ચોમાસાના આગમનની સાથે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. એક સમાન્ય લાગતો મચ્છર અનેક રોગો લઇને આવે છે. એમાં ડેગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયા, જીકા અને યલો ફીગર વગેરે જેવી અનેક બીમારીઓ મચ્છર કરડવાથી થાય છે. બાળકો તમને જાણીને નવાઇ લાગશે કે, નર મચ્છર ક્યારેય કરડતા નથી. ફક્ત માદા મચ્છર જ કરડે છે. નર મચ્છર ઝાડ અને છોડના રસમાંથી કામ ચલાવી લે છે. માદા મચ્છરને ઇંડાં મૂકવા માટે માણસોના લોહીમાં રહેલા પ્રોટીનની જરૂર પડે છે, તેથી તે માણસોને કરડે છે. માદા મચ્છર એક વીકમાં આશરે 300 ઇંડાં આપે છે.
એવું કહેવાય છે કે મચ્છર 20 કરોડ વર્ષથી ધરતી પર વસવાટ કરે છે. મચ્છર લોકોનો શ્વાસ પણ સૂંઘી શકે છે. જેમને પરસેવો વધારે થતો હોય, જેમનું બ્લડ ગ્રૂપ `ઓ' હોય એવી વ્યક્તિ તરફ મચ્છર વધારે આકર્ષાય છે. વૈજ્ઞાનિકોના સંશોધન અનુસાર ગર્ભવતી મહિલાઓને મચ્છર વધારે કરડે છે. જેમના ઘરમાં તુલસીનો છોડ હોય એની આસપાસ મચ્છર જોવા નહીં મળે, કારણ કે તુલસીના પાનથી મચ્છર દૂર રહે છે. આ ઉપરાંત મચ્છર લવન્ડર, ગલગોટાનાં ફૂલ અને લસણથી ગંધથી દૂર ભાગે છે. એવી વસ્તુઓ જેમાંથી લીંબુ જેવી સુગંધ આવે છે મચ્છર એની આસપાસ ભટકતા નથી.
મચ્છરને દાંત હોતા નથી એટલે તે અણિદાર અને લાંબા ડંખથી કરડે છે. મચ્છર ઠંડું લોહી ધરાવે છે, તેથી તેના શરીરનું તાપમાન વર્તમાન સમય અનુસાર બદલાય છે. મચ્છરોની યાદશક્તિ તેજ હોય છે. રિસર્ચ અનુસાર જ્યારે તમે કોઇ મચ્છરને મારવાનો પ્રયત્ન કરો છો તો એ ઓછામાં ઓછા 24 કલાક સુધી તમારી આસપાસ આવતો નથી. મચ્છર વ્યક્તિને તેની સુગંધથી ઓળખી જાય છે, તેથી જે તે વ્યક્તિ પાસે એ પહેલાં આવ્યો હતો કે નહીં? એની તેને ખબર પડી જાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે મચ્છર પોતાના વજન કરતાં ત્રણ ગણું વધારે લોહી પી શકે છે. મચ્છરો માટે પાણી જરૂરી છે, કારણ કે તે પાણીમાં જ ઇંડાંમાંથી લાર્વા બનાવે છે. મચ્છર જન્મના દસ દિવસ સુધી પાણીમાં જ રહે છે.
મચ્છરની ઉંમર બે મહિના જેટલી હોય છે. માદા મચ્છર કરતાં નર મચ્છરનું આયુષ્ય ઓછું હોય છે. દુનિયામાં આશરે 3500 કરતાં પણ વધારે પ્રકારના મચ્છર છે. મચ્છરની દરેક પ્રજાતિ માણસને કરડે છે એવું નથી, ઘણી પ્રજાતિઓ માણસોને જરાય હેરાન કરતી નથી. તે ફળો અને છોડના રસ ઉપર જીવે છે. મચ્છરની 100 પ્રજાતિઓ એવી છે જે ઘાતક છે. મચ્છરની પાંખ એક સેકન્ડમાં આશરે 500 વખત ફડફડે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો