શરીરને ત્વરિત ઊર્જા આપતાં લીલાં નાળિયેર ગમે ત્યારે પીવો, એમાં બારેમાસ ઠંડું પાણી જોવા મળે છે. નાળિયેરની અંદર આટલું શુદ્ધ અને મધુર પાણી ક્યાંથી આવતું હશે? બીજું, બહારથી સંપૂર્ણ બંધ દેખાતું નાળિયેર અંદરથી પાણીથી ભરેલું કેવી રીતે હોય છે? બહારથી અત્યંત કડક દેખાતા ફળની અંદર પાણીનું હોવું એ આપણને કોઇ જાદુ જેવું લાગે છે, પણ હકીકતમાં એ કોઇ જાદુ નથી. લીલા નાળિયેર એ વનસ્પતિ વિજ્ઞાન અને કુદરતી પ્રક્રિયાનું એક અદ્ભુત ઉદાહરણ છે. જેના વિશે જાણીએ. 

મૂળ દ્વારા પાણીનું શોષણ 

નાળિયેર પાણી બનવાની શરૂઆત ઝાડના મૂળથી થાય છે. નાળિયેરના ઝાડનાં મૂળ જમીનની અંદર ઊંડે સુધી પથરાયેલાં હોય છે. આ મૂળ જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી અને તેમાં ઓગળેલાં જરૂરી ખનિજ તત્ત્વોને શોષી લે છે. હવે પ્રશ્ન એ થાય કે આ પાણી એટલી ઊંચાઈ પર કેવી રીતે પહોંચે છે?

 વિજ્ઞાનમાં આ પ્રક્રિયાને `ઓસ્મોસિસ'અને ઝાયલેમ ટિશ્યૂની કાર્યપદ્ધતિ કહેવામાં આવે છે. ઝાડની અંદર આવેલી સૂક્ષ્મ નળીઓ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કામ કરીને જમીનમાંથી શોષાયેલા આ પાણીને છેક મથાળે એટલે કે ટોચ ઉપર ઊગતા નાળિયેર સુધી પહોંચાડે છે.   

નાળિયેર પાણીનું નિર્માણ 

જ્યારે નાળિયેર ઝાડ પર બેસવાનું શરૂ થાય છે, ત્યારે તે અંદરથી સાવ ખાલી હોય છે. ઝાડ દ્વારા શોષાયેલું પોષકતત્ત્વોથી ભરપૂર પાણી નાળિયેરના આ ખાલી ભાગમાં એકઠું થવા લાગે છે. વનસ્પતિ વિજ્ઞાનની ભાષામાં આ પ્રવાહીને `લિક્વિડ એન્ડોસ્પર્મ'કહેવામાં આવે છે. આ પ્રવાહી મૂળભૂત રીતે નાળિયેરના બીજને પોષણ આપવા માટે હોય છે, જેથી ફળનો યોગ્ય વિકાસ થઈ શકે, એટલે કે જે પાણી આપણે પીએ છીએ તે વાસ્તવમાં નાળિયેરના ભ્રૂણના વિકાસ માટે કુદરતે બનાવેલો ખોરાક છે હોય છે.  

જેમ-જેમ સમય વીતતો જાય છે અને નાળિયેર પાકવા લાગે છે, તેમ-તેમ આ પાણીમાં રહેલાં ચરબી અને પોષકતત્ત્વો નાળિયેરની અંદરની ગોળાકાર દીવાલો પર જામવા લાગે છે. 

કાચા નાળિયેરમાં પાણીનું પ્રમાણ સૌથી વધુ હોય છે, કારણ કે ત્યારે એન્ડોસ્પર્મ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. સમય જતાં આ પ્રવાહી જામીને સફેદ મલાઈનું રૂપ લે છે. નાળિયેર પૂરેપૂરું પાકી જાય ત્યારે મોટાભાગનું પાણી કડક કોપરામાં ફેરવાઈ જાય છે, તેથી તેમાં પાણી ઘટી જાય છે.   

સ્વાસ્થ્ય માટે કુદરતી વરદાન 

ઝાડનાં મૂળ જમીનમાંથી પાણી શોષીને તેને કુદરતી રીતે ફિલ્ટર કરે છે. આ પ્રક્રિયા દરમિયાન તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને નેચરલ સુગર જેવા જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ ભળી જાય છે. આમ, નાળિયેરનું પાણી એ કુદરત દ્વારા 100% શુદ્ધ અને ફિલ્ટર થયેલું એક શક્તિશાળી ઓર્ગેનિક એન્ઝાઇમ ડ્રિંક છે. તેથી સ્વાસ્થ્ય માટે કુદરતી વરદાન સમાન છે.


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો