ભગવાન શિવને સમર્પિત અનેક મંદિરો આપણા દેશમાં આવેલાં છે. એમાં ઉત્તરાખંડમાં આવેલ પંચ કેદાર બહુ પ્રખ્યાત છે. પંચ કેદાર એટલે ભગવાન શિવનાં પાંચ મંદિરો. એ પંચ કેદારમાં તુંગનાથ, કેદારનાથ, રુદ્રનાથ, મધ્યમહેશ્વર અને કલ્પેશ્વરનો સમાવેશ થાય છે. એમાં આપણે તુંગનાથની વાત કરીએ તો રુદ્રપ્રયાગમાં તુંગનાથ એક એવું મંદિર છે, જે તુંગનાથના રાજસી પહાડોની વચ્ચે આવેલું છે. આ મંદિરનો સમાવેશ દુનિયામાં સૌથી ઊંચા શિવ મંદિરોમાં થાય છે. તુંગનાથ મંદિર 3680 મીટરની ઊંચાઇ પર આવેલું છે. આ મંદિર પંચ કેદારમાંનું એક છે. આ મંદિર આશરે 1000 વર્ષ જૂનું હોવાનું મનાય છે.
તુંગનાથ મંદિર સાથે પાંડવોનું જોડાણ હોવાનું મનાય છે. એવી પ્રાચીન માન્યતા છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પાંડવોએ તુંગનાથ મંદિર બનાવ્યું હતું. કુરુક્ષેત્રમાં પોતાના ભાઇઓ અને આત્મજનોને માર્યા બાદ પાંડવો વ્યાકુળ થઇ ગયા હતા. પોતાની વ્યાકુળતાને દૂર કરવા માટે તેઓ મહર્ષિ વ્યાસ પાસે ગયા. વ્યાસે તેમને જણાવ્યું કે પોતાના ભાઇઓ અને ગુરુઓને માર્યા બાદ તેઓને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું છે. આ પાપમાંથી મુક્તિ તેમને ફક્ત ભગવાન ભોળાનાથ જ અપાવી શકે એમ છે. વ્યાસ મુનિની સલાહથી પાંડવો ભોળાનાથને મળવા માટે હિમાલય ગયા, પરંતુ કુરુક્ષેત્રમાં થયેલા નરસંહારને લઇને શિવજી પાંડવો ઉપર નારાજ હતા, તેથી બધાને ભ્રમિત કરવા ભેંસોના ટોળાની વચ્ચે ભેંસનું રૂપ ધારણ કરીને ત્યાંથી નીકળી ગયા, જેથી પાંડવો તેમને મળ્યા વગર જ જતા રહે. શિવજીએ ભેંસનું રૂપ ધારણ કર્યું હોવાથી તેમને મહેશ કહેવામાં આવે છે. શિવજીએ પાંડવોને ભ્રમિત કર્યા, પરંતુ પાંડવો ન માન્યા. ભીમને ભગવાન ભોળાનાથના ભેંસ સ્વરૂપની ખબર પડી ગઇ એટલે તેમણે ભેંસનો પીછો કર્યો. એ દરમિયાન શિવે પોતાના શરીરના વિવિધ ભાગો પાંચ જગ્યા પર છોડ્યા. આ જગ્યા કેદાર એટલે કે પંચ કેદાર કહેવામાં આવે છે. તુંગનાથમાં તુંગ એટલે કે શિવના હાથ સ્થાપિત છે. આ મંદિર આશરે એક હજાર વર્ષ જૂનું હોવાનું મનાય છે. શિવને ખુશ કરવા પાંડવોએ જ મંદિરની સ્થાપના કરી હતી. પંચ કેદારોમાં આ મંદિર સૌથી ટોચ ઉપર વિરાજમાન છે. તુંગનાથની ટોચ ત્રણ ધારાઓનો સ્રોત છે, જેમાંથી અક્ષકામિની નદી બને છે. એક માન્યતા એવી પણ છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ જ જગ્યા ઉપર તપસ્યા કરી હતી.
