ખગોળશાસ્ત્ર એ વિજ્ઞાનની એવી શાખા છે જે પૃથ્વીના વાતાવરણની બહાર રહેલા બ્રહ્માંડ અને તેમાં રહેલી તમામ આકાશીય વસ્તુઓનો અભ્યાસ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આકાશમાં દેખાતા સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, આકાશગંગા, ધૂમકેતુ અને બ્લેક હોલ જેવા રહસ્યમય પદાર્થો વિશે વૈજ્ઞાનિક રીતે જાણકારી મેળવવી એટલે ખગોળશાસ્ત્ર. આ વિજ્ઞાન પૃથ્વી પરની સૌથી જૂની પ્રાકૃતિક વિદ્યાઓમાંથી એક છે બ્રહ્માંડનાં વિશાળ રહસ્યોને સમજવા માટે ખગોળશાસ્ત્રને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. જેમ કે, અવલોકન ખગોળશાસ્ત્ર અને સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્ર. અવલોકન ખગોળશાસ્ત્રમાં વૈજ્ઞાનિકો ટેલિસ્કોપ, સેટેલાઇટ અને વિવિધ ઉપકરણોની મદદથી આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરે છે અને તેમનો ડેટા એકત્રિત કરે છે. સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્રમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિતના નિયમોનો ઉપયોગ કરીને આકાશી પદાર્થોની ઉત્પત્તિ, તેમનું આયુષ્ય અને બ્રહ્માંડના વિકાસની પ્રક્રિયાને સમજવા માટેના મોડલ તૈયાર કરવામાં આવે છે. માનવ સભ્યતાના વિકાસમાં ખગોળશાસ્ત્રનો ફાળો અદ્ભુત રહ્યો છે. જેમ કે, પ્રાચીન સમયમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિ જોઈને જ દિવસ, રાત, મહિના, વર્ષ અને ઋતુઓની ગણતરી કરવામાં આવતી હતી, જેના આધારે ખેતીની શરૂઆત થઈ. તેને સમય અને કેલેન્ડરમાં વિભાજિત કરવામાં આવે છે. દરિયાઈ મુસાફરી દરમિયાન નાવિકો ધ્રુવતારા અને અન્ય નક્ષત્રોની મદદથી જ સાચી દિશા શોધતા હતા. આજના સમયમાં આપણે જે જીપીએસ, સેટેલાઇટ ટીવી, હવામાનની આગાહી અને મોબાઈલ નેટવર્કનો ઉપયોગ કરીએ છીએ, તે સ્પેસ સાયન્સ અને ખગોળશાસ્ત્રના સંશોધનોને આભારી છે.