ગયા અંકમાં આપણે એવા ઘણા અનોખા દેશો વિશે વાત કરી હતી. ચાલો, આ રસપ્રદ સફરને આગળ ધપાવીએ...  

ભુતાન - ટ્રાફિક સિગ્નલ વગરનો દેશ 

આપણો પાડોશી દેશ ભુતાન હિમાલયના ખોળે વસેલો ખૂબ જ શાંત, પ્રદૂષણમુક્ત અને સુંદર દેશ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આખા દેશમાં તમને એક પણ ટ્રાફિક લાઈટ જોવા નહીં મળે! ત્યાંના કેપિટલ સીટી થિમ્પુમાં પણ ટ્રાફિક કંટ્રોલ કરવા માટે એક ખાસ રંગબેરંગી કેબિનમાં પોલીસમેન હાથના ઇશારાથી વાહનોનું સંચાલન કરે છે અને લોકો પણ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે વાહન ચલાવે છે.   

સાન મરિનો - જ્યાં રેલવે લાઇન નથી 

સાન મરિનો એ યુરોપ ખંડની અંદર આવેલો એક નાનકડો અને ખૂબ જ જૂનો પહાડી દેશ છે. આ દેશની ચારેય બાજુ ઇટાલી દેશ આવેલો છે. પહાડી વિસ્તાર અને ખૂબ જ મર્યાદિત જગ્યા હોવાને કારણે આ દેશમાં કોઈ સક્રિય ટ્રેન કે રેલવે ટ્રેક નથી. અહીંના લોકો મુસાફરી કરવા માટે સંપૂર્ણપણે રોડ કનેક્ટિવિટી અને બસો પર જ નિર્ભર રહે છે.   

 ગ્રીનલેન્ડ - જ્યાં હાઈવેનું નેટવર્ક નથી 

 દુનિયાના આ સૌથી મોટા ટાપુ પર બરફ એટલો બધો છે કે એક શહેરથી બીજા શહેરને જોડતો કોઈ હાઈવે કે લાંબો રોડ જ નથી! અહીંના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પ્લેન, હેલિકોપ્ટર, બોટ અથવા શિયાળામાં બરફ પર ચાલતી સ્લેજ(કૂતરા ગાડી)નો ઉપયોગ કરે છે.  

આફ્રિકાનો નાઇજર (Niger) - જ્યાં દેશભરમાં એક પણ થિયેટર (Cinema Hall) નથી

મનોરંજન માટે આપણને સિનેમાહોલમાં જવું ખૂબ સામાન્ય લાગે છે, પરંતુ પશ્ચિમ આફ્રિકાના નાઇજર દેશમાં આખા દેશમાં એક પણ સક્રિય કોમર્શિયલ થિયેટર નથી. જોકે, તાજેતરમાં ત્યાં સાંસ્કૃતિક કેન્દ્રો શરૂ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પણ સત્તાવાર મોટા મલ્ટિપ્લેક્સ ત્યાં ગેરહાજર છે.  

 કોસ્ટા રિકા (Costa Rica) - કાયમી આર્મી કે સેના વગરનો દેશ

 સુરક્ષા માટે દરેક દેશ પાસે પોતાની મિલિટરી હોય છે, પરંતુ મધ્ય અમેરિકાના સુંદર દેશ કોસ્ટા રિકાએ વર્ષ 1948થી પોતાની સેના (Army) કાયમ માટે નાબૂદ કરી દીધી છે. તેઓ સેના પાછળ ખર્ચાતા પૈસા શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ વાપરે છે અને દેશની આંતરિક સુરક્ષા માત્ર પોલીસ સંભાળે છે.  


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો