ગણિતની ગણતરી કરવાનું આપણે આંગળીના વેઢે શીખીએ છીએ. રકમ જ્યારે નાની હોય ત્યારે એની ગણતરી કરવાનું આંગળીના વેઢે સરળ છે, પરંતુ રકમ જ્યારે મોટી હોય ત્યારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ. કેલ્ક્યુલેટરના કારણે ગણિતની મોટી ગણતરીઓ આપણે સેકન્ડોમાં કરી શકીએ છીએ. પહેલાં કેલ્ક્યુલેટરને ખિસ્સામાં લઇને ફરવું પડતું હતું. હવે સ્માર્ટ ફોન અને કમ્પ્યૂટરના આ યુગમાં કેલ્ક્યુલેટર ખૂબ જ સામાન્ય સાધન લાગે છે, પરંતુ તેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. આંગળીના ટેરવે થતી ગણતરીઓથી શરૂ કરીને આજના ડિજિટલ કેલ્ક્યુલેટર સુધી પહોંચવાની વૈજ્ઞાનિકોની સફર અત્યંત રસપ્રદ છે.  


માનવ ઇતિહાસમાં ગણતરી કરવા માટે બનાવવામાં આવેલું સૌથી પહેલું સાધન એબેક્સ હતું. તેની શોધ આશરે 4000 વર્ષ પહેલાં ચીન અને મેસોપોટેમિયામાં થઈ હતી. આ સાધનની મદદથી સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરવામાં આવતા હતા. એબેક્સને આજના આધુનિક કેલ્ક્યુલેટરના પૂર્વજ તરીકે ગણવામાં આવે છે.  

17મી સદીમાં ગણિતના ક્ષેત્રમાં મોટી ક્રાંતિ આવી. વર્ષ 1642માં ફ્રાન્સના મહાન ગણિતશાસ્ત્રી અને ફિલસૂફ બ્લેઝ પાસ્કલે માત્ર 19 વર્ષની ઉંમરે વિશ્વનું પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર બનાવ્યું, જેને પાસ્કાલીનનામ આપવામાં આવ્યું હતું. પાસ્કલે આ સાધન તેમના પિતાને મદદ કરવા માટે બનાવ્યું હતું, જેઓ ટેક્સ કલેક્ટર હતા. આ કેલ્ક્યુલેટર ઘડિયાળના ગિયર્સ(ચક્રો)ની મદદથી કામ કરતું હતું અને તેનાથી સરવાળા-બાદબાકી થઈ શકતા હતા. 1673માં જર્મન વૈજ્ઞાનિક ગોટફ્રાઈડ લીબનીઝે આ ડિઝાઇનમાં સુધારો કરીને ગુણાકાર અને ભાગાકાર કરી શકે તેવું મશીન બનાવ્યું.  

20મી સદીમાં ટેક્નોલોજીના વિકાસ સાથે કેલ્ક્યુલેટરનું કદ નાનું અને તેની સ્પીડ ઝડપી થવા લાગી. 1960માં વેક્યૂમ ટ્યૂબ અને ટ્રાન્ઝિસ્ટરની મદદથી ચાલતા ઇલેક્ટ્રોનિક ડેસ્કટોપ કેલ્ક્યુલેટર બજારમાં આવ્યાં, પરંતુ તે કદમાં બહુ મોટાં અને વજનદાર હતાં. ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કંપનીના વૈજ્ઞાનિક જેક કિલ્બીએ 1967માં પ્રથમ હેન્ડહેલ્ડ એટલે કે હાથમાં પકડી શકાય તેવું ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટર બનાવ્યું હતું. આ શોધ `માઇક્રોચિપ' અથવા ઇન્ટિગ્રેટેડ સર્કિટને કારણે શક્ય બની હતી. સમયની સાથે કેલ્ક્યુલેટરને અપગ્રેડ કરવામાં આવ્યું. 1970માં જાપાનની કંપનીઓએ ખિસ્સામાં સમાઈ જાય તેવા `પોકેટ કેલ્ક્યુલેટર' અને એલઇડી ડિસ્પ્લેવાળા કેલ્ક્યુલેટર બનાવ્યાં.  

આજે ભલે ભૌતિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ મર્યાદિત થયો હોય, પરંતુ એપ્લિકેશનના સ્વરૂપમાં તે આપણા સ્માર્ટ ફોનનો એક અનિવાર્ય હિસ્સો બની ગયું છે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: