આપણા ઘરમાં અને આપણી આસપાસ એવી અનેક વસ્તુઓ હોય છે, જેને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકાય છે. એમાં પિસ્તાંનાં ફોતરાંનો સમાવેશ પણ કરી શકાય. આપણે પિસ્તાં ખાઇને ફોતરાં સામાન્ય રીતે નાંખી દેતા હોઇએ છીએ. તેને ભેગાં કરીને એમાંથી અનેક ડેકોરેટિવ વસ્તુઓ બનાવી શકાય છે. આજે આપણે એ ફોતરાંમાંથી પક્ષી બનાવીશું.
સૌથી પહેલાં લંબચોરસ આકારનું કાર્ડ બોર્ડ લો. એની ઉપર સફેદ કલરનું કાર્ડ પેપર ફેવિકોલની મદદથી લગાવી દો. પેન્સિલથી અહીં ચિત્રમાં જે રીતે ઝાડ બનાવ્યું છે એ રીતે ઝાડ દોરી લો. નીચેના ભાગમાં ઘાસ પણ દોરો. ઘાસ અને ઝાડનાં પાંદડાંમાં લીલો કલર પૂરો. જ્યારે ઝાડના થડમાં છીંકણી એટલે કે કોફી કલર પૂરો. હવે પિસ્તાંમાં કલર પૂરીશું. અહીં કુલ તેર પિસ્તાંમાંથી પક્ષી બનાવવામાં આવ્યાં છે. તમારી પાસે પિસ્તાં વધારે હોય તો વધારે પક્ષી બનાવો. સૌથી પહેલાં તો પિસ્તાંનાં ફોતરાંને ઊંધાં કરીને એની ઉપર ઓઇલ પેઇન્ટ કલર પૂરો. અહીં લાલ, પીળો , કેસરી અને વાદળી કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કલર સુકાઇ જાય એટલે તેને ફેવિકોલથી ઝાડની ડાળી ઉપર એક પછી એક ચોંટાડી દો. ચોંટી જાય એટલે જે કલર પક્ષીમાં પૂર્યો હોય એ જ કલરની સ્કેચપેનથી પક્ષીની નીચેની નાની પૂંછ દોરી લો. છેલ્લે કાળી સ્કેચપેનથી એક પછી એક પક્ષીની ચાંચ દોરો. હવે પક્ષીની આંખ બાકી રહી હોય તો એ માટે પણ કાળી સ્કેચપેનથી ટપકું કરો એટલે પક્ષી બની જશે.
