`હેરિટેજ' એટલે વારસો અથવા ધરોહર. સરળ ભાષામાં કહીએ તો, આપણા પૂર્વજોએ આપણને આપેલી અને આપણે આવનારી પેઢીને સાચવીને સોંપવાની હોય એવી ઐતિહાસિક, સાંસ્કૃતિક કે કુદરતી સંપત્તિને હેરિટેજ કહેવામાં આવે છે. હેરિટેજ આપણને આપણા ભૂતકાળ સાથે જોડે છે અને આપણી ઓળખ વિશે જાણકારી આપે છે.
હેરિટેજ શબ્દ સાંભળતાં સામાન્ય રીતે આપણને જૂના કિલ્લા, મહેલો, મંદિરો, મસ્જિદો, ગુફાઓ અથવા ઐતિહાસિક ઇમારતો યાદ આવે છે, પરંતુ હેરિટેજનો અર્થ આટલો જ સીમિત નથી. કોઈ સમાજની પરંપરા, લોકકલા, સંગીત, નૃત્ય, ભાષા, હસ્તકલા, તહેવારો અને પેઢીઓથી ચાલતી આવતી જીવનશૈલી પણ સાંસ્કૃતિક વારસાનો ભાગ બની શકે છે. હેરિટેજને સામાન્ય રીતે સાંસ્કૃતિક અને કુદરતી વારસા એમ બે પ્રકાર પડે છે. માનવજાત દ્વારા બનાવવામાં આવેલી અને ઐતિહાસિક અથવા સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતી વસ્તુઓ તથા સ્થળો સાંસ્કૃતિક વારસામાં આવે છે. ભારતમાં તાજમહાલ, અજંતા ગુફાઓ અને એલોરા ગુફાઓ જેવાં સ્થળો આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસાનાં ઉત્તમ ઉદાહરણો છે. કુદરતે આપણને આપેલી એવી વિશિષ્ટ સંપત્તિ, જે પર્યાવરણ, જૈવવિવિધતા, વૈજ્ઞાનિક મહત્ત્વ અથવા કુદરતી સૌંદર્ય માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે, તેને કુદરતી વારસો કહી શકાય. પર્વતો, જંગલો, રણ, નદીઓ, સરોવરો, ટાપુઓ અને વિશિષ્ટ ભૂ-આકૃતિઓ તેનાં ઉદાહરણો છે. આવાં સ્થળોએ અનેક પ્રકારનાં પ્રાણીઓ અને વનસ્પતિઓનું જીવન પણ જોવા મળે છે, તેથી કુદરતી વારસાનું સંરક્ષણ પર્યાવરણ માટે પણ ખૂબ મહત્ત્વનું છે.
