બાળકો, તમે ક્યારેય એ બાબતને વિચારી છે કે તમારા ઘરમાં રહેલું સ્માર્ટ સ્પીકર તમારી વાત આટલી સરળતાથી કેવી રીતે સમજી જાય છે? આ જાદુ એક ખાસ ટેક્નોલોજીને લીધે થાય છે, જેનું નામ છે `એઆઈ', એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ગુજરાતીમાં આપણે તેને `કૃત્રિમ બુદ્ધિમત્તા' કહીએ છીએ, એટલે કે માણસે બનાવેલી એવી બુદ્ધિ જે કમ્પ્યૂટર કે રોબોટને આપણી જેમ વિચારતા અને શીખતા શીખવે છે. હાલમાં `એઆઈ' નાનકડા બાળકની જેમ નવી નવી વસ્તુઓ શીખી રહ્યું છે, પણ વિચાર કરો, આગામી 10 વર્ષમાં જ્યારે તમે મોટા થઈ જશો, ત્યારે આ `એઆઈ' કેટલું શક્તિશાળી અને સ્માર્ટ થઈ ગયું હશે? એ જાણીએ


 ભણતર બનશે મજેદાર

ક્લાસમાં જ્યારે શિક્ષક કોઈ અઘરો દાખલો કે પ્રશ્નનો જવાબ સમજાવે છે, ત્યારે કેટલાંક બાળકોને તે જલદી સમજાઈ જાય છે અને કેટલાકને તે સમજતા થોડી વાર લાગે છે, ત્યારે ભવિષ્યમાં `એઆઇ' યુગમાં આ પ્રકારની મુશ્કેલી મહદ્અંશે દૂર થશે.   

`એઆઈ' દરેક બાળક માટે બાળકની સમજ અનુરૂપ અલગ રીત ડેવલપ કરી શકશે, જેનાથી બાળકને તે દાખલો કે પ્રશ્ન ઝડપથી સમજાઈ જશે. `એઆઈ' તમારો એક એવો ડિજિટલ ફ્રેન્ડ બનશે, જે તમારી શીખવાની સ્પીડને ઓળખી જશે. જો તમને વિજ્ઞાનનો કોઈ નિયમ ન સમજાતો હોય, તો તે તમને થ્રીડી વીડિયો કે નાની ગેમ બનાવીને પણ સમજાવશે. ટૂંકમાં, બાળકને ક્યારેય ભણવાની કોઈ બાબત અઘરી નહીં લાગે. તમે ઘેર બેઠાં બેઠાં પણ સ્પેસ અથવા ડાયનોસોરની દુનિયાની વર્ચ્યુઅલ સફર કરી શકશો.    

સ્માર્ટ ખેડૂત અને ભરપૂર અનાજ

ખેડૂતો આખા વર્ષ દરમ્યાન ખૂબ જ મહેનત કરીને આપણા માટે અનાજ ઉગાડે છે. અમુકવાર તેમને કુદરત સામે લાચાર બનવું પડે છે, ત્યારે ભવિષ્યમાં `એઆઈ' આપણા દેશના ખેડૂત મિત્રોને માટે ખૂબ જ મદદરૂપ બનશે. જે અંતર્ગત આકાશમાં ઊડતા નાના ડ્રોન કેમેરા આખા ખેતર પર નજર રાખશે, સાથે કયા છોડને પાણીની જરૂર છે અને ક્યાં જીવાત પડી છે, તે પણ ખેડૂતને મોબાઈલ પર તરત જ ખબર પડી જશે. ઉપરાંત, હવામાનની પાકી માહિતી પ્રાપ્ત થઈ શકશે. જેમ કે, વરસાદ ક્યારે આવશે, વાવાઝોડું ક્યારે ત્રાટકશે તેની સચોટ માહિતી `એઆઈ' અગાઉથી આપી દેશે, જેથી પાકને નુકસાન થતું બચાવી શકાય.   

 ડિજિટલ ચોરો સામે લડાઈ

ઘણા લોકો ઓનલાઈન છેતરપિંડી કે સાયબર ગુનાઓના ભોગ બને છે. ભવિષ્યમાં `એઆઈ' એક એવા ડિજિટલ સૈનિક જેવું કામ કરશે, જે ઇન્ટરનેટ પર થતી બધી જ હિલચાલ પર નજર રાખશે. જો કોઈ હેકર કે ચોર કોઈના પૈસા ચોરવાનો પ્રયત્ન કરશે, તો `એઆઈ' તેને આંખોના પલકારામાં પકડીને રોકી દેશે. સાથે ઈન્ટરનેટ વપરાશકર્તાના ડેટાને અયોગ્ય લોકોના હાથમાં જતા અટકાવશે.   

સલામત સફર

અત્યારે અમુક કંપનીની ડ્રાઈવર વગરની કાર અને ઊડતી ટેક્સી શરૂ થઈ છે, પરંતુ તે અત્યારે તેની બાળ અવસ્થામાં છે. સેલ્ફ ડ્રાઈવિંગ કાર આસપાસના ટ્રાફિકને જોઈને, બ્રેક મારીને એકદમ સેફ ચાલશે. મનુષ્યો જેવી ભૂલો મશીન નહીં કરે, એટલે રસ્તા પરના અકસ્માતોનું પ્રમાણ અને અકસ્માતોને કારણે થતા મૃત્યુનું કારણ ખૂબ જ ઘટી જશે. શહેરોમાં ટ્રાફિક સિગ્નલ આપમેળે નક્કી કરશે કે કઈ બાજુ ગાડીઓ વધારે છે અને તે પ્રમાણે લાઈટો બદલશે, પરિણામે આપણો સમય અને પેટ્રોલ બંને બચશે.   

હોસ્પિટલમાં સુપર હીરો જેવા ડોક્ટર્સ

ભવિષ્યમાં `એઆઈ' બીમારીને શરૂઆતના તબક્કાઓમાં જ ડિટેક્ટ કરી શકશે, પરિણામે બીમારી આવતા પહેલાં જ ખબર પડી જશે. સ્માર્ટ વોચ કે નાના ગેજેટ્સ તમારા શરીરના ધબકારા અને લોહીની તપાસ કરીને પહેલાંથી જ કહી દેશે કે તમને તાવ આવવાનો છે કે નહીં. 

તદ્ઉપરાંત `એઆઈ' અન્ય જરૂરી ક્ષેત્રોમાં મહત્ત્વનું યોગદાન આપશે. જેમ કે, પર્યાવરણ ક્ષેત્રે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ ઘટાડવા માટે ક્યાં કેટલાં વૃક્ષો વાવવાં અને કચરાનો યોગ્ય નિકાલ કેવી રીતે કરવો તેનું પ્લાનિંગ પણ તે કરશે. ફેક્ટરીઓ અને કારખાનાંઓમાં પણ અઘરા અને જોખમી કામો રોબોટ્સ કરશે, જેથી માણસોને કોઈ પણ પ્રકારની ઈજા ન થાય. મનોરંજન ક્ષેત્રે તમને ગમતા હોય તેવા જ વીડિયો, કાર્ટૂન અને ગેમ્સ `એઆઈ' તમને યોગ્ય પ્રોમ્પ્ટ લખવાથી બનાવી આપશે.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: