સીસ્મોલોજીને ગુજરાતીમાં `ભૂકંપશાસ્ત્ર' તરીકે ઓળખવામાં આવે છે. તે પૃથ્વી વિજ્ઞાનની એક મહત્ત્વપૂર્ણ શાખા છે. આ વિજ્ઞાનમાં મુખ્યત્વે ભૂકંપ, તેના ઉત્પત્તિ સ્થાન, પૃથ્વીના પેટાળમાં થતી હલનચલન અને તેના કારણે ઉદ્ભવતા કંપન અથવા તરંગોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે પૃથ્વીના પેટાળમાં આવેલા ખડકો તૂટે છે અથવા ખસે છે, ત્યારે વિશાળ માત્રામાં ઊર્જા મુક્ત થાય છે. આ ઊર્જા તરંગો રૂપે ચારેય તરફ ફેલાય છે, જેને `સીસ્મિક તરંગો' કહે છે. ભૂકંપશાસ્ત્રમાં મુખ્યત્વે બે પ્રકારના તરંગોનો અભ્યાસ થાય છે, જેને બોડી વેવ્સ અને સરફેસ વેવ્સ કહેવામાં આવે છે. બોડી વેવ્સ પૃથ્વીના અંદરના ભાગમાંથી પસાર થાય છે, જ્યારે સરફેસ વેવ્સ પૃથ્વીની સપાટી પર ગતિ કરે છે અને સૌથી વધુ વિનાશ નોતરે છે.   

સીસ્મોલોજીમાં ભૂકંપની તીવ્રતા અને કંપન માપવા માટે ખાસ સાધનોનો ઉપયોગ થાય છે. જેમ કે, સીસ્મોગ્રાફ જે પૃથ્વીના કંપનને નોંધતું યંત્ર છે. સીસ્મોગ્રામ એ કાગળ કે સ્ક્રીન પર મળતો તરંગોનો આલેખ છે. રિક્ટર સ્કેલ એટલે ભૂકંપમાંથી મુક્ત થયેલી ઊર્જાની તીવ્રતા માપવાનો સ્કેલ. પૃથ્વીની આંતરિક રચનાનો ખ્યાલ સીસ્મિક તરંગો દ્વારા આવે છે. એમાં પૃથ્વીનાં પોપડાં, મધ્યાવરણ અને કેન્દ્રીય ભાગમાંથી કેવી રીતે પસાર થાય છે, તેના પરથી પૃથ્વીના પેટાળની રચના જાણી શકાય છે. જોકે,ભૂકંપની ચોક્કસ આગાહી કરવી શક્ય નથી, પરંતુ સીસ્મોલોજીની મદદથી ભયજનક વિસ્તારો નકશા પર અંકિત કરી શકાય છે. આ ઉપરાંતસમુદ્રના પેટાળમાં આવતા ભૂકંપને ઓળખીને સુનામી અંગે સમયસર આગોતરી ચેતવણી આપી શકાય છે. ટૂંકમાં, સીસ્મોલોજી એ માત્ર ભૂકંપનો અભ્યાસ નથી, પરંતુ માનવજીવન અને માલ-મિલકતને કુદરતી હોનારતોથી બચાવવા માટેનું ઉપયોગી વિજ્ઞાન છે.