બાળકો, તમે જોયું હશે કે, છોકરો અને છોકરી બંને એક જ દિવસે અથવા એક જ સમયે જન્મ્યાં હોય ત્યારે થોડાં વર્ષો સુધી બંનેનો વિકાસ સરખો રહે છે, પરંતુ અચાનક છોકરાની ઊંચાઇ અને કદ વધવા લાગે છે. આવું કેમ થતું હશે? તમે આ અંગે ક્યારેય વિચાર્યું છે? આ કોઇ અકસ્માત નથી, પરંતુ એની પાછળ ગહન વિજ્ઞાન, જિનેટિક અને માનવ ઉત્ક્રાંતિનો ઇતિહાસ છુપાયેલો છે.
પ્યૂબર્ટી અને હોર્મોન્સ
હાઇટ વધવા પાછળનું સૌથી મોટું અને મુખ્ય કારણ પ્યૂબર્ટી એટલે કે યુવાનીની શરૂઆતનો સમય છે. છોકરીઓ સામાન્ય રીતે દસથી અગિયાર વર્ષની ઉંમરે પ્યૂબર્ટીમાં પ્રવેશે છે. આ સમયે તેમના શરીરમાં ઇસ્ટ્રોજન હોર્મોનનો સ્રાવ વધે છે. ઇસ્ટ્રોજન હાડકાંના વિકાસને ઝડપી બનાવે છે, પણ સાથે જ તે હાડકાના છેડા પર આવેલી ગ્રોથ પ્લેટ્સને ખૂબ જલદી બંધ કરી દે છે. આ કારણે પ્યૂબર્ટી શરૂ થયાનાં 2-3 વર્ષમાં જ છોકરીઓની હાઇટ વધવાનું લગભગ બંધ થઇ જાય છે. જ્યારે છોકરાઓમાં પ્યૂબર્ટી મોડી શરૂ થાય છે. સામાન્ય રીતે 12થી 13 વર્ષની ઉંમરે. આનો અર્થ એ થયો કે છોકરાઓ પાસે ઊંચાઇ વધારવા માટે છોકરીઓ કરતાં બે વર્ષનો સમય વધારે મળે છે. જ્યારે છોકરાઓ પ્યૂબર્ટીમાં પ્રવેશે છે ત્યારે તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનો ઉછાળો આવે છે, જે લાંબા સમય સુધી ગ્રોથ પ્લેટ્સને ખુલ્લી રાખે છે અને હાડકાંને લાંબાં તેમજ મજબૂત બનાવે છે.
જિનેટિક્સ અને ક્રોમોસોમ્સ
આપણી ઊંચાઇ નક્કી કરવામાં 80 ટકા હિસ્સો જિનેટિક્સનો હોય છે. છોકરાઓમાં એક્સ-વાય અને છોકરીઓમાં એક્સ-એક્સ ક્રોમોસોમ્સ હોય છે. પુરુષોના વાય ક્રોમોસોમ અને તેની સાથે જોડાયેલા જનીનો ખાસ કરીને એવા શારીરિક માળખાને પ્રોત્સાહન આપે છે, જે કદમાં મોટું અને ભારે હોય. પેઢીઓથી ચાલ્યા આવતા જીન્સના કારણે જ પુરુષોની સરેરાશ ઊંચાઇ સ્ત્રીઓ કરતાં આશરે પાંચથી છ ઇંચ વધારે હોય છે.
ઉત્ક્રાંતિ અને ઇતિહાસ
હજારો વર્ષ જૂના માનવ ઇતિહાસ પર નજર કરીએ, તો આદિમાનવના સમયથી પુરુષ શિકારી અને રક્ષકની ભૂમિકામાં હતો. પરિવારની રક્ષા કરવા, જંગલી પ્રાણીઓ સામે લડવા કુદરતે પુરુષોના શરીરને વધુ સ્નાયુબદ્ધ, પહોળું અને ઊંચું બનાવ્યું. જ્યારે સ્ત્રીઓની ભૂમિકા ગર્ભધારણ અને બાળ ઉછેરની હતી, તેથી તેમના શરીરને ઊંચા હોવા કરતાં આંતરિક રીતે મજબૂત બનાવ્યું. વિજ્ઞાનમાં આ પ્રક્રિયાને સેક્સ્યુઅલ ડિમોર્ફિઝમ કહેવામાં આવે છે. જે છોકરીનાં માતા-પિતા ખૂબ ઊંચાં હોય તો જિનેટિક્સના કારણે તેની હાઇટ સામાન્ય છોકરીઓ કરતાં વધુ હોઇ શકે છે. આ ઉપરાંત કસરત, સારો ખોરાક પણ ઊંચાઇ પર અસર કરે છે. ટૂંકમાં, છોકરાઓની હાઇટ વધારે હોવા પાછળ કુદરતનું અદ્ભુત આયોજન છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો