ભૂગર્ભ જળ એટલે પૃથ્વીની સપાટીની નીચે, જમીનની અંદર રહેલું પાણી. જ્યારે વરસાદ પડે છે અથવા નદી, તળાવ જેવાં જળાશયોમાંથી પાણી વહી જાય છે, ત્યારે તેનો કેટલોક ભાગ જમીનમાં નીચે તરફ ઊતરે છે. આ પાણી માટીના કણો વચ્ચેની જગ્યાઓ, રેતીના સ્તરો અને ખડકોની તિરાડોમાંથી પસાર થઈને જમીનની અંદર ઊંડે સુધી જમા થાય છે. જમીનની અંદર જે સ્તરોમાં આ પાણી એકઠું થાય છે, તેને `જલભર' કહેવામાં આવે છે.  


ભૂગર્ભ જળ એ કુદરતી જળચક્રનો એક અત્યંત મહત્ત્વનો ભાગ છે. પૃથ્વી પર ઉપલબ્ધ મીઠા પાણીનો એક બહુ મોટો સ્રોત જમીનની અંદર છુપાયેલો છે. આ પાણીને કૂવા, બોરવેલ કે હેન્ડપંપ દ્વારા બહાર કાઢીને માનવ વપરાશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં એક મોટી વસ્તી પીવાના શુદ્ધ પાણી માટે ભૂગર્ભ જળ પર નિર્ભર છે. ભારતમાં ખેતીવાડી માટે, ખાસ કરીને ચોમાસા સિવાયની ઋતુમાં પાકને પાણી આપવા માટે કૂવા અને ટ્યૂબવેલ (બોર) દ્વારા આ પાણીનો સૌથી વધુ ઉપયોગ થાય છે. અનેક કારખાનાંઓ અને ઉદ્યોગો પોતાની દૈનિક જરૂરિયાતો માટે આ સ્રોત પર આધાર રાખે છે.  

 આજે વધતી વસ્તી, શહેરીકરણ અને સિંચાઈના અતિરેકને કારણે ભૂગર્ભ જળનો વપરાશ ખૂબ વધી ગયો છે. જમીનમાં જેટલું પાણી રિચાર્જ થાય છે, તેના કરતાં વધુ પાણી બહાર ખેંચાઈ રહ્યું છે, જેના કારણે ભૂગર્ભ જળના સ્તર સતત નીચે જઈ રહ્યા છે. આ કીમતી કુદરતી સંપત્તિને બચાવવા માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ આજે ખૂબ જ જરૂરી બન્યું છે.    

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: