બાળકો, જેમ જેમ ટેક્નોલોજી આગળ વધી રહી છે, તેમ વૈજ્ઞાનિકો પ્રયત્ન કરી રહ્યા છે કે `એઆઈ' એટલું સરળ બની જાય અને દરેક બાળક તેનો ઉપયોગ પોતાની પ્રગતિ માટે કરી શકે. જેમ કે, ભવિષ્યમાં તમારા કાંડા પર બાંધવાની સ્માર્ટ વૉચ, તમારી સ્કૂલ બેગ અને તમારી સાઇકલમાં પણ નાનાં સ્મોલ લેંગ્વેજ મોડલ હશે, જે તમારી જરૂરિયાત મુજબ તમને મદદ કરશે. ઉદાહરણ તરીકે, જો તમે સાઇકલ ચલાવતા હોવ અને કદાચ રસ્તો ભૂલી જાઓ, તો સાઇકલમાં રહેલું નાનું `એઆઈ' ઈન્ટરનેટ વગર પણ તમને સાચો રસ્તો બતાવી દેશે. બાળકો, સ્મોલ લેંગ્વેજ મોડલ એ દર્શાવે છે કે ટેક્નોલોજીમાં માત્ર `મોટું હોવું' જ મહત્ત્વનું નથી. બાળકો, આજના આ લેખ થકી આપણે `સ્મોલ લેંગ્વેજ મોડલને' જાણીશું.
લેંગ્વેજ મોડલ એટલે શું?
તમે એમ વિચારો કે તમારી પાસે એક એવો સ્માર્ટ મિત્ર છે, જેણે દુનિયાનાં ઘણાં બધાં પુસ્તકો, વાર્તાઓ અને શબ્દકોશો વાંચ્યાં છે અને જ્યારે તમે તેને કોઈ પ્રશ્ન પૂછો છો, ત્યારે તે પોતાના મગજમાં સંગ્રહિત થયેલી માહિતીમાંથી વિચારીને તમને યોગ્ય રીતે જવાબ આપે છે. `એઆઈ'ની ભાષામાં આ સ્માર્ટ મિત્રને જ `લેંગ્વેજ મોડલ' કહેવાય છે, જે ભાષાના શબ્દો, વાક્યો અને તેના અર્થને સહજતાથી સમજી શકે છે.
બે પ્રકારનાં લેંગ્વેજ મોડલ હોય છે
(1) લાર્જ લેંગ્વેજ મોડલ : લાર્જ લેંગ્વેજ મોડલ એક વિશાળ પુસ્તકાલય જેવું છે, જેમાં વિશાળ સંખ્યામાં જુદા જુદા વિષયોને લગતી માહિતીનો સંગ્રહ થયેલ હોય છે.
(2) સ્મોલ લેંગ્વેજ મોડલ : સ્મોલ લેંગ્વેજ મોડલ એટલે એમ સમજો કે તે તમારી સ્કૂલની બેગમાં સમાઈ જતી એક નાની, પણ ખૂબ જ મહત્ત્વની ચોપડી જેવું હોય છે, જેની પાસે તમારા દરેકેદરેક કુતૂહલ પ્રશ્નોનો જવાબ ઉપલબ્ધ છે.
સ્મોલ લેંગ્વેજ મોડલ કેવી રીતે કામ કરે છે?
સ્મોલ લેંગ્વેજ મોડલને ટૂંકમાં એસએલએમના નામથી ઓળખવામાં આવે છે, `સ્મોલ લેંગ્વેજ મોડલ' કદમાં નાનાં હોય છે, પણ અહીં નાનાનો અર્થ એવો નથી કે તે ઓછું કામ કરે છે, પરંતુ તેનો અર્થ એ છે કે તેને ચલાવવા માટે મોટાં કમ્પ્યૂટર્સની જરૂર પડતી નથી. તે ખૂબ જ ઓછા પાવર અને ઓછી મેમરીમાં પણ કામ કરી શકે છે.
જ્યારે કમ્પ્યૂટર વૈજ્ઞાનિકો આ સ્મોલ લેંગ્વેજ મોડલ બનાવે છે, ત્યારે તેઓ તેને દુનિયાભરની નકામી માહિતી આપવાને બદલે ચોક્કસ માહિતી જ આપે છે. ધારો કે આપણે એક એવું `એઆઈ' રમકડું બનાવવું છે, જે બાળકોને માત્ર ગણિત વિષયને શીખવે, તો આપણે તે રમકડાની અંદર માત્ર ગણિતના નિયમો, દાખલા અને તેને લગતી ભાષા જ શીખવીશું. આ રીતે જે નાનું અને હોશિયાર મોડલ તૈયાર થશે, તેને `સ્મોલ લેંગ્વેજ મોડલ' કહેવાય.
તે મુખ્યત્વે ત્રણ સ્ટેપમાં કામ કરે છે
(1) સમજવું : તમે જે પ્રશ્ન પૂછો છો તેના શબ્દોને તે ઓળખે છે. (2) પેટર્ન શોધવી : તેણે જે નાની પણ ચોક્કસ માહિતી શીખી છે, તેમાંથી જ તે સાચો જવાબ શોધે છે. (3) જવાબ આપવો : તે ખૂબ જ સરળ ભાષામાં તમને જવાબ આપે છે.
મુખ્ય ચાર ફાયદાઓ
1. તે ખૂબ જ ઝડપી છે
સ્મોલ લેંગ્વેજ મોડલ નાનું હોવાથી સેકન્ડના પાંચમા ભાગમાં જ તમને જવાબ આપી દે છે.
2. ઇન્ટરનેટ વગર પણ કામ કરી શકે
સ્મોલ લેંગ્વેજ મોડલ એટલાં નાનાં હોય છે કે તેને તમારા મોબાઈલ કે ટેબ્લેટની અંદર જ ડાઉનલોડ કરી શકાય છે, એટલે જો તમે એવી જગ્યાએ હોવ જ્યાં ઈન્ટરનેટ ન આવતું હોય, તો પણ આ `એઆઈ' મોડલ યોગ્ય રીતે કામ કરી શકે છે.
3. ઓછી બેટરી વપરાશ અને ઓછો ખર્ચ
બાળકો, તમે અનુભવ્યું હશે કે કમ્પ્યૂટર પર મોટી ગેમ્સ રમવાથી મોબાઈલ ગરમ થઈ જાય છે અને બેટરી જલદી ઊતરી જાય છે. સ્મોલ લેંગ્વેજ મોડલ બહુ ઓછા પાવરનો ઉપયોગ કરે છે, જેથી તમારા ઉપકરણની બેટરી લાંબી ચાલે છે.
4. તમારી માહિતી સુરક્ષિત રહે છે
જ્યારે તમે મોટા એઆઈ મોડલનો ઉપયોગ કરો છો, ત્યારે તમારો પ્રશ્ન ઈન્ટરનેટ દ્વારા દૂર સર્વર પર જાય છે, પરંતુ સ્મોલ લેંગ્વેજ મોડલ તમારા પોતાના ઉપકરણ પર જ કામ કરતું હોવાથી, તમારી કોઈ પણ માહિતી બહાર જતી નથી.
સ્મોલ લેંગ્વેજ મોડલનો ઉપયોગ દર્શાવતાં ઉદાહરણ
તમે જ્યારે મોબાઈલમાં ટાઈપ કરો છો, ત્યારે આગળનો શબ્દ આપમેળે ટાઈપ થઈને આવી જાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો