કોને ઉત્તમ પ્રોમ્પ્ટ કહેવાય.
પ્રોમ્પ્ટ લખવાના મુખ્ય ચાર નિયમો
સ્પષ્ટતા : તમે શું ઈચ્છો છો તે સ્પષ્ટ શબ્દોમાં જણાવો. વાક્ય રચના જટિલ બનાવવાની જગ્યાએ સરળ રાખો.
સંદર્ભ : `એઆઈ'ને જરૂરી માહિતી પૂરી પાડો. જેમ કે, `હું 10 વર્ષનો વિદ્યાર્થી છું, મને સહજતાથી સમજ પડે તે રીતે સમજાવો.'
ભૂમિકા સોંપવી : `એઆઈ'ને કોઈ ચોક્કસ ભૂમિકા આપો. જેમ કે, `તમે એક વિજ્ઞાનના શિક્ષક છો.'
મર્યાદા નક્કી કરવી : જવાબ કેટલો લાંબો કે ટૂંકો હોવો જોઈએ તેની મર્યાદા આપો. જેમ કે, `માત્ર 200 શબ્દોમાં લખો.'
બાળકો માટે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગનું મહત્ત્વ
કોડિંગ શીખવાની સાથે સાથે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ શીખવું પણ ખૂબ જ ઉપયોગી છે. તે બાળકોમાં નાનપણથી જ તાર્કિક વિચારસરણી અને રચનાત્મકતામાં વધારો કરે છે. આ કળા શીખવાથી બાળકો પોતાના અભ્યાસ, પ્રોજેક્ટ અને ગૃહકાર્યમાં `એઆઈ'નો એક સક્ષમ ઈ-મિત્ર તરીકે ઉપયોગ કરી શકે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો