ગુજરાતી ભાષા અને સંસ્કૃત વ્યાકરણમાં પ્રાચીન એટલે અત્યંત સમૃદ્ધ એવો અર્થ થાય છે. સામાન્ય વ્યવહારમાં પ્રાચીન શબ્દનો વિરોધી અર્વાચીન કે આધુનિક થાય છે. કોઇ વસ્તુ પરંપરા કે સ્થાપત્ય માટે જ્યારે પ્રાચીન શબ્દ વપરાય છે. ત્યારે તેમાં માત્ર સમયની લંબાઇ નહીં, પરંતુ મૂલ્ય, અનુભવ અને પવિત્રતાનો ભાવ પણ ઉમેરાય છે. પ્રાચીન મંદિરો, શિલ્પો અને કિલ્લાઓ આપણી સમૃદ્ધ વિરાસતના પ્રતીક છે. પ્રાચીન એટલે માત્ર જૂનું કે વિસરાઇ ગયેલું નહીં, પરંતુ જે સમયની કસોટીમાંથી પસાર થઇને આજે પણ પોતાના અસ્તિત્વ અને મૂલ્યની છાપ છોડી ગયું છે તે. તે ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો સેતુ છે, જે આપણને આપણા મૂળ સાથે જોડી રાખે છે.   

 પુરાતત્ત્વશાસ્ત્ર એ આપણા વારસાના સંશોધન માટેનો સૌથી મુખ્ય વિષય છે. જેમાં જૂના અવશેષો, સિક્કા, માટીનાં વાસણો, હથિયારો અને સ્થાપત્યોનું આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ જેમ કે, કાર્બન ડેટિંગ વડે પૃથક્કરણ શીખવવામાં આવે છે. પ્રાચીન પથ્થરો, તામ્રપત્રો અને ગુફાઓ પર લખાયેલા શિલાલેખો અને જૂની લિપિઓ જેમ કે, બ્રાહ્મી, ખરોષ્ઠી, શારદા કે મોડી લિપિ વાંચવા અને તેનો અર્થ સમજવા માટે અભિલેખશાસ્ત્ર અને પુરાલિપિવિદ્યાનો અભ્યાસ કરવો અનિવાર્ય છે.  

પ્રાચીન મંદિરો, કિલ્લાઓ, વાવ, મૂર્તિઓ અને તેમની શૈલીઓ સમજીને તેનો કાળખંડ નક્કી કરવા મૂર્તિશાસ્ત્ર અને સ્થાપત્યકળા જેવા વિષયો મદદરૂપ બને છે. પ્રાચીન ગ્રંથો, હસ્તપ્રતો અને દસ્તાવેજો વાંચવા માટે સંસ્કૃત, પાલી, પ્રાકૃત અને તમિલ જેવી પ્રાચીન ભાષાઓનું જ્ઞાન ખૂબ ઉપયોગી થાય છે. પ્રાચીન રાજાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા સોના, ચાંદી કે તાંબાના સિક્કાઓ પરથી તે સમયના અર્થતંત્ર, રાજાઓના સમયગાળા અને સરહદોનું સંશોધન કરવા માટે સિક્કાશાસ્ત્રનો અભ્યાસ કરાય છે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો