મનોવિજ્ઞાન અથવા માનસશાસ્ત્ર એટલે સાઇકોલોજી. આ શબ્દ ગ્રીક ભાષાના સાયકી અને લોગોસ શબ્દનો બનેલો છે. જેમાંના સાયકી શબ્દનો અર્થ થાય છે આત્મા અને લોગોસનો અર્થ થાય છે વિજ્ઞાન. આમ, શરૂઆતના શબ્દાર્થના આધારે મનોવિજ્ઞાનને આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું.
આપણે જોઇએ છીએ કે, માનવી જાગ્રત હોય કે સૂતો હોય, કામ કરતો હોય કે શાંતિથી બેઠો હોય કે અવકાશમાં હોય, દરેક પરિસ્થિતિમાં પ્રત્યક્ષ જોઇ શકીએ કે ન જોઇ શકીએ તેવું કશુંક તે કરતો રહે છે. આ તેનું બાહ્ય કે આંતરિક વર્તન છે. મનોવિજ્ઞાન માનવીના આવા બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. કેટલાક લોકો મનોવિજ્ઞાનને ગાંડાઓનું વિજ્ઞાન સમજે છે, તો વળી કેટલાક તેને જાદુમંતર, જેનાથી બીજાના મનની વાતો સહેલાઇથી જાણી લેવાય. સામાન્ય માનવી કોઇ પણ ઘટનાને જુએ તેનાં કરતાં મનોવૈજ્ઞાનિકો જુદી જ રીતે ઘટનાને તપાસે છે. સામાન્ય માનવી જ્યારે કોઇ પણ ઘટનાને વ્યક્ત કરે, ત્યારે તેમાં તેનું તે વિશેનું અધકચરું જ્ઞાન, પાયા વગરના ખોટા ખ્યાલો, પૂર્વગ્રહયુક્ત વલણ વગેરે જવાબદાર હોય છે. જ્યારે મનોવૈજ્ઞાનિક કોઇ પણ ઘટનાને સંશોધનાત્મક અભિગમથી તપાસીને જ તેનાં ઊંડાણમાં જઇ તેના વિશે પૂરી વૈજ્ઞાનિક માહિતી એકત્રિત કરી, ચોક્કસ તારણો તારવે છે. મનોવિજ્ઞાન કોઇના વર્તન વિશેની કોઇ પણ ઘટનાને ચોક્સાઇથી, વસ્તુલક્ષી રીતે, વ્યવસ્થિત અને તાર્કિક રીતે તપાસે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાને શિક્ષણમાં કામ કરતી વ્યક્તિઓને શિક્ષણના પ્રશ્નો ઉકેલવા મનોવૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ આપ્યું છે.
