આપણી પૃથ્વી ખૂબ જ સુંદર અને અદ્ભુત વિવિધતાથી ભરેલી છે. દુનિયાના દરેક દેશની પોતાની આગવી ખાસિયત, સંસ્કૃતિ અને ઓળખ છે, પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે દુનિયામાં કેટલાક એવા પણ દેશો છે, જ્યાં એવી વસ્તુઓ જ અસ્તિત્વ ધરાવતી નથી, જે આપણને રોજિંદા જીવનમાં ખૂબ સામાન્ય લાગે છે. ચાલો જાણીએ કે કયા દેશમાં કઈ ખાસ વસ્તુ નથી!
આઇસલેન્ડ - જ્યાં મચ્છર નથી!
ચોમાસાની ઋતુમાં કે રાત્રે સૂતી વખતે જ્યારે મચ્છરો ગુણગુણ કરે અને કરડે, ત્યારે આપણને કેટલો બધો ગુસ્સો આવે છે, પણ આઇસલેન્ડનાં બાળકોને મચ્છર શું હોય તેની ખબર જ નથી! આ દેશનું વાતાવરણ એટલું ઠંડું અને ત્યાંની આબોહવા એટલી ઝડપથી બદલાય છે કે મચ્છરો ત્યાં ઇંડાં મૂકી શકતાં નથી અને જીવી જ નથી શકતા. આખી દુનિયામાં આ એકમાત્ર એવો દેશ છે, જે સંપૂર્ણપણે `મોસ્કિટો-ફ્રી' એટલે કે મચ્છર વગરનો છે.
સિંગાપોર - ચ્યુઇંગ ગમ પર પ્રતિબંધ છે
જો તમને જુદી જુદી ફ્લેવરની ચ્યુઇંગ ગમ ચાવવી અને તેના મોટા-મોટા ફુગ્ગા બનાવવા ગમતા હોય, તો સિંગાપોર દેશમાં તમારે સાવધાન રહેવું પડે. આ દેશમાં ગમે ત્યાં ચ્યુઇંગ ગમ ખરીદવા, વેચવા કે ખાવા પર સખત મનાઈ છે. સિંગાપોર દુનિયાભરમાં પોતાની સ્વચ્છતા માટે જાણીતો છે. લોકો ગમે ત્યાં ગમ ચીપકાવીને સાર્વજનિક સ્થળો, ટ્રેનો અને બસોને ગંદી ન કરે એટલા માટે ત્યાંની સરકારે આ કડક નિયમ બનાવ્યો છે. વેલ, સ્વચ્છતા આવા કડક નિયમોથી જ જળવાતી હોય છે.
સાઉદી અરેબિયા - કાયમી વહેતી નદીઓ વગરનો દેશ
આપણા દેશમાં અનેક નદીઓ બારેમાસ વહે છે, પણ સાઉદી અરેબિયા એટલો સૂકો, ગરમ અને મોટો રણપ્રદેશ ધરાવતો દેશ છે કે ત્યાં એક પણ બારેમાસ વહેતી કુદરતી નદી નથી! ત્યાં પાણીની અછત પૂરી કરવા માટે જમીનની અંદરના કૂવાઓ અને સમુદ્રના ખારા પાણીને પીવાલાયક શુદ્ધ કરતી આધુનિક ટેક્નોલોજી પર આધાર રાખવો પડે છે.
મોનાકો - જ્યાં પોતાનું કોઈ એરપોર્ટ જ નથી
યુરોપમાં આવેલો મોનાકો દેશ દુનિયાનો બીજા નંબરનો સૌથી નાનો દેશ છે. આ દેશ વિસ્તારની દૃષ્ટિએ એટલો બધો નાનો છે કે ત્યાં પ્લેન ઉતારવા માટે રનવે કે મોટું એરપોર્ટ બનાવવા જેટલી જગ્યા જ નથી! જો કોઈ પ્રવાસીને મોનાકો જવું હોય, તો તેણે પડોશી દેશ ફ્રાન્સના નાઇસ એરપોર્ટ પર પ્લેનમાંથી ઊતરીને ત્યાંથી કાર, બસ કે ટ્રેન દ્વારા મોનાકો પહોંચવું પડે છે.
5. ભુતાન - ટ્રાફિક સિગ્નલ વગરનો દેશ
આપણો પાડોશી દેશ ભુતાન હિમાલયના ખોળે વસેલો ખૂબ જ શાંત, પ્રદૂષણમુક્ત અને સુંદર દેશ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આખા દેશમાં તમને એક પણ ઓટોમેટિક ટ્રાફિક લાઈટ (લાલ, પીળી, લીલી લાઈટ) જોવા નહીં મળે! ત્યાંના કેપિટલ સીટી થિમ્પુમાં પણ ટ્રાફિક કંટ્રોલ કરવા માટે એક ખાસ રંગબેરંગી કેબિનમાં પોલીસમેન હાથના ઇશારાથી વાહનોનું સંચાલન કરે છે અને લોકો પણ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે વાહન ચલાવે છે.
6. સાન મરિનો - જ્યાં રેલવે લાઇન નથી
સાન મરિનો એ યુરોપ ખંડની અંદર આવેલો એક નાનકડો અને ખૂબ જ જૂનો પહાડી દેશ છે. આ દેશની ચારેય બાજુ ઇટાલી દેશ આવેલો છે. પહાડી વિસ્તાર અને ખૂબ જ મર્યાદિત જગ્યા હોવાને કારણે આ દેશમાં કોઈ સક્રિય ટ્રેન કે રેલવે ટ્રેક નથી. અહીંના લોકો મુસાફરી કરવા માટે સંપૂર્ણપણે રોડ કનેક્ટિવિટી અને બસો પર જ નિર્ભર રહે છે.
તો બાળમિત્રો, છેને આપણી દુનિયા અજાયબીઓથી ભરેલી! જે વસ્તુઓ આપણા માટે સાવ સામાન્ય છે, તે દુનિયાના બીજા છેડે કેટલી અસામાન્ય અને દુર્લભ હોઈ શકે છે, તે આ દેશો આપણને શીખવે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
