રંગબેરંગી અને જાતજાતનાં ફૂલોથી છવાયેલી ધરતી જોવાનો આનંદ જ અનોખો છે. આ આનંદ વેલી ઓફ ફ્લાવર્સમાં માણવા મળે. ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં ચમૌલી જિલ્લામાં વેલી ઓફ ફ્લાવર્સ આવેલું છે. અહીં દુનિયાનાં દુર્લભ એવાં ફૂલો, પક્ષીઓ અને ઔષધીઓ જોવા મળે છે. વિશ્વવિખ્યાત ફૂલોથી છવાયેલી ખીણ, જે વિવિધ ફૂલો અને સ્વચ્છ વાતાવરણથી બધાનું મન મોહી લે છે.
ફૂલોથી છવાયેલી આ સુંદર વેલીની માહિતી પહેલાં દુનિયાના લોકોને ખાસ નહોતી. 1931માં બ્રિટિશ પર્વતારોહી ફ્રેંક એસ. સ્માઇથ, એરિક શિપ્ટન અને આર. એલ. હોલ્ડ્સ વર્થ માઉન્ટ પર સફળ અભિયાન કરીને પરત ફરી રહ્યા હતા, એ દરમિયાન રસ્તો ભૂલી ગયા હતા. તેઓ રસ્તો શોધતાં શોધતાં ફૂલોથી ભરચક ખીણમાં પહોંચી ગયા હતા. કુદરતની આ સુંદરતાથી આકર્ષાઇને આ પર્વતારોહકોએ તેને વેલી ઓફ ફ્લાવર્સ એવું નામ આપ્યું હતું. એ પછી ફ્રેંક સ્માઇથે વેલી ઓફ ફ્લાવર્સ ઉપર પુસ્તક પણ લખ્યું હતું. આ રીતે વેલી ઓફ ફ્લાવર્સની શોધ થઇ અને દુનિયા સમક્ષ અસ્તિત્વમાં આવ્યું.
1939માં રોયલ બોટનિક ગાર્ડન કેયુ દ્વારા નિયુક્ત એક વનસ્પતિવિદ જોનમાર્ગરેટ લીજેને આ સ્થળનાં ફૂલોનો અભ્યાસ કરવા માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ ફૂલોને ભેગાં કરતી વખતે ભેખડ પડવાને કારણે તેમનું મૃત્યુ થઇ ગયું. એ પછી તેમની બહેને આ વેલી ઓફ ફ્લાવર્સની મુલાકાત લીધી હતી અને ત્યાં એક સ્મારક બનાવ્યું હતું. વન્યજીવ સંસ્થા દ્વારા નિયુક્ત એક વનસ્પતિ વિજ્ઞાનના પ્રોફેસર ચંદ્રપ્રકાશ કાલાએ 1993માં આ જગ્યા અને ત્યાંનાં ફૂલોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. આ વેલીની સુંદરતા પહેલાંની જેમ યથાવત્ છે. દર વર્ષે અનેક પ્રવાસીઓ આ વેલીની અદ્ભુત સુંદરતાને માણવા માટે જાય છે.
વેલી ઓફ ફ્લાવર આશરે 87. 50 વર્ગ કિમી.ના ક્ષેત્રફળમાં ફેલાયેલી છે, જે આશરે બે કિમી. પહોળી અને લગભગ 8 કિલોમીટર લાંબી છે. વેલીની ઊંચાઇ 3353થી 3658 મીટર હોવાનું મનાય છે. તેને નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાનનો એક ભાગ માનવામાં આવે છે. આ જગ્યા વર્ષો જૂની છે. કહેવાય છે કે રામાયણકાળમાં હનુમાનજી સંજીવની બુટીની શોધમાં અહીં આવ્યા હતા. નવાઈની વાત તો એ છે કે ફૂલોની ખીણ દર બે અઠવાડિયે પોતાનો રંગ બદલી નાંખે છે. ક્યારેક ગુલાબી તો ક્યારેક પીળો તો વળી ક્યારેક લાલ. બદલાતા રંગો અને ભાગ્યે જ જોવા મળતાં એવાં ફૂલોને જોવાં એ પણ એક લહાવો છે. જે લોકો ફૂલો અને તેની અનોખી સુગંધના દીવાના છે, તેમના માટે વેલી ઓફ ફ્લાવર્સ સ્વર્ગ સમાન છે.
ભારત સરકાર દ્વારા 1982માં આ વેલીને ભારતીય રાષ્ટ્રીય ઉદ્યાનના રૂપમાં માન્યતા આપવામાં આવી હતી. 1988માં યુનેસ્કોએ આ વેલીની સુંદરતા, સ્વચ્છ વાતાવરણને ધ્યાનમાં રાખીને તેનો વિશ્વ ધરોહરમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતીય વન અનુસંધાન સંસ્થાનમાં 1992માં આ ઘાટીની આસપાસ આશરે 600થી વધારે એન્જિયો સ્પર્મની જાતિવાળા છોડ જોવા મળ્યા હતા. આશરે 30 પટેરિડોફાઇટ્સ પ્રજાતિઓવાળા છોડની ઓળખ કરવામાં આવી હતી. ફૂલો જ નહીં કુદરતી ઔષધીઓનો ખજાનો વેલી ઓફ ફ્લાવર્સમાં છે. આ એવી ઔષધીઓ છે જેનાથી બીમારીઓમાંથી છુટકારો મળે છે. તેના ઉપર આજે પણ સંસોધન ચાલી રહ્યાં છે.
વેલી ઓફ ફ્લાવર્સ ફૂલોની વિશેષતા માટે તો જાણીતું છે જ, સાથે ટ્રેકિંગપ્રેમીઓ માટે પણ શાનદાર છે. પ્રવાસીઓ આ સ્થળે ટ્રેકિંગનો લુત્ફ ઉઠાવે છે. વેલી ઓફ ફ્લાવર્સની આસપાસ અનેક આકર્ષક અને રહસ્યમય પર્યટન સ્થળ છે. રોમાંચક પ્રકૃતિપ્રેમી માટે વેલી ઓફ ફ્લાવર્સ અદ્ભુત સ્થળ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો