એરોનોટિક્સ એટલે `વિમાન વિજ્ઞાન' અથવા `વૈમાનિકી'. સરળ શબ્દોમાં કહીએ તો, હવામાં ઊડી શકતાં વાહનોના અભ્યાસ, ડિઝાઇન, ઉત્પાદન અને નેવિગેશન કરવાના વિજ્ઞાન અને કળાને એરોનોટિક્સ કહેવામાં આવે છે.
આ શબ્દ મૂળ ગ્રીક શબ્દો `Aero' (હવા) અને `Nautes' (નાવિક કે મુસાફરી) પરથી બન્યો છે, જેનો શાબ્દિક અર્થ `હવામાં મુસાફરી કરવી' થાય છે. એરોનોટિક્સમાં એરોડાયનેમિક્સ, પ્રોપલ્શન, સંરચના અને મટીરિયલ અને ફ્લાઇટ કંટ્રોલ નેવિગેશનનો સમાવેશ થાય છે. એરોડાયનામિક્સની વાત કરીએ તો આ વિજ્ઞાન હવા અને તેની સાથે હવામાંથી પસાર થતી વસ્તુઓના વાતાવરણ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે છે. વિમાનની પાંખોની ડિઝાઇન કેવી રાખવી જેથી હવાના પ્રતિકારને ઘટાડીને તેને હવામાં અધ્ધર રાખી શકાય, તે આ વિભાગ હેઠળ નક્કી થાય છે. વિમાનને આગળ ધકેલવા માટે શક્તિ કે બળની જરૂર પડે છે. એરોનોટિક્સમાં જેટ એન્જિન, પ્રોપેલર અને રોકેટ એન્જિન જેવાં સાધનોનો અભ્યાસ કરવામાં આવે છે પ્રોપલ્શનમાં, જે વિમાનને જરૂરી ઝડપ પૂરી પાડે છે. હવામાં ઉડાન ભરતી વખતે વિમાન પર ભારે દબાણ આવે છે. આથી વિમાન મજબૂત પણ હોવું જોઈએ અને હલકું પણ રહેવું જોઈએ. આ માટે એલ્યુમિનિયમ એલોય, ટાઇટેનિયમ અને કાર્બન કમ્પોઝિટ જેવા વિશિષ્ટ મટીરિયલનો ઉપયોગ થાય છે. વિમાનને સુરક્ષિત રીતે ટેક-ઓફ કરવા, હવામાં ચોક્કસ દિશામાં મોકલવા અને લેન્ડ કરવા માટેનાં નિયંત્રણ સાધનો પણ આ વિજ્ઞાનનો મુખ્ય ભાગ છે, જે ફ્લાઇટ કંટ્રોલ અને નેવિગેશનમાં આવે છે. એરોનોટિક્સ માત્ર પેસેન્જર વિમાનો પૂરતું મર્યાદિત નથી; તેમાં હેલિકોપ્ટર, ગ્લાઈડર, ડ્રોન, લશ્કરી ફાઇટર જેટ્સ અને હોટ-એર બલૂન જેવા એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.
