રસાયણશાસ્ત્ર એ પ્રાકૃતિક વિજ્ઞાનની એક મુખ્ય શાખા છે, જે દ્રવ્ય, તેના ગુણધર્મો, તેનું બંધારણ, તેની રચના અને તેમાં થતાં પરિવર્તનોનો અભ્યાસ કરે છે. આપણી આસપાસ રહેલી દરેક વસ્તુ હવા, પાણી, ખોરાક, દવાઓ અને માનવ શરીર પણ રસાયણોનું બનેલું છે, તેથી જ રસાયણશાસ્ત્રને અવારનવાર `મધ્યસ્થ વિજ્ઞાન'કહેવામાં આવે છે, કારણ કે તે ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ભૂસ્તરશાસ્ત્ર જેવાં વિજ્ઞાનનાં અન્ય ક્ષેત્રોને એકબીજા સાથે જોડે છે. રસાયણશાસ્ત્રની મુખ્ય શાખાઓની વાત કરીએ તો તેને પાંચ શાખાઓમાં વહેંચવામાં આવ્યું છે.
અકાર્બનિક રસાયણશાસ્ત્ર જેમાં ધાતુઓ, ખનિજો અને બિનકાર્બનિક સંયોજનોનો અભ્યાસ થાય છે. કાર્બનિક રસાયણશાસ્ત્ર જેમાં મુખ્યત્વે કાર્બન ધરાવતાં સંયોજનો અને જીવંત સજીવોનાં રસાયણોનો અભ્યાસ કરવામાં આવે છે. ભૌતિક રસાયણશાસ્ત્ર જેમાં રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન થતા ઊર્જાના ફેરફારો અને તેના ભૌતિક નિયમોનો અભ્યાસ થાય છે. વિશ્લેષણાત્મક રસાયણશાસ્ત્ર જે પદાર્થોના પૃથક્કરણ અને તેમના બંધારણને ઓળખવા માટે વપરાય છે.જૈવ રસાયણશાસ્ત્ર જે સજીવોના શરીરમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ જેમ કે, પાચન, શ્વસનનો અભ્યાસ કરે છે. આપણું દૈનિક જીવન રસાયણશાસ્ત્ર પર સંપૂર્ણપણે નિર્ભર છે. જેમ કે, રોગો સામે લડતી જીવનરક્ષક એન્ટિબાયોટિક્સ, રસી અને દવાઓ રાસાયણિક સંશોધનની જ દેન છે. પાકનું ઉત્પાદન વધારવા માટે વપરાતાં ખાતરો અને કીટકનાશકો રસાયણશાસ્ત્રની મદદથી બને છે. સાબુ, શેમ્પૂ, પ્લાસ્ટિક, કાપડ, રંગો અને પેકેજ્ડ ફૂડમાં રહેલા પ્રિઝર્વેટિવ્સ રસાયણશાસ્ત્રનાં જ ઉદાહરણો છે. ટૂંકમાં, રસાયણશાસ્ત્ર તે માનવ જીવનની પ્રગતિનો આધાર છે.
