ગયા અઠવાડિયે આપણે પૃથ્વીના એવા અનોખા દેશો વિશે વાત કરી હતી જ્યાં મચ્છર, નદી કે ટ્રાફિક સિગ્નલ જેવી સામાન્ય વસ્તુઓ પણ જોવા નથી મળતી. ચાલો, આ અઠવાડિયે આવી જ વધુ કેટલીક અદ્ભુત અજાયબીઓથી ભરેલા અન્ય દેશોની સફરે નીકળીએ:
વેટિકન સિટી - જ્યાં કોઈ જેલ નથી : દુનિયાના આ સૌથી નાના દેશમાં કોઈ કાયમી જેલ જ નથી! જો ત્યાં કોઈ નાનો-મોટો ગુનો બને, તો પણ ગુનેગારને સજા કરવા માટે પડોશી દેશ ઈટાલીની જેલમાં મોકલવામાં આવે છે.
માલદીવ્સ - પહાડો અને ટેકરીઓ વગરનો દેશ : સુંદર દરિયાકિનારા માટે જાણીતો માલદીવ્સ એટલો સપાટ દેશ છે કે ત્યાં એક પણ પહાડ, પર્વત કે નાની ટેકરી પણ નથી. તે દુનિયાનો સૌથી નીચો દેશ ગણાય છે.
મોંગોલિયા - જ્યાં મેકડોનાલ્ડ્સ નથી : આખી દુનિયામાં જેના બર્ગર ફેમસ છે, તે મેકડોનાલ્ડ્સનું એક પણ આઉટલેટ તમને મોંગોલિયામાં જોવા નહીં મળે! અહીંના લોકો હજુ પણ તેમના પરંપરાગત ખોરાકને વધુ પસંદ કરે છે.
તુવાલુ - જ્યાં કોઈ એટીએમ નથી : પેસિફિક મહાસાગરમાં આવેલા આ ટાપુ દેશમાં આખા દેશમાં એક પણ એટીએમ મશીન નથી. ત્યાં ક્રેડિટ કાર્ડ પણ ચાલતા નથી, લોકો માત્ર રોકડા રૂપિયાથી ખરીદી કરે છે.
નાઉરુ - પાટનગર વગરનો દેશ: દુનિયાના દરેક દેશને પોતાનું એક પાટનગર હોય છે, પરંતુ નાઉરુ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેનું કોઈ સત્તાવાર પાટનગર જ નથી!
લિક્ટેન્સ્ટાઇન - જ્યાં કોઈ દરિયાકિનારો નથી : યુરોપનો આ નાનકડો દેશ ડબલ લેન્ડલોક્ડ (Double Landlocked) છે. એનો અર્થ એ કે આ દેશની ચારેય બાજુ જે દેશો (ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લેન્ડ) આવેલા છે, તેમની પાસે પણ પોતાનો કોઈ દરિયાકિનારો નથી! એટલે લિક્ટેન્સ્ટાઇનમાં દરિયો છે જ નહીં, માટે અહીંના બાળકોએ દરિયો જોવા માટે બે દેશ પાર કરવા પડે છે.
સેશલ્સ (Seychelles) - જ્યાં કોઈ રેલવે સિસ્ટમ નથી : હિંદ મહાસાગરમાં આવેલો આ ખૂબ જ સુંદર અને નાનો ટાપુ દેશ છે. અહીં મુસાફરી કરવા માટે બસ, ટેક્સી અને ફેરી (બોટ) ઉપલબ્ધ છે, પરંતુ આખા દેશમાં એક પણ ટ્રેન કે રેલવે લાઇન અસ્તિત્વ જ ધરાવતી નથી. અહીંના લોકો કે જેઓ સેશલ્સથી બહાર નથી નીકળ્યા એમણે ટ્રેન માત્ર ફોટામાં જ જોઇ છે, તેમણે ટ્રેનમાં મુસાફરી તો નથી જ કરી સાથે સાથે કેવી હોય એ પણ ફોટા સિવાય નહીં જોઇ હોય.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો