ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલે કે જ્યારે પણ આપણે ઈન્ટરનેટ, સ્માર્ટ ફોન કે કમ્પ્યૂટરનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણી પાછળ ડિજિટલ દુનિયામાં જે માહિતી કે છાપ છોડી જઈએ છીએ તેને ડિજિટલ ફૂટપ્રિન્ટ કહેવામાં આવે છે. જેમ ભીની માટીમાં ચાલવાથી આપણા પગનાં નિશાન બની જાય છે, તે જ રીતે ઈન્ટરનેટની દુનિયામાં આપણે કરેલી દરેક પ્રવૃત્તિનો એક રેકોર્ડ બની જાય છે. ડિજિટલ ફૂટપ્રિન્ટના મુખ્ય બે પ્રકાર છે. સક્રિય ડિજિટલ ફૂટપ્રિન્ટ અને નિષ્ક્રિય ડિજિટલ ફૂટપ્રિન્ટ.   

સક્રિય ડિજિટલ ફૂટપ્રિન્ટ : આ એવી માહિતી છે જે તમે પોતે જાણીજોઈને ઈન્ટરનેટ પર શેર કરો છો. જેમ કે, સોશિયલ મીડિયા પર ફોટો કે વીડિયો પોસ્ટ કરવો, ઈ-મેલ મોકલવો, વ્લોગ કે કોમેન્ટ લખવી વગેરે. જ્યારે નિષ્ક્રિય ડિજિટલ ફૂટપ્રિન્ટ એ એવી માહિતી છે જે તમારી જાણ બહાર કે આપોઆપ બેકગ્રાઉન્ડમાં એકઠી થાય છે. જેમ કે, વેબસાઈટ બ્રાઉઝ કરતી વખતે તમારું આઇપી એડ્રેસ, તમારું લોકેશન, વેબસાઈટ કૂકીઝ કે તમે કઈ પ્રોડક્ટ સર્ચ કરી તેનો ડેટા.  

 ડિજિટલ ફૂટપ્રિન્ટ અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે. તમે ઈન્ટરનેટ પરથી જે ડિલીટ કરો છો, તે સંપૂર્ણપણે ગાયબ થતું નથી. તેની કોઈ ને કોઈ નકલ અથવા સર્વર ડેટા રહી જ જાય છે. તેને કાયમી રેકોર્ડ કહેવામાં આવે છે. ભવિષ્યમાં જ્યારે તમે શાળા, કૉલેજ કે નોકરી માટે અરજી કરો છો, ત્યારે કંપનીઓ અથવા સંસ્થાઓ તમારું ઓનલાઈન વર્તન જોઈને તમારી માનસિકતા અને વ્યક્તિત્વનો અંદાજ લગાવે છે. જો તમારી અંગત માહિતી જેમ કે, બર્થડેટ, સરનામું, ફોનનંબર ઓનલાઈન ખુલ્લા રહે, તો હેકર્સ તેનો દુરુપયોગ કરી શકે છે, તેથી સુરક્ષા માટે જરૂરી છે. ઈન્ટરનેટ પર કંઈ પણ પોસ્ટ કરતી વખતે હંમેશાં વિચારવું જોઈએ.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો